Suyagada 664
Sūyagaḍa: ṭīkānusārī vivecana 664
- Language
- Gujarati
664
વિવેચન :–૬૫૯
હવે અગિયારમું ક્રિયાસ્થાન કહે છે. તે આ પ્રમાણે - જે કોઈ આવા પુરૂષો હોય છે, - કેવા? ગૂઢ આચારવાળા - ગળાં કાપનારા, ગાંઠ છેદનારાદિ. તેઓ વિવિધ ઉપાયોથી વિશ્વાસ પમાડીને પછી અપકાર કરે છે - X - તેઓ માયાચારથી ગુપ્ત રીતે અધર્મ કરે છે. અંધારામાં પાપ વ્યાપાર કરનારા - X - બીજા ન જાણે તેમ અકાર્ય કરે છે. તેઓ સ્વચેષ્ટાથી ઘૂવડના પીછાં જેવા હલકા હોવા છતાં - X - પોતાને પર્વત જેવા શ્રેષ્ઠ માને છે અથવા અકાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં પર્વત માફક બીજા કોઈ રોકી શકતા નથી.
તેઓ આર્યદેશમાં જન્મેલા હોવા છતાં શઠતાથી આત્માને છૂપાવવા અને બીજાને ભય પમાડવા માટે અનાર્યભાષા બોલે છે, બીજાને ભ્રમમાં પાડવા સ્વમતિ કલ્પનાથી બીજા ન જાણે તે રીતે બોલે છે. પોતે ઠગ છતાં બીજાને શાહુકાર છે, તેમ બતાવે છે - સ્થાપે છે. બીજો કોઈ કંઈ પૂછે તો માયા કરી જુદું જ બતાવે છે. જેમકે આંબાના ઝાડનું પૂછો તો આકડાને બતાવે. વાદ કાળે પણ કંઈકને બદલે કંઈક બતાવે - X - X - X -.
તે સર્વાર્થ વિસંવાદિ, કપટ-પ્રપંચ ચતુરોને જે ફળ મળે તે દૃષ્ટાંત વડે બતાવે છે - જેમ કોઈ પુરૂષને લડાઈમાં ઘા વાગતાં અંદર કોઈ તીર કે શલ્ય હોય, તે અંતરશલ્યવાળો તે શલ્ય કાઢવાથી થતી વેદનાથી ડરીને તે શલ્યને પોતે ન કાઢે, બીજા પાસે ન કઢાવે, તેમજ તે શલ્ય વૈદ્યના ઉપદેશથી ઔષધ-ઉપયોગાદિ ઉપાયો વડે નષ્ટ ન કરે. કોઈ તેને પૂછે કે ન પૂછે તો પણ તે શલ્યને કારણ વિના છૂપાવે છે. તે શલ્ય અંદર રહેલ હોવાથી પીડાતો ચાલે છે, તે રીતે પીડાવા છતાં બીજું કાર્ય વેદના સહી કરે છે.
આ દૃષ્ટાંતનો બોધ કહે છે - જેમ આ શલ્યવાળો દુઃખી થાય છે, તેમ માયા શલ્યવાળો જે અકાર્ય કર્યુ હોય તેને છૂપાવવા માયા કરીને તે માયાની આલોચના કરતો નથી, તેનું પ્રતિક્રમણ ન કરે - પાપથી નિવર્તે નહીં, આત્મસાક્ષીએ તે માયા શલ્યની નિંદા ન કરે કે - મને ધિક્કાર છે કે મેં કર્મના ઉદયથી આવું અકાર્ય કર્યું. તેમજ પરસાક્ષીએ તેની ગર્હા ન કરે - આલોચનાદાન યોગ્ય પાસે જઈને તેની જુગુપ્સા ન કરે કે અકાર્ય કરણ એવા તે માયા શલ્યને અનેક પ્રકારે દૂર ન કરે અર્થાત્ અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી પાપ ન કરવા નિર્ધાર ન કરે - X –
આલોચના દાતા પાસે આત્મ નિવેદન કરીને તે કાર્ય ન કરવા માટે તત્પર ન બને, પ્રાયશ્ચિત્ત સ્વીકારીને પણ સંયમપાલન માટે ઉદ્યત ન થાય. ગુરૂ આદિ સમજાવે તો પણ અકાર્ય-નિર્વહણ-યોગ્ય ચિત્તનું શોધન કરવારૂપ પ્રાયશ્ચિત્ત-વિશિષ્ટ તપકર્મનો સ્વીકાર ન કરે. આવી માયાથી પાપ છૂપાવનારો એવો માયાવી આ લોકમાં સર્વ કાર્યોમાં અવિશ્વાસ્ય બને છે - X - કહ્યું છે કે–
માયાવી કદાચ કોઈ અપરાધ ન કરે તો પણ બધે અવિશ્વાસ્ય થાય છે - X - વળી અતિ માયાવીપણાથી તે પરલોકમાં સર્વ અધમ યાતના સ્થાનોમાં જન્મ પામીને નરક-તિર્યંચાદિમાં વારંવાર જન્મ લઈને દુઃખી થાય છે.
વળી વિવિધ પ્રપંચોથી બીજાને ઠગીને તેની નિંદા-જુગુપ્સા કરે છે જેમકે - આ અજ્ઞાન પશુ જેવો છે, તેનાથી આપણું શું ભલું થશે? આ રીતે બીજાની નિંદા કરીને પોતાને પ્રશંસે છે. જેમકે - મેં આને કેવો ઠગ્યો, એ રીતે પોતે ખુશ થાય છે - X –
આ પ્રમાણે કપટી સાધુ ફાવી જતાં નિશ્ચયથી તેવા પાપો વધારે કરે છે તેમાં જ ગૃદ્ધ બનીને, તેવા માયા સ્થાનથી અટકતો નથી. વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ આપીને પાછું જૂઠું બોલે છે પોતાના દોષો બીજા પર નાંખે છે. તે માયાવી સદા ઠગવામાં તત્પર રહી - X –
જેણે શુભ લેશ્યા સ્વીકારી નથી તેવો તે સદા આર્ત્તધ્યાન વડે હણાઈને અશુભ લેશ્યાવાળો થાય છે. એ રીતે તે ધર્મધ્યાનરહિત અને અસમાહિત, અશુદ્ધ લેશ્યાવાળો રહે છે. એ રીતે તેને માયાશલ્ય પ્રત્યયિક સાવદ્ય કર્મ બંધાય છે. આ અગિયારમું ક્રિયાસ્થાન માયાપ્રત્યયિક કહ્યું.
ઉક્ત ‘અર્થદંડ’ આદિ અગિયાર ક્રિયાસ્થાનો સામાન્યથી અસંયત-ગૃહસ્થોને હોય છે.
હવે બારમું ક્રિયાસ્થાન પાખંડીને આશ્રીને કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati