Pramāṇa · Search · About · API

Suyagada 448

Sūyagaḍa: ṭīkānusārī vivecana 448

Language
Gujarati

448

વિવેચન :–૩૯૫ થી ૩૯૮
– જો જળસંપર્કથી જ મોક્ષ થતો હોય, તો જે સતત પાણીમાં અવગાહે છે, તે મત્સ્ય, કૂર્મ, સરીસૃપ, મદ્‌ગવ, જલઉંટ તથા જળ મનુષ્ય આકૃતિવાળા જળરાક્ષસ વિશેષ, આ બધાં પહેલાં મોક્ષે જશે. પણ તેવું દેખાતું નથી. ઈષ્ટ પણ નથી. માટે જે જળથી મોક્ષ બતાવે છે, તે અયુક્ત છે. એવું મોક્ષમાર્ગને જાણનારા નિપુણો કહે છે.
– વળી જો પાણી કર્મમલને હરે તો પુણ્યનો પણ નાશ કરે છે, જો પુણ્યનો નાશ ન કરે, તો કર્મ-મલનો પણ નાશ ન કરે. માટે મરજીમાં આવે તેમ બોલો છો કે - ‘‘જલ પાપનો નાશ કરે છે’’ તે યોગ્ય નથી. આ પ્રમાણે સિદ્ધ થવાથી જે સ્માર્ત માર્ગને અનુસરતા જે સ્નાનાદિ ક્રિયા કરે છે, તે જેમ એક જાતિઅંધ, બીજા જાતિઅંધ નેતાને અનુસરીને જતાં કુપથના આશ્રયી બને છે, ઈચ્છિત સ્થાને પહોંચતા નથી. એમ સ્માર્ત માત્રને અનુસરનારા જલ-શૌચ પરાયણા, અજ્ઞાની, કર્તવ્ય-અકર્તવ્ય વિવેકરહિત થઈને પાણી તથા તેને આશ્રીને રહેલા પૂરા વગેરે જીવોનો પણ ઘાત કરે છે. કેમકે જલક્રિયાથી અવશ્ય પ્રાણની હાનિ સંભવે છે.
– વળી પાપના ઉપાદાનભૂત જે પ્રાણીઓને દુઃખ દેનારા કૃત્યો કરનારો જીવ જે કર્મો એકઠાં કરે છે, તે કર્મ-પાપને જો પાણીથી દૂર કરતું હોય તો એમ સિદ્ધ થાય કે પ્રાણીના ઉપમર્દનથી જે કર્મો બંધાય તે જળના અવગાહનથી દૂર થાય છે. તેથી જળના જીવોના ઘાતકો પાપથી ઘણાં ભારે થયા હોય તે પણ મોક્ષમાં જાય. પણ તેવું કદી જોયું કે જાણ્યું નથી. તેથી જળના અવગાહનથી સિદ્ધિ માનનારા જૂઠું બોલે છે.
– જેઓ અગ્નિહોત્ર-હોમ વડે સ્વર્ગની વાંછા કરે છે તે કહે છે - કેટલાંક મૂઢો અગ્નિમાં હોમ કરીને સુગતિગમન આદિ સ્વર્ગ પ્રાપ્તિ રૂપ કૃત્ય બતાવે છે - કેવા? સાંજે કે વિકાલે અને પ્રભાતકાળે અગ્નિમાં, જે ઈષ્ટ હોય તેવી વસ્તુ હોમીને અગ્નિને તૃપ્ત કરતા ઈષ્ટ ગતિની અભિલાષા કરે છે તેઓ આ પ્રમાણે બોલે છે – અગ્નિના આ કાર્યથી જ સિદ્ધિ મળશે. જો તેમના કહેવા પ્રમાણે અગ્નિના સ્પર્શથી જ સિદ્ધિ થતી હોય, તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓ - અંગારદાહક, કુંભાર, લુહાર આદિની સિદ્ધિ થાય. જો તેઓ એમ કહે કે મંત્રો વડે પવિત્ર કરીને હોમીએ છીએ, તો તે પણ તે વાત માત્ર તેમનાં મિત્રો જ માનશે.
કેમ કે તે કુકર્મીઓને પણ અગ્નિના કાર્યમાં અંતે રાખ બને છે અને અગ્નિ હોત્રિકાદિઓને પણ અગ્નિ વડે રાખ જ બને છે, તેમાં કોઈ ભેદ પડતો નથી. તેથી કુકર્મીઓ કરતા અગ્નિહોત્રીના કર્મકાંડમાં કોઈ વિશેષતા નથી. વળી જે કહે છે કે – ‘‘અગ્નિમુખા દેવો છે’’. તે પણ યુક્તિ યુક્ત નથી, કહેવાનું જ માત્ર છે. વિષ્ઠાદિનું પણ અગ્નિ ભક્ષણ કરે છે. તેથી જો અગ્નિને દેવ માનો તો ઘણાં દોષો ઉત્પન્ન થશે.
આ પ્રમાણે કુશીલ દર્શનો બતાવ્યા, હવે તેઓને સામાન્ય ઠપકો આપે છે.

Linked texts (2)