Pramāṇa · Search · About · API

Suyagada 537

Sūyagaḍa: ṭīkānusārī vivecana 537

Language
Gujarati

537

વિવેચન :–૫૦૫ થી ૫૦૮
[૫૦૫] સર્વે અનુકૂળ યુક્તિ કે સાધન વડે પૃથ્વી આદિ જીવનિકાય સાધવા અથવા અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિકને છોડીને, ન્યાયી પક્ષને સ્વીકારી, અન્યાય પક્ષને તજીને અનુયુક્તિ વડે સદ્‌વિવેકી સાધુ પૃથ્વી આદિ જીવનિકાયને વિચારી જીવપણે સાધીને તથા સર્વે જીવો દુઃખના દ્વેષી અને સુખના ઈચ્છુક છે માટે મતિમાન કોઈપણ પ્રાણીને ન હણે. તેને સિદ્ધ કરનારી યુક્તિઓ સંક્ષેપથી આ પ્રમાણે છે–
પૃથ્વી જીવરૂપ છે, પરવાળા-લવણ-પત્થર આદિ પૃથ્વી જીવો આપણા શરીરમાં વધતા હરસ માફક વૃદ્ધિ પામે છે તથા પાણી પણ જીવ છે કેમકે જમીન ખોદતાં દેડકા માફક તુર્ત નીકળે છે. તે રીતે અગ્નિ જીવ છે, બાળકની જેમ તેને યોગ્ય આહાર મળતા વૃદ્ધિ પામે છે. વાયુ પણ જીવ છે કેમકે ગાયની માફક કોઈની પ્રેરણા વિના નિયત તિરછી ગતિવાળો છે. વનસ્પતિ પણ જીવ છે. કેમકે તેમાં જન્મ, જરા, મરણ, રોગાદિનો સમુદિત સદ્‌ભાવ સ્ત્રીની માફક છે કેમ કે કાપવાથી ઉગે છે. - X -સ્પર્શથી સંકોચાય છે, નિદ્રા લે છે, જાગે છે, આશ્રય લઈ વધે છે ઈત્યાદિથી વનસ્પતિનું ચૈતન્ય સિદ્ધ છે. બેઈન્દ્રિયાદિ કૃમી વગેરેમાં સ્પષ્ટ ચૈતન્ય છે.
સાધુ મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન એ નવ ભેદે તેને પીડાકારી ઉપમર્દનથી નિવર્તે. તેના સમર્થનમાં કહે છે–
[૫૦૬] જીવહિંસાથી અટકવું તે જીવસ્વરૂપ અને તેના વધથી થતાં કર્મબંધને જાણનારનું [જ્ઞાન સૂચવે છે.] - X - અહિંસાનો આદર જણાવતા કહે છે – દુઃખનો દ્વેષ અને સુખની ઈચ્છા બધાંને છે માટે પ્રાણીને હણે નહીં. જ્ઞાનીના ઘણાં જ્ઞાનનો આ જ સાર છે કે - જીવહિંસાથી અટકવું. પરમાર્થથી તેને જ જ્ઞાન કહેવાય જે પરપીડાથી નિવર્તે. કહ્યું છે–તે ભણવાથી શું? ‘ભૂસા જેવા કરોડ પદ ભણે, પણ એટલું ન સમજે કે બીજાને પીડા ન કરવી.’ આ જ અહિંસા પ્રધાન આગમનો સંકેત કે ઉપદેશ છે કે આવો અહિંસા સિદ્ધાંત આટલો જ જાણે, તેથી વિશેષ પરિજ્ઞાનથી શું? આટલા જ જ્ઞાનથી મુમુક્ષુ પોતાના નિશ્ચિત કાર્યને પૂર્ણ કરે છે, માટે કોઈની હિંસા ન કરવી.
હવે ક્ષેત્ર પ્રાણાતિપાત કહે છે–
[૫૦૭] ઊંચે, નીચે કે તિરછા જે કોઈ તેઉ, વાયુ, બેઈન્દ્રિયાદિ ત્રસ જીવો છે તથા પૃથ્વી આદિ સ્થાવરો છે. ઘણું શું કહીએ? ત્રસ સ્થાવર સૂક્ષ્મ બાદર ભેદવાળા જીવોની હિંસાથી સર્વત્ર નિવૃત્તિ કરવી. પરમાર્થથી એ જ જ્ઞાતા છે જે સમ્યક્‌તયા જીવરક્ષા કરે.
આ પ્રાણાતિપાત નિવૃત્તિ શાંતિનો હેતુ હોવાથી શાંતિરૂપ છે. કેમ કે વિરતિવાનથી બીજા જીવોને ભય થતો નથી. તેને પોતાને પણ ભવાંતરમાં કોઈથી ભય રહેતો નથી. નિર્વાણનું મુખ્ય કારણ હોવાથી પ્રાણાતિપાત નિવૃત્તિ એ નિર્વાણ છે. અથવા શાંતિ તે ઉપશાંતતા, નિર્વૃત્તિ તે નિર્વાણ. વિરતિવાનને આર્ત્ત રૌદ્ર ધ્યાનના અભાવથી ઉપશાંતિરૂપ નિર્વૃત્તિ રહે છે.
[૫૦૮] વળી ઈન્દ્રિયોને વશ કરે તે પ્રભુ - વશ્યેન્દ્રિય છે, અથવા સંયમાવરક કર્મોને જીતીને મોક્ષમાર્ગ પાળે છે માટે પ્રભુ-સમર્થ છે. આવો ‘પ્રભુ’ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગને દૂર કરીને કોઈ પ્રાણી સાથે વેર-વિરોધ ન કરે. મન-વચન-કાયાથી યાવજ્જીવ કોઈનો બગાડ ન કરીને વિરોધ ન કરે.
હવે ઉત્તરગુણ કહે છે–

Linked texts (2)