Pramāṇa · Search · About · API

Suyagada 347

Sūyagaḍa: ṭīkānusārī vivecana 347

Language
Gujarati

347

વિવેચન :–૨૯૮, ૨૯૯
– વિશેષથી શુદ્ધ એવા સ્ત્રીસંપર્કના પરિહારરૂપ નિષ્કલંક લેશ્યાવાળા અર્થાત્‌ અંતઃકરણ વૃત્તિવાળા તથા આવા તે મર્યાદાવર્તી મેધાવી સાધુ; પરક્રિયા - સ્ત્રી આદિ પર પદાર્થો માટેની ક્રિયા અર્થાત્‌ વિષયભોગ દ્વારા પરોપકારકરણ અથવા બીજા દ્વારા પોતાના પગ દબાવવા આદિ ક્રિયા તે પરક્રિયા છે. તેને જ્ઞાની પરીહરે.
કહ્યું છે કે - વિષયભોગની ઉપાધિ વડે ન બીજાનું કાર્ય કરવું કે પગ ધોવડાવવા આદિ પોતાનું કાર્ય સ્ત્રી પાસે ન કરાવવું. આ પરક્રિયા વર્જન મન-વચન-કાયાથી કરે. તેથી કહે છે–
ઔદારિક કામભોગ માટે મનથી પણ ન જાય, બીજાને ન મોકલે કે બીજા જનારની અનુમોદના ન કરે. તે પ્રમાણે વચન અને કાયાથી ત્યાગ કરે. આ પ્રમાણે ત્રણ કરણ અને ત્રણ યોગથી ઔદારિક શરીરના નવ ભેદો થયા.
આ પ્રમાણે દેવતા સંબંધી નવ ભેદ ગણતા અઢાર ભેદથી બ્રહ્મચર્ય પાળે. જેમ સ્ત્રી પરીષહ સહન કરે તેમ શીત, ઉષ્ણ, દંશ, મશક, તૃણ આદિ સર્વે સ્પર્શે - પરીષહોને સહન કરે. આવા સર્વ સ્પર્શ સહે તે સાધુ છે.
– ઉક્ત વાત કોણે કરી? તે કહે છે - પૂર્વે કહ્યું તે બધુ ભગવંત મહાવીરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી એકમાત્ર પરહિતમાં રક્ત બનીને કહ્યું. સ્ત્રી સંપર્ક આદિ સંબંધી કર્મરજ દૂર કરનાર એવા ધૂતરજ તથા રાગ-દ્વેષરૂપ મોહ દૂર કરવાથી ધૂતમોહ એવા [વીર ભગવંતે કહ્યું છે.]
પાઠાંતરથી - જેમાં રાગમાર્ગ-રાગપંથ દૂર કરાયેલ છે તે સ્ત્રી સંસ્તવાદિ પરીહાર, તે બધું ભગવંત મહાવીરે કહ્યું છે. તેથી તે સાધુ સુવિશુદ્ધ અંતઃકરણથી રાગદ્વેષાત્મક સ્ત્રીસંપર્કથી મુક્ત થઈને સર્વ કર્મક્ષય થતાં સુધી સર્વ પ્રકારે સંયમ અનુષ્ઠાનમાં વર્તે - સંયમમાં ઉદ્યમવાળો બને.

Linked texts (2)