Suyagada 485
Sūyagaḍa: ṭīkānusārī vivecana 485
- Language
- Gujarati
485
વિવેચન :–૪૩૩ થી ૪૩૬
– જે કોઈ સ્વયંબુદ્ધ-તીર્થંકરાદિ કે તેમના શિષ્યો, બુદ્ધ બોધિત-ગણધરાદિ મહાપૂજ્ય, કર્મવિદારણ સમર્થ, અથવા જ્ઞાનાદિ ગુણોથી શોભિત-વીર તથા સમ્યક્ત્વદર્શી-પરમાર્થ તત્ત્વવેદી ભગવંતોનું જે પરાક્રમ - તપ, અધ્યયન, યમ, નિયમાદિમાં થાય તે શુદ્ધ, નિરુપરોધ, શાતા ગારવ-શલ્ય-કષાયાદિ દોષરહિત કર્મબંધ કરાવતું નથી, પણ નિર્જરાને માટે જ થાય છે. તેથી કહે છે –
સમ્યગ્દૃષ્ટિના સર્વે સંયમ તપપ્રધાન અનુષ્ઠાન છે, કેમકે સંયમથી આશ્રવ રોકાય છે અને તપથી નિર્જરા થાય છે. કહ્યું છે કે સંયમ અનાશ્રવરૂપ, તપ નિર્જરા ફળદા છે.
– વળી ઈક્ષ્વાકુ આદિ જે મહાકુલ છે, તે લોકપ્રસિદ્ધ શૌર્યાદિ ગુણો થકી વિસ્તીર્ણ યશવાળા છે, તેમના પણ પૂજા-સત્કારાદિને માટે કે કીર્તન વડે કરાયેલ તપ અશુદ્ધ થાય છે. તેથી દાન-શ્રાદ્ધાદિ ગૃહસ્થો ન જાણે તે રીતે આત્માર્થીએ તપ કરવો. સ્વપ્રશંસા પણ ન કરવી. જેમ કે - હું ઉત્તમ કુલનો કે શ્રેષ્ઠી હતો અને હાલ આવો મોટો તપસ્વી છું. એ રીતે પોતાની જાતે પ્રગટ કરી, પોતે કરેલ અનુષ્ઠાન ફોગટ ન કરે.
– સ્વાભાવિક અલ્પ ભોજન કરનારો અર્થાત્ જેવું મળે તે ખાનારો, એ રીતે પાણીમાં પણ સમજવું. આગમમાં પણ કહ્યું છે - જે મળે તે ખાનાર, જ્યાં સ્થાન મળે ત્યાં સુનાર, જે મળે તેમાં સંતુષ્ટ એવા હે વીર! તે ખરેખર આત્માને જાણ્યો છે તથા મુખમાં સુખેથી જાય તેવા પ્રમાણ વાળા આઠ કોળીયા ખાનાર અલ્પાહારી છે, બાર કોળીયે અપાર્ધ ઉણોદરી, સોળ કોળીયે અર્ધ ઉણોદરી, ૨૪ કોળીયે અલ્પ ઉણોદરી, ૩૦ કોળીયે પ્રમાણ પ્રાપ્ત અને ૩૨ કોળીયે સંપૂર્ણ આહાર છે. આ રીતે એક-એક કોળીયાની હાનિથી ઉણોદરી જાણવી. એ રીતે પાણી, ઉપકરણમાં પણ ઉણોદરતા જાણવી. તે જ કહ્યું છે કે–
થોડું ખાય, થોડું બોલે, થોડી નિદ્રા કરે, થોડાં ઉપધિ - ઉપકરણ હોય તેને દેવો પણ નમે છે. તથા સુવ્રતી-સાધુ પરિમીત અને હિતકારી બોલે અર્થાત્ સર્વદા વિકથારહિત બને.
ભાવ ઉણોદરી આશ્રીને કહે છે - ભાવથી ક્રોધાદિનો ઉપશમ કરી ક્ષમાપ્રધાન તથા લોભાદિના જયથી આતુરતા રહિત તથા ઈન્દ્રિય અને મનને દમવાથી જિતેન્દ્રિય.
તે જ કહ્યું છે - જેણે કષાયો દૂર કર્યા નથી, જેનું મન પોતાને વશ નથી, ઈન્દ્રિયોને ગોપવી નથી તેણે ફક્ત જીવવા માટે જ દીક્ષા લીધી છે. તેથી આશંસા દોષરહિત થઈ સર્વકાળ સંયમાનુષ્ઠાનમાં યત્ન કરે.
– વળી, ‘‘ચિત્તનિરોધ’’ તે ધ્યાન, ધર્મધ્યાનાદિ.
યોગ એટલે વિશિષ્ટ મન-વચન-કાયવ્યાપાર.
આવા ધ્યાન યોગને સમ્યક્ ગ્રહણ કરી, અકુશલ યોગમાં વર્તતી કાયાને રોકે - તજે.
સર્વ પ્રકારે - હાથ, પગને બીજાને પીડાકારી વ્યાપારમાં ન રોકે
તથા પરીષહ-ઉપસર્ગ સહેવારૂપ ક્ષાંતિને મુખ્ય જાણીને સર્વ કર્મનો ક્ષય થાય ત્યાં સુધી સંયમાનુષ્ઠાન કરે. - X - X -
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati