Suyagada 592
Sūyagaḍa: ṭīkānusārī vivecana 592
- Language
- Gujarati
592
વિવેચન :–૫૯૬ થી ૫૯૯
[૫૯૬] તે ગુરૂકુલવાસી ભિક્ષુ દ્રવ્યનું વૃત્તાંત સમજીને સ્વતઃ મોક્ષનો અર્થ સમજીને હેયોપાદેયને સમ્યક્ જાણીને નિત્ય ગુરૂકુલવાસથી ઉત્પન્ન પ્રતિભાવાળો થાય છે. તથા સ્વસિદ્ધાંતના સમ્યક્ પરિજ્ઞાનથી શ્રોતાઓને યથાવસ્થિત અર્થોનો પ્રતિપાદક થાય છે. મોક્ષાર્થી જીવ જે આદરે તે આદાન-સમ્યગ્ જ્ઞાનાદિ તેનું જે પ્રયોજન તે આદાનાર્થ, તે જેને હોય તે આદાનાર્થી. એવો તે જ્ઞાનાદિ પ્રયોજનવાળો બાર પ્રકારનો તપ, આશ્રવના રોધરૂપ સંયમ, તે તપ-સંયમ મેળવીને ગ્રહણ આસેવનરૂપ શિક્ષા વડે યુક્ત સર્વત્ર પ્રમાદરહિત, પ્રતિભાવાળો, વિશારદ, ઉદ્ગમાદિ દોષથી શુદ્ધ આહાર વડે પોતાનો નિર્વાહ કરતા બધાં કર્મના ક્ષયરૂપ મોક્ષને મેળવે.
પાઠાંતર મુજબ - સ્વકર્મથી પરવશ ઘણાં જીવો મરે છે, તે માર-સંસાર, તે જન્મ, જરા, મરણ, રોગ, શોકથી આકુળ છે, તેમાં શુદ્ધ માર્ગ વડે આત્માને વર્તાવે, જેથી સંસાર ન પામે. અથવા પ્રાણ ત્યાગરૂપ મરણ ઘણી વાર ન પામે. કહે છે કે - સમ્યક્ત્વથી અપતિત સાત-આઠ ભવમાં મોક્ષે જાય.
[૫૯૭] આ પ્રમાણે ગુરૂકુલ નિવાસીપણે ધર્મમાં સુસ્થિત બહુશ્રુત પ્રતિભાવાળા અર્થ-વિશારદ થઈ જે કરે તે બતાવે છે - જેના વડે સમ્યક્ કહેવાય તે સંખ્યા એટલે સુબુદ્ધિ, તેના વડે પોતે ધર્મ જાણીને બીજાને યથાવસ્થિત શ્રુત-ચારિત્ર ધર્મ સમજાવે છે અથવા સ્વ-પર શક્તિ જાણીને કે પર્ષદા કે કહેવાનો વિષય બરાબર સમજીને ધર્મોપદેશ કરે છે. આવા પંડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનારા જન્માંતરના સંચિત કર્મોનો અંત કરનારા થાય છે. બીજાના પણ કર્મો દૂર કરાવનારા થાય છે, તે કહે છે–
તે યથાવસ્થિત ધર્મ બતાવનારા સ્વ-પરના કર્મબંધન મૂકાવીને સ્નેહાદિ બેડી મૂકાવી, સંસાર સમુદ્રથી પાર પામે છે. એવા તે સાધુઓ પૂર્વોત્તર વિરુદ્ધ શબ્દો બોલે છે. તે આ પ્રમાણે - પહેલા બુદ્ધિથી વિચારી આ પુરૂષ કોણ છે? કેવા વિષયને ગ્રહણ કરવા સમર્થ છે? હું તેને શું સમજાવવા સમર્થ છું? એમ સમ્યક્ વિચારી ઉપદેશ આપે. અથવા બીજો કોઈ કંઈ વિષય પૂછે, તે પ્રશ્નને બરોબર વિચારીને ઉત્તર આપે. કહ્યું છે કે - આચાર્ય પાસે સાંભળી, વિચારી ધારેલા અર્થને સંઘ મધ્યે વ્યાખ્યાન આપતાં બંનેને સુખ થાય છે. આ પ્રમાણે તે ગીતાર્થ બરાબર ધર્મકથન કરતા સ્વ-પરનો તારક બને છે.
[૫૯૮] વ્યાખ્યાતા બોલતી વખતે ક્યારેક અન્યથા અર્થ પણ કરે, તેનો નિષેધ કરવા કહે છે-તે પ્રશ્ન સમજાવનાર સર્વ વિષયનો આશ્રય કરેલ હોવાથી રત્નકરંડક સમાન, કુત્રિકાપણ જેવા હોવાથી ચૌદપૂર્વમાં કંઈપણ ભણેલ કે કોઈ આચાર્ય પાસે ભણેલ અર્થવિશારદ કોઈ કારણે શ્રોતા પર કોપેલો હોય તો પણ સૂત્રનો અર્થ ઉલટી રીતે ન કહે, પોતાના આચાર્યનું નામ ન છૂપાવે, ધર્મકથા કરતા અર્થને ન છૂપાવે, આત્મપ્રશંસા માટે બીજાના ગુણોને ઢાંકે નહીં, શાસ્ત્રાર્થને કુસિદ્ધાંતાદિથી ઉલટો ન કહે. તથા હું સમસ્ત શાસ્ત્રવેત્તા, સર્વલોક વિદિત, સર્વ સંશય નિવારનાર છું, મારા જેવો કોઈ નથી, જે હેતુ યુક્તિ વડે અર્થને સમજાવે. એવું પોતે અભિમાન ન રાખે, તેમ પોતાને બહુશ્રુત કે તપસ્વીપણે જાહેર ન કરે. ચ શબ્દથી બીજા પૂજા-સત્કારાદિને પણ તજે તથા પોતે પ્રજ્ઞાવાન્ હોય તો પણ મશ્કરીરૂપ વચન ન બોલે અથવા કોઈ શ્રોતા બોધ ન પામે ત્યારે તેનો ઉપહાસ ન કરે તથા આશીર્વચન જેવા કે - બહુપુત્રા, બહુધની, દીર્ઘાયુ થા, તેમ ન બોલે. ભાષા સમિતિ પાળે.
[૫૯૯] સાધુ આશીર્વાદ કેમ ન આપે? જીવો તે તેની હિંસાની શંકા થાય, માટે પાપને નિંદતો તે સાવદ્ય આશીર્વચન ન બોલે તથા વાણી, તેનું રક્ષણ કરે તે ગોત્ર-મૌન કે વાક્સંયમ, તેને મંત્રપદ વડે દૂષિત ન કરે - નિઃસાર ન કરે અથવા જીવોનાં જીવિત-રાજાદિના ગુપ્ત ભાષણો વડે રાજાને ઉપદેશ આપવા વડે જીવહિંસા ન કરાવે. કહ્યું છે - રાજાદિ સાથે પ્રાણી-હિંસાકારી ઉપદેશ ન આપે. તથા મનુષ્યો-પ્રાણીને વ્યાખ્યાન કે ધર્મકથા વડે લાભ-પૂજા-સત્કારાદિ ન ઈચ્છે. તથા કુસાધુઓને વસ્તુ દાન આપવા વગેરે ધર્મ ન કહે અથવા અસાધુયોગ્ય ધર્મ ન બતાવે અથવા ધર્મકથા કે વ્યાખ્યાન કરતા આત્મશ્લાધા ન કરે, પ્રશંસા ન ઈચ્છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati