Suyagada 666
Sūyagaḍa: ṭīkānusārī vivecana 666
- Language
- Gujarati
666
વિવેચન :–૬૬૦
અગિયારમું ક્રિયાસ્થાન કહીને હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે - તે આ પ્રમાણે –
વનમાં વસનારા તે વનવાસી, તેઓ કંદ, મૂળ, ફળ ખાનારા છે અને વૃક્ષ નીચે વસે છે. કેટલાંક ઝુંપડું બાંધીને રહેનારા છે, બીજા ગામની નજીક રહીને ગામમાંથી ભિક્ષા લઈ જીવનારા છે. તથા કોઈ મંડલ-પ્રવેશ આદિ રહસ્યવાળા તે ક્વચિત્ રાહસિકા છે. તેઓ સર્વ સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત નથી. જેમકે - ઘણું કરીને ત્રસ જીવોનો આરંભ કરતા નથી, પરંતુ એકેન્દ્રિયનો આહાર કરનારા તાપસ આદિ હોય છે. તેઓ સર્વે પ્રાણાતિપાતાદિ વિરમણ વ્રતોમાં વર્તતા નથી. પણ દ્રવ્યથી કેટલાંક વ્રત પાળે છે, ભાવથી નહીં. કેમકે તેમને સમ્યગ્ દર્શનાદિ થયું હોતું નથી. તે બતાવવા કહે છે–
તે વનવાસી આદિ સર્વ પ્રાણી-ભૂત-જીવ-સત્ત્વોથી પોતે તે જીવોના આરંભાદિથી અવિરત છે. તે પાખંડીઓ પોતે ઘણી સત્ય-મૃષા [મિશ્ર] ભાષા બોલે છે-પ્રયોજે છે. અથવા સત્ય હોય તો પણ જીવ-હિંસાપણાથી તે જૂઠ જ છે. જેમકે - હું બ્રાહ્મણ છું માટે મને દંડ વગેરેથી ન મારો, બીજા શુદ્રોને મારો. તેઓ કહે છે - શુદ્રને મારીને પ્રાણાયમ જપવો અથવા તેમને કંઈ બદલો દેવો. તથા ક્ષુદ્ર જીવો જેમને હાડકાં ન હોય તેમને ગાડું ભરાય તેટલા મારીને પણ બ્રાહ્મણોને જમાડવા - વળી બીજા કહે છે કે–
હું ઉત્તમ વર્ણનો છું, તેથી મારા ઉપર કોઈ હુકમ ન ચલાવવો, મારાથી બીજા અધમ છે, તેને આજ્ઞા કરવી. મને પરિતાપ ન આપવો, પણ બીજાને પરિતાપવા. મને વેતન આપીને કામ કરવા ન લઈ જવો, પણ બીજા શુદ્રોને મજૂરીએ લઈ જવા. ઘણું કહેવાથી શું? મને ન મારવો પણ બીજાને મારવો. આ રીતે બીજાને પીડા કરવાના ઉપદેશથી અતિ મૂઢપણે અસંબદ્ધ બોલવાથી અજ્ઞાનતાથી ઢંકાયેલા, પેટભરા, વિષમ દૃષ્ટિ વાળાને પ્રાણાતિપાત વિરતિરૂપ વ્રત હોતું નથી. ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન વિરમણનો અભાવ પણ જાણી લેવો. હવે અનાદિ ભવાભ્યાસથી દુસ્ત્યજ્ય સ્ત્રીસંગને કહે છે–
પૂર્વોક્ત કારણોથી અતિ મૂઢત્વાદિથી પરમાર્થને ન જાણતાં અન્યતીર્થિકો સ્ત્રીસંબંધી કામો અથવા સ્ત્રીમાં તથા શબ્દાદિ વિષયોમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત, આસક્ત છે. - X - આ સ્ત્રી અને શબ્દાદિમાં પ્રવર્તન પ્રાયઃ જીવોને સંસારનું કારણ છે. કહે છે કે - મહાદોષને કારણે તે અધર્મનું મૂળ છે. સ્ત્રીસંગ આસક્તને શબ્દાદિ વિષયાસક્તિ અવશ્ય હોય છે તેથી ‘સ્ત્રી-કામ’નું ગ્રહણ કર્યું.
આવા આસક્તો - X - ચાર, પાંચ કે છ દાયકા સુધી જીવે. અહીં મધ્યમ વય લીધી. કેમકે પ્રાયે અન્યતીર્થિકો વય વીત્યા પછી સાધુ બને, તેથી તેને આટલો જ કાળ સંભવે છે. અથવા મધ્યમવય લેવાથી વધુ-ઓછી સમજી લેવી. - X - તેઓ ગૃહવાસ છોડીને - X - સ્ત્રી તથા વિષય ભોગો ભોગવીને પછી ત્યાગી થઈને પોતાને સાધુ સમજે. તો પણ તેઓ ભોગથી નિવૃત્ત થતાં નથી. જેથી મિથ્યાદૃષ્ટિપણાથી અજ્ઞાનરૂપી અંધત્વ વડે સમ્યગ્ વિરતિ પરિણામથી રહિત છે.
આવા પરિણામને લીધે પોતાના આયુનો ક્ષય થતા કાળમાસે કાળ કરીને ઘોર તપ કરવા છતાં અસુર જાતિના દેવોમાં કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનતાથી મરીને પણ હલકા દેવ થાય.
તે સ્થાને પણ આયુક્ષય થતાં તે કિલ્બિષિકો બાકીના અશુભ કાર્યો ભોગવવા ઘેટા જેવા બોબડા થાય છે. કિલ્બિષિક સ્થાનેથી ચ્યવીને અનંતર ભવે મનુષ્ય થવા છતાં - X - મૂંગા કે ન સમજા તેવી ભાષા બોલનારા રૂપે જન્મે છે. તથા અત્યંત અંધકારપણે એટલે જન્માંધપણે કે અતિ અજ્ઞાનથી આવૃત્ત હોય તેવા જન્મે છે. તથા જન્મથી મૂંગા-વાચારહિત હોય.
આ રીતે તે અન્યતીર્થિકો પરમાર્થથી સાવદ્ય અનુષ્ઠાન ન છોડીને, આધાકર્માદિમાં પ્રવૃત્તિ થઈ, તેને યોગ્ય ભોગ ભોગવતા ‘લોભ પ્રત્યયિક’ સાવદ્ય કર્મ બાંધે છે.
આ ‘લોભપ્રત્યયિક’ બારમું ક્રિયાસ્થાન કહ્યું.
હવે બાર ક્રિયાસ્થાનોનો સારાંશ કહે છે - અર્થદંડાદિથી લોભપ્રત્યયિક-ક્રિયાસ્થાન-કર્મગ્રંથિને જે દૂર કરે તે દ્રવ અર્થાત્ સંયમ જેનામાં છે તે દ્રવિક-મુક્તિગમન યોગ્યતાથી દ્રવ્યભૂત સાધુ વિચારે, તે બતાવે છે - કોઈ જીવને ન મારો એવું વર્તન રાખે તે ‘માહણ’. આવા ગુણવાળા સમ્યગ્ યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ નિરૂપણથી મિથ્યાદર્શન આશ્રિત, સંસારકારણને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati