Suyagada 596
Sūyagaḍa: ṭīkānusārī vivecana 596
- Language
- Gujarati
596
વિવેચન :–૬૦૪ થી ૬૦૬
[૬૦૪] તીર્થંકર, ગણધર આદિ વડે કહેલ યથોક્ત વચનને હંમેશા બરાબર શીખે - ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞોક્ત આગમને સમ્યગ્ ગ્રહણ કરે અને આસેવન શિક્ષા વડે તેનું યોગ્ય પાલન કરે. બીજાને પણ તે જ પ્રમાણે જણાવે. - X - સદા ગ્રહણ-આસેવન શિક્ષાની દેશનામાં પ્રયત્ન કરે. સદા યત્ન કરતો પણ જે જેનો કર્તવ્યકાળ કે અભ્યાસકાળ હોય, તે વેળાને ઉલ્લંઘીને ન કહે, અધ્યયન કર્તવ્ય મર્યાદાને ન ઉલ્લંઘે કે સત્ અનુષ્ઠાનને પણ ન ઉલ્લંઘે. અવસર મુજબ બધી ક્રિયા એકબીજાને બાધક ન બને તે રીતે કરે.
તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી બની, યથાવસ્થિત પદાર્થોની શ્રદ્ધા કરતો દેશના કે વ્યાખ્યાન કરતો સમ્યગ્ દર્શનને દૂષિત ન કરે. કહે છે કે - સાંભળનાર પુરૂષને જાણીને તેવી રીતે કથન કરવું અને અપ્સિદ્ધાંત દેશનાને છોડીને જેમ જેમ શ્રોતાનું સમ્યક્ત્વ સ્થિર થાય, તેવું કરે. પણ શંકા ઉત્પન્ન કરીને દૂષણ ન લગાડે. જે આવું સમજે તે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર નામની સમાધિ અથવા સમ્યક્-ચિત્ત વ્યવસ્થાન નામક સમાધિ, જે સર્વજ્ઞે કહી છે, તે સમાધિને સમ્યગ્ રીતે જાણે છે.
[૬૦૫] વળી - સર્વજ્ઞોક્ત આગમને કહેતા અન્યથા કે અપસિદ્ધાંત વ્યાખ્યાન વડે દૂષિત ન કરે. તથા સિદ્ધાંતના અર્થને અવિરુદ્ધ, શુદ્ધ, સર્વજનોના હિતકર વચનને પ્રચ્છન્ન ભાષણ વડે ગોપવે છે. અથવા પ્રચ્છન્ન અર્થો અપરિણતોને ન કહે. તેવા સિદ્ધાંત રહસ્ય અપરિણત શિષ્યને કુમાર્ગે લઈ જતાં દોષની જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે - બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું રહસ્ય કહેતા દોષને માટે થાય છે, જેમ તુર્તના આવેલા તાવને ઉતારવા જતાં નુકશાન થાય છે. ઈત્યાદિ.
વળી સ્વમતિ કલ્પનાથી સૂત્રવિરૂદ્ધ ન કહે. કેમકે તે સૂત્ર સ્વ-પર રક્ષક છે. અથવા તે સૂત્ર અને અર્થ પોતે જીવોને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે –
શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું? - પોતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ-બહુમાન છે તે ભક્તિને વિચારીને - ‘મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય’ - એમ વિચારીને પછી વાદ કરે. તથા જે શ્રુત આચાર્યાદિ પાસે શીખ્યો. તેની સમ્યક્ત્વ આરાધનાને અનુવર્તતો બીજાને પણ ઋણમુક્ત કરવા પ્રરૂપણા કરે, પણ સુખશીલીયો બની બેસી ન રહે.
[૬૦૬] અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - તે સમ્યગ્ દર્શનનો અલૂષક યથાવસ્થિત આગમનો પ્રણેતા, વિચારીને બોલનાર, શુદ્ધ, નિર્દોષ, યથાવસ્થિત વસ્તુની પ્રરૂપણા કરતો, અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે. તથા તપ-ચરણ જે સૂત્રના આગમમાં કહ્યા છે, તે કરે તે ઉપધાનવાન્ છે.
તથા શ્રુત-ચારિત્ર ધર્મને સમ્યક્ જાણે કે જાણતો સમ્યગ્ પ્રાપ્ત કરે. આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ જ આજ્ઞા વડે સ્વીકારવો, હેતુથી મનાય તે હેતુથી માનવો અથવા જૈન સિદ્ધાંત સિદ્ધ અર્થ જૈન સિદ્ધાંતમાં બતાવવો અને અન્ય મત સિદ્ધ અર્થ પરમાંથી બતાવવો અથવા ઉત્સર્ગ-અપવાદમાં રહેલ અર્થ તે રીતે જ જેમ હોય તેમ પ્રતિપાદિત કરવો. આવો ગુણસંપન્ન સાધુ માનવા યોગ્ય વચનવાળો થાય તથા આગમ પ્રતિપાદનમાં કુશળ, સદનુષ્ઠાને પ્રગટ અવિચારથી ન કરે, જે આવા ગુણોથી યુક્ત હોય તે સર્વજ્ઞોક્ત જ્ઞાનાદિ કે ભાવ સમાધિને પ્રતિપાદિત કરવા યોગ્ય છે, બીજો કોઈ નહીં. શેષ પૂર્વવત્,
અનુગમ પૂરો થયો, નયો પ્રાગ્વત્ જાણવા.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati