Pramāṇa · Search · About · API

Suyagada 440

Sūyagaḍa: ṭīkānusārī vivecana 440

Language
Gujarati

440

વિવેચન :–૩૮૩, ૩૮૪
– એકેન્દ્રિયાદિનો જે પંથ તે જાતિપંથ છે અથવા જાતિ એટલે જન્મ અને વધ એટલે મરણ. તે જાતિવધમાં વારંવાર વર્તતો અર્થાત્‌ એકેન્દ્રિયાદિમાં ભટકતો વારંવાર જન્મ-જરા-મરણને અનુભવતો ત્રસ-તેઉ, વાયુ, બેઈન્દ્રિય આદિમાં અને સ્થાવર - પૃથ્વી, અપ્‌, વનસ્પતિમાં ઉત્પન્ન થઈને બીજા કાયોને દુઃખ દેવાથી બંધાયેલા કર્મો વડે વારંવાર વિનાશ પામે છે.
તેવો ‘આયતદંડ’ જીવ ફરી જન્મી જન્મીને દારૂણ અનુષ્ઠાન કરતો બહુ ક્રૂરકર્મી બને છે. તે આવો નિર્વિવેક-સદ્‌અસદ્‌ વિવેકરહિત હોવાથી બાળ જેવો છે.
તે એકેન્દ્રિયાદિમાં જન્મીને જે પ્રાણી-ઉપમર્દકારી કર્મો કરે છે, તે તે જ કર્મો વડે મરે છે કે પૂરાય છે. અથવા તે હિંસા કરે છે અથવા બહુ ક્રૂરકર્મી હોય, તે ‘‘આ ચોર છે, આ લંપટ છે’’ એમ પોતાના કર્મોથી મપાય છે.
– તે કયા સ્થાને કર્મો વડે મપાય છે? તે કહે છે - જે શીઘ્રફળ દેનારા કર્મો છે, તે તો એ જ જન્મમાં ફળ આપે છે અથવા બીજા જન્મે નરકાદિમાં તે કર્મો ફળ આપે છે. એટલે એક જ જન્મમાં તીવ્ર ફળ આપે છે અથવા ઘણા જન્મોમાં આપે છે. જેવા પ્રકારે અશુભને આચરે તેવા જ પ્રકારે ફળ ઉદયમાં આવે છે અથવા બીજી રીતે. એટલે કોઈ કર્મ તે ભવે ફળ આપે, કોઈ બીજા ભવે. જેમ મૃગાપુત્રનું દુઃખ વિપાકશ્રુત નામક આગમસૂત્રમાં કહ્યું છે.
જો દીર્ઘકાળની સ્થિતિનું કર્મ હોય તો બીજા જન્મોમાં વેદાય છે. તે પણ એકવાર કે અનેકવાર ભોગવે છે અથવા અન્ય પ્રકારે એક વાર કે હજાર વાર શિરચ્છેદ આદિ અને હાથ-પગનું છેદનાદિ અનુભવે છે. આ પ્રમાણે તે કુશીલ પુરૂષો આયત દંડવાળા ચાર ગતિવાળા સંસારમાં વારંવાર - X - ભટકતા પ્રકૃષ્ટ-પ્રકૃષ્ટ દુઃખ અનુભવે છે. પૂર્વજન્મોમાં કરેલા કર્મોના ફળ અનુભવતા આર્ત્તધ્યાનથી ઉપહત થઈ, બીજા કર્મો બાંધે છે અને વેદે છે. દુષ્ટતાથી કરેલ તે દુષ્કૃત. આવા પોતે કરેલા દુષ્કૃતો જન્ય કર્મોનો વિનાશ થતો નથી. તે જ કહે છે–
હે જીવ! તું ખેદ ન કર, તું વિમનસ્ક દુર્મનસ્ક દીન શા માટે થાય છે? કારણ કે ચિંતા કરવા માત્રથી પૂર્વે કરેલા કર્મો નાશ થતા નથી. કદાચ તું પાતાળમાં પેશીશ, જંગલમાં - દરિયામાં - ગુફામાં કે સમુદ્રમાં છૂપાઈશ. તો પણ પૂર્વે કરેલા કર્મો નાશ નહીં પામે, વ્યર્થ તારા આત્માનો ઘાત કરીશ.
આ પ્રમાણે ઓઘથી કુશીલોનું વર્ણન કર્યું, હવે પાખંડી-વિશે કહે છે.

Linked texts (2)