Pramāṇa · Search · About · API

Suyagada 769

Sūyagaḍa: ṭīkānusārī vivecana 769

Language
Gujarati

769

વિવેચન :–૭૩૩ થી ૭૩૫
[૭૩૩] સુખ કે આરોગ્યનું શોભનપણું આણે તે કલ્યાણ. તે જેને છે તે કલ્યાણી-કલ્યાણવાન્‌. એ જ રીતે પાપ-પાપી જાણવા. કોઈ સર્વથા પુન્યવાન્‌ કે સર્વથા પાપી છે, તેવો વ્યવહાર નથી. કેમકે તેવા એકાંતપણાનો અભાવ છે. બધી વસ્તુને અનેકાંતથી અમે પૂર્વે સિદ્ધ કરી છે. આ વ્યવહાર બધે યોજવો. – જેમ કે - એકાંતે સર્વત્ર વીર્ય છે કે નથી તેવો એકાંત વ્યવહાર ન ચાલે. તેમ લોક કે અલોક નથી, જીવ કે અજીવ નથી એવો એકાંત વ્યવહાર નથી. એ રીતે ક્યાંય એકાંત વચન ન ચાલે.
‘વૈર-વિરોધ, તે બીજાને પીડા કરવાથી થાય છે.’ તેવું રાગદ્વેષયુક્ત અજ્ઞાની પોતાને પંડિત માનનારા - X - જાણતા નથી. પરમાર્થરૂપ અહિંસા લક્ષણ ધર્મ કે અનેકાંત પક્ષનો તેઓ આશ્રય લેતા નથી. અથવા ‘જે વૈર છે તેને તે બાલપંડિત શ્રમણો જાણતા નથી.’ એવું પણ એકાંતે ન બોલવું, કેમકે તેઓ પણ કંઈક જાણે જ છે. વળી તેમને ‘તમે નથી જાણતા’ એવું કહેવાથી તે નિમિત્તે ક્રોધ ઉત્પન્ન થાય છે, માટે ન બોલવું. કહ્યું છે કે - જે બોલવાથી બીજાને અપ્રીતિ કે ક્રોધ થાય, તેવી અહિત કરનારી ભાષા સર્વથા સાધુ ન બોલે.
[૭૩૪] વાણીના સંયમને આશ્રીને કહે છે - અસેસ - સંપૂર્ણ. સાંખ્ય મત મુજબ નિત્ય છે એવું ન બોલે કેમકે પ્રત્યેક સમયે બધી વસ્તુમાં જુદું-જુદું રૂપ દેખાય છે. ‘તે આ જ છે.’ એવું એકત્વ સાધક વચન ખોટું છે - X - તથા અપિ શબ્દથી ‘એકાંત ક્ષણિક છે.’ તેમ પણ ન બોલવું. કેમકે સર્વથા ક્ષણિક બોલતા પૂર્વનું સર્વથા નાશ થાય, તો પછી જે નવું થાય, તે નિર્હેતુક થયું કહેવાય.
જે નિત્ય છે, તે સાચું કે ખોટું છે બોલીએ તો હેતુ વિના અન્યોન્ય અપેક્ષણા થાય. તથા ‘સર્વ જગત્‌ દુઃખરૂપ છે’ તેમ પણ ન કહેવું. કેમકે સમ્યગ્‌ દર્શનાદિભાવથી સુખરૂપ પણ દેખાય છે.
કહ્યું છે કે - તૃણ સંથારે બેસેલ, રાગ-મદ-મોહ નષ્ટ થયા છે તેવા મુનિવર જે મુક્તિ સુખ અનુભવે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? તથા ચોર લફંગાને મારી નાંખવા જોઈએ એવું ન બોલવું અને ન મારવા જોઈએ તેમ પણ ન કહેવું કેમકે તેથી હિંસા અથવા ચૌરાદિની અનુમોદના થાય. - X - સિંહ, વાઘ આદિ બીજા જીવોને મારી નાંખે છે તે જોઈને માધ્યસ્થભાવ રાખવો, પણ તેને મારી નાંખો કે ન મારો તેવું સાધુ ન બોલે. - X –
એ રીતે બીજો પણ વાક્સંયમ પાળવો. જેમકે - આ બળદ આદિ વહન કરવા યોગ્ય છે કે નથી, વૃક્ષાદિ છેદવા યોગ્ય છે કે નથી, એવા વચન ન બોલવા.
[૭૩૫] વળી આ વાક્સંયમ અંતઃકરણ શુદ્ધિને આશ્રીને બતાવે છે - આપણા શાસ્ત્રમાં કહ્યા મુજબ જેનો આત્મા સંયત છે, તે નિભૃત આત્માવાળા છે. [આવો ક્યાંક પાઠ છે.] આપણા શાસ્ત્રમાં કહ્યા મુજબ બરોબર આચાર પાળનારા તે ‘સમ્યગ્‌ આચારવાળા’ છે. અથવા જે સમ્યગ્‌ આચારવાળા છે તે સમિતાચારી છે, કે જેઓ ભિક્ષાવૃત્તિથી જીવન ગુજારે છે, તથા સાધુની વિધિએ જીવે છે. તેથી કહે છે કે –
તેઓ ઉપરોધ વિધાનથી જીવતા નથી. તેમજ ક્ષાંત, દાંત, જીતક્રોધી, સત્યસંધી, દૃઢવ્રતી, યુગાંતર માત્ર દૃષ્ટિથી ચાલનારા, કુતુહલરહિત એવા ગુણવાળા સરાગી હોવા છતાં વીતરાગી માફક વર્તે છે, એવું માનીને આ મિથ્યાત્વથી જીવે છે તેમ ન વિચારવું, એવું મનમાં પણ ન વિચારવું, એવું વાણીથી પણ ન બોલવું કે આ મિથ્યા-ઉપચાર પ્રવૃત્ત માયાવી છે. આ કપટી છે કે સરળ છે તેવો નિશ્ચય છદ્મસ્થ, સામાન્ય જ્ઞાનવાળો કરી ન શકે. તે સાધુ જૈન હોય હોય કે અન્યધર્મી, પણ સાધુ આવું વચન ન બોલે. કહ્યું છે કે બીજાના ગુણ કે દોષ વિચારવા કરતા તેટલો વખત શુદ્ધ ધ્યાનમાં મનને દોરવું. - વળી -

Linked texts (2)