Pramāṇa · Search · About · API

Suyagada 459

Sūyagaḍa: ṭīkānusārī vivecana 459

Language
Gujarati

459

[નિર્યુક્તિ–૯૬]
આત્મસંબંધી, તે અધ્યાત્મ, તેમાં જે રહે તે આધ્યાત્મિક. અર્થાત્‌ આંતરશક્તિજનિત-સાત્વિક. તે અનેક પ્રકારે છે - તેમાં ઉદ્યમ એટલે જ્ઞાન, તપ, અનુષ્ઠાનાદિમાં ઉત્સાહ. તેને પણ સંભવ, સંભાવ્ય બે ભેદ યોજવા. ધૃતિ એટલે સંયમમાં સ્થૈર્ય-ચિત્ત સમાધાન. ધીરત્વ એટલે પરીષહ-ઉપસર્ગમાં ચલાયમાન ન થવું. શૌંડીર્ય-એટલે ત્યાગ સંપન્નતા-ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય છોડતાં પણ મનમાં આંચકો ન લાગ્યો અથવા દુઃખમાં ખેદ ન કરે અથવા વિષમ કર્તવ્ય આવે છતાં બીજાની મદદ ઈચ્છા વિના, આ મારું જ કર્તવ્ય છે, એમ માનીને ખુશ થતો તે કાર્ય કરે. ક્ષમાવીર્ય એટલે કોઈ ગમે તેટલો આક્રોશ કરે તો પણ મનથી લેશમાત્ર ક્ષોભ ન પામે. પણ આ રીતે વિચારે - ભાવના ભાવે–
કોઈ આક્રોશ કરે ત્યારે બુદ્ધિમાને તત્ત્વાર્થ ગવેષણા મતિ રાખવી કે જો તેનો ક્રોધ સાચો છે તો રોષ શું કરવો? જો ખોટો છે, તો રોષનો અર્થ શું? વળી આક્રોશ, હનન, મારણ તે ધર્મભ્રષ્ટ મૂર્ખ જીવોને સુલભ છે, તેવા સમયે ધીર પુરૂષ એ ત્રણેમાં અનુક્રમે વધુ લાભ છે તેમ માને.
ગાંભીર્ય-પરીષહ ઉપસર્ગમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવું ઉત્કૃષ્ટ અનુષ્ઠાન હોય તો પણ અહંકાર ન કરે. કહ્યું છે - ઘડામાં ખોબા જેટલું ઓછું પાણી હોય તો પણ ઉછળે, ઝાંઝરમાં ઘુઘરી અવાજ કરે. પણ ભરેલ ઘડો ન છલકાય, રત્નજડીત આભૂષણ ન ખણકે.
ઉપયોગ વીર્ય સાકાર-અનાકાર ભેદથી બે પ્રકારે છે. તેમાં સાકાર ઉપયોગ આઠ પ્રકારે છે, અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. તેનાથી ઉપયોગવાળો, પોતાના વિષયનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પરીચ્છેદ કરે-સમજે. યોગ વીર્ય મન-વચન-કાયાથી ત્રણ ભેદે છે. તેમાં મનોવીર્ય તે અકુશળ મનનો નિરોધ અને કુશળ મનનું પ્રવર્તન અથવા મનનું એકત્વીભાવ કરણ. મનોવીર્યથી જ નિર્ગ્રન્થ સંયતોના પરિણામોમાં વૃદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થાય છે. વચનવીર્યથી બોલનારો પુનરુક્તિ રહિત અને નિરવદ્ય વચન બોલે. કાયવીર્ય તે હાથ-પગ સ્થિર રાખી કાચબા માફક બેસે. તપોવીર્ય તે બાર પ્રકારે તપ ઉત્સાહથી કરે, ખેદ ન કરે.
આ પ્રમાણે ૧૭ ભેદે સંયમ, એકત્વ આદિ ભાવનાના બળથી જે પ્રવૃત્તિ તે સંયમવીર્ય, મને સંયમમાં કઈ રીતે અતિચાર ન લાગે. એ રીતે અધ્યવસાયીની પ્રવૃત્તિ ઈત્યાદિ અધ્યાત્મવીર્ય વગેરે ભાવવીર્ય છે.
વીર્યપ્રવાદ પૂર્વમાં અનંતવીર્યનું પ્રતિપાદન છે - કેવી રીતે? - જે કારણે અનંત અર્થ પૂર્વ છે, તે પ્રમાણે વીર્ય પણ સમજવું. તેનું અનંત અર્થપણું આ પ્રમાણે સમજવું –
બધી નદીઓની રેતીની જે ગણના થાય, તેના કરતા ઘણો વધુ અર્થ એક પૂર્વનો હોય છે. આ પ્રમાણે પૂર્વમાં અનંત અર્થપણું છે. તેના અર્થથી વીર્યની અનંતતા જાણવી. બધું વીર્ય ત્રણ પ્રકારે છે તે બતાવવા કહે છે–

Linked texts (1)