Pramāṇa · Search · About · API

Suyagada 668

Sūyagaḍa: ṭīkānusārī vivecana 668

Language
Gujarati

668

વિવેચન :–૬૬૧
હવે તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાન કહે છે. ગમન તે ‘ઈર્યા’ તેનો અથવા તેના વડે જે પંથ તે ઈર્યાપથ, તેમાં જે થાય તે ઈર્યાપથિક, તે ક્રિયા તેને ઈર્યાપથિકા કહે છે. તે કોને હોય? કેવી હોય? કેવું કર્મફળ આપે? એ બધું દર્શાવતા કહે છે - આ જગત્‌માં પ્રવચનમાં કે સંયમમાં વર્તતા જે સાધુ હોય, તે જો આત્માના હિતને માટે મન-વચન-કાયાથી સંવૃત્ત બને. પરમાર્થથી આવાને જ આત્મભાવ હોય, બીજાને-અસંવૃત્તને આત્મત્વ હોતું નથી. કેમકે વિદ્યમાન આત્માનું કાર્ય સંવૃત્તતા વિના ન સંભવે.
એ રીતે આત્માર્થે સંવૃત્ત અણગારને ઈર્યાપથિકાદિ પાંચ સમિતિ અને મન-વચન-કાયાથી સમિત તથા ત્રણ ગુપ્તિ વડે ગુપ્તતા હોય. વળી ગુપ્તિના વિશેષ આદર માટે ફરી ગુપ્તિ ગ્રહણ કર્યુ એ રીતે ગુપ્તિ વડે ગુપ્ત કહે છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ વડે ગુપ્ત તે ગુપ્તેન્દ્રિય થાય. ઉભતા, ચાલતા, બેસતા, પડખાં બદલતા તેમાં ઉપયોગ રાખે. ઉપયોગપૂર્વક જ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછનકને ગ્રહણ કરે કે મૂકે. યાવત્‌ આંખની પલક પણ ફરકે તેમાં ઉપયોગ રાખે. એ રીતે અત્યંત ઉપયોગપૂર્વક વિવિધ માત્રામાં આવી સૂક્ષ્મ આંખની પલકના સંચાલનરૂપ આદિ ઈર્યાપથિકા ક્રિયા કેવલીને વર્તે છે. કહે છે - સયોગી જીવો ક્ષણ માત્ર પણ નિશ્ચલ રહેવા સમર્થ નથી. અગ્નિ વડે તપાવેલ પાણીની જેમ કાર્મણ શરીરમાં રહેલ જીવ સદા હાલતો જ રહે છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે–
હે ભગવન્‌! જે સમયમાં જે આકાશ પ્રદેશમાંથી કેવલીએ પગ ઉપાડ્યો તે જ આકાશપ્રદેશમાં ફરી મૂકવા સમર્થ છે? હે ગૌતમ! તેમ ન બની શકે ઈત્યાદિ. એ રીત કેવલીને પણ સૂક્ષ્મ ગાત્રસંચાર હોય છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીએ, તેથી તે ક્રિયાથી જે કર્મ બંધાય તે કર્મની જે અવસ્થા તે ક્રિયા [ઈર્યાપથિકી], બતાવે છે–
અકષાયીની જે ક્રિયા, તેનાથી જે કર્મ બંધાય તે પહેલા સમયે બદ્ધ-સ્પૃષ્ટ થાય, તે ક્રિયા ‘બદ્ધસ્પૃષ્ટા’ કહી. બીજા સમયે વેદે-અનુભવે, ત્રીજા સમયે નિર્જરે. કહ્યું છે કે - કર્મ યોગનિમિત્તે બંધાય છે. પણ યોગના સદ્‌ભાવથી બંધાતા જ સંશ્લેષ પામે-સ્પર્શે છે. બીજા સમયે અનુભવયા, તે પ્રકૃતિ શાતાવેદનીય છે, જે બે સમયની સ્થિતિ છે. [તત્ત્વાર્થ ભાષ્યમાં અહીં એક સમયની સ્થિતિ કહી છે.] અનુભાવથી શુભ અનુભાવ છે, જ સુખ અનુત્તરો-પપાતિક દેવ કરતા પણ વિશેષ છે. પ્રદેશથી ઘણાં પ્રદેશવાળી, અસ્થિર બંધવાળી અને બહુ વ્યયવાળી છે.
આ ઈર્યાપથિકા ક્રિયા પહેલે સમયે બદ્ધસ્પૃષ્ટા, બીજા સમયે ઉદિતા-વેદિતા-નિર્જીર્ણા છે. ત્રીજા સમયે તે કર્મની અપેક્ષાએ અકર્મતા પણ કહેવાય છે. આ પ્રમાણે વીતરાગને ઈર્યાપ્રત્યયિક કર્મ બંધાય છે.
એ તેરમું ક્રિયાસ્થાન કહ્યું.
વીતરાગ સિવાયના બીજા પ્રાણીને સાંપરાયિક બંધ હોય છે. તેઓને ઈર્યાપથ સિવાય પૂર્વે કહેલા બાર ક્રિયાસ્થાનો હોય છે. તેમાં વર્તતા જીવોને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ નિમિત્તે સાંપરાયિક બંધ હોય છે. જ્યાં પ્રમાદ છે ત્યાં કષાય નિયમથી હોય છે. કષાય ત્યાં યોગ હોય છે. યોગ હોય ત્યાં પ્રમાદ અને કષાય હોય કે ન હોય તેમાં પ્રમાદ-કષાય પ્રત્યયિક બંધની અનેક પ્રકારની સ્થિતિ છે, તે સિવાયનાને કેવળ યોગપ્રત્યયિક બે સમયની જ સ્થિતિ-ઈર્યાપ્રત્યયિક છે.
આ તેર ક્રિયાસ્થાનો ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યાં છે, જે બીજા તીર્થંકરે પણ કહ્યા છે, તે દર્શાવે છે - તે હું કહું છું, તે આ પ્રમાણે - જે ઋષભ આદિ તીર્થંકરો થઈ ગયા, જે સીમંધરસ્વામી આદિ વર્તમાન છે, જે પદ્મનાભાદિ આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાં જ પૂર્વોક્ત તેર ક્રિયાસ્થાનોને કહી ગયા - કહે છે અને કહેશે. સ્વરૂપથી તેના વિપાકો પ્રરૂપ્યા હતા, પ્રરૂપે છે અને પ્રરૂપશે. આ તેરમું ક્રિયાસ્થાન સેવ્યું હતું, સેવે છે અને સેવશે.
જંબૂદ્વીપમાં બે સૂર્યો તુલ્ય પ્રકાશવાળા છે, તેમ- X -તીર્થંકરો પણ કેવળજ્ઞાનથી તુલ્ય ઉપદેશવાળા છે.
હવે તેર ક્રિયાસ્થાનોમાં જે પાપસ્થાન કહ્યું નથી તે કહે છે–

Linked texts (2)