Pramāṇa · Search · About · API

Suyagada 341

Sūyagaḍa: ṭīkānusārī vivecana 341

Language
Gujarati

341

વિવેચન :–૨૯૦ થી ૨૯૩
– દેવતાની પૂજા માટે તાંબાનું વાસણ મથુરામાં ચંદાલક નામે પ્રસિદ્ધ છે. કરક – જળના આધારરૂપ કે મદિરાનું વાસણ, તે લાવ. હે આયુષ્યમાન! મારા માટે શૌચાલય બનાવ. જેના વડે તીર ફેંકાય તેવું ધનુષ મારા પુત્ર માટે લાવ. ત્રણ વર્ષનો બળદ લાવો. જેથી શ્રમણપુત્ર-તમારા પુત્ર માટે ગાડીએ જોડી શકાય.
– ઘટિકા - માટીની કૂલડી તથા ડિંડિમ-નગારું આદિ વાજિંત્ર વિશેષ તથા કપડાનો દડો મારા નાના રાજકુમાર રૂપ પુત્રને રમવા માટે લાવો. હવે ચોમાસું આવી રહ્યું છે, માટે વર્ષાકાળમાં રહી શકાય તેવું ઘર બનાવ તથા તે કાળને યોગ્ય ચોખા લાવો કે પકાવો, જેથી સુખેથી આવતા ચોમાસામાં સુખેથી રહી શકીએ. કહ્યું છે કે – આઠ માસમાં અને યુવાની કે પૂર્વકાળમાં મનુષ્ય એવું કર્તવ્ય કરવું જોઈએ જેથી અંતે સુખેથી રહી શકાય.
– બેસવા માટે યોગ્ય માંચી, તેને નવી સૂત્ર-પાટીથી ભરાવી લાવ. ઉપલક્ષણથી વ્યાઘ્રચર્મથી મઢાવી લાવ અને પગના મોજા કે લાકડાની ચાખડી ચાલવાને માટે લાવ કેમકે ખુલ્લા પગે હું જમીન ઉપર ચાલવા માટે સમર્થ નથી. અથવા ગર્ભમાં રહેલ પુત્રના દોહદ-મનોરથ તે પુત્રદૌહદ. અંતર્વર્તી ફલાદિ અભિલાષ વિશેષ. તેને પૂર્ણ કરવા પુરૂષો સ્ત્રીઓના કહેવાથી ખરીદેલા નોકર માફક આજ્ઞા કરવા યોગ્ય થઈ જાય છે. જેમ નોકરો પાસે લાજ રાખ્યા વિના બધાં કાર્ય કરાવે છે તેમ તે પુરૂષો સ્નેહપાશથી બંધાયેલ, વિષયના અર્થીઓને સંસારમાં અવતરવા વીથી જેવી સ્ત્રી વડે આદેશ કરાય છે. [નોકરની જેમ કામ કરાવે છે.]
– પુત્રનો જન્મ એ ગૃહસ્થીનું ફળ છે એટલે પુરૂષોનું ફળ કામભોગ છે અને તેનું ફળ-પ્રધાન કાર્ય પુત્રજન્મ છે. તે કહ્યું છે – આ તેના સ્નેહનું સર્વસ્વ ગરીબ અને ધનિકને સમાન છે, ચંદન અને ઔશીર વિના જ હૃદયનું અનુલેપન છે. જેથી તેને ‘શપનિકા’ એમ કહ્યું છે. એ બાળક અવ્યક્ત વાણી બોલે છે. [તેનાથી આકર્ષાઈ સાંખ્ય કે યોગ મતાનુયાયી કહે છે] સાંખ્ય અને યોગ-મતને છોડીને [તેનો પિતા થાઉં] તે મને ખૂબ પ્રિય લાગે છે.
વળી કહે છે - આ લોકમાં પુત્રસુખ પહેલું છે, બીજું સુખ પોતાનું છે ઈત્યાદિ. આ પ્રમાણે પુત્ર પુરૂષોને અભ્યુદયનું કારણ છે. તેના જન્મથી, તેને આશ્રીને જે વિડંબણા પુરૂષોને થાય છે તે બતાવે છે–
આ બાળકને તમે સાચવો, મારે ઘણું કામ હોવાથી ક્ષણમાત્ર પણ તેન સાચવવાની ફુરસદ નથી. સ્ત્રી ક્રોધિત થઈ કહે છે - હવે તેનો ત્યાગ કરી દો, હું એના સમાચાર પણ નહીં પૂછું. મેં તેને નવ માસ પેટમાં ઉપાડ્યો. તમે થોડી વાર તેને ખોળામાં બેસાડવા પણ રાજી નથી.
અહીં નોકરના દૃષ્ટાંતે પુરૂષોની તુલના કરે છે. નોકર તો ભયનો માર્યો કાર્ય કરે છે, જ્યારે પુરૂષ તો સ્ત્રીને વશ થઈ અનુગ્રહ માનતો ખુશ થઈને તેણીની આજ્ઞા પાળે છે. તે કહે છે–
પુરૂષ માને છે કે મને જે રૂચે છે, તે કાર્ય મારી સ્ત્રી મને બતાવે છે, પણ તે જાણતો નથી કે સ્ત્રી તેણીને પ્રિય હોય તે કરાવે છે. સ્ત્રીઓ પ્રાર્થના કરે તો પુરૂષ પ્રાણો તજી દે, માતાને કાઢી મૂકે, સ્ત્રીએ માંગેલું પુરૂષ શું ન આપે? શું ન કરે? મળ સાફ કરવા પાણી આપે, પગ પણ ધોઈ આપે, તેણીનો બળખો પણ ઝીલી લે, સ્ત્રીને વશ થઈ પુરૂષ બધું જ કરે.
આ પ્રમાણે પુત્ર નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તને આશ્રીને દાસની માફક સ્ત્રી તેને આજ્ઞા કરે છે અને તે પણ પુત્રના પોષવાના સ્વભાવ વાળા તે સ્ત્રીની સર્વ આજ્ઞા પાળનારા કેટલાંક મોહોદયમાં વર્તતા સ્ત્રીના નિર્દેશવર્તી બની આલોક-પરલોકના અપાયો વિસરી ઉંટની જેમ ભાર વહેનારા બને છે.

Linked texts (2)