Pramāṇa · Search · About · API

Suyagada 773

Sūyagaḍa: ṭīkānusārī vivecana 773

Language
Gujarati

773

[નિર્યુક્તિ–૧૮૪ થી ૧૮૯] સંકલિત વૃત્ત્યર્થનો સાર આ પ્રમાણે છે–
‘આર્દ્ર’ શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભેદથી ચાર નિક્ષેપા છે, તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્યાર્દ્રને કહે છે. દ્રવ્યાર્દ્ર બે રીતે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા હોય પણ ઉપયોગવાળો ન હોય. નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌વ્યતિરિક્ત એ ત્રણ ભેદ. વ્યતિરિક્તમાં - જે પાણી વડે માટી આદિને ભીના કરીએ તે ઉદકાર્દ્ર છે. જે બહારથી સૂકું પણ અંદર ભીનું તે સાર-આર્દ્ર છે. જેમ શ્રીફળ. છવિઆર્દ્ર - સ્નિગ્ધ ચામડીવાળું દ્રવ્ય, જેમકે સાચું મોતી વગેરે. વસાર્દ્ર-ચરબીથી લીંપેલ, શ્લેષાર્દ્ર-વજ્રલેપાદિથી લીંપેલ, થાંભલો આદિ. ઉક્ત ઉદકાર્દ્રાદિ પાંચે દ્રવ્યાર્દ્ર છે.
ભાવાર્દ્ર-રાગ, સ્નેહાદિથી જે જીવદ્રવ્ય ભીંજાય તે ભાવાર્દ્ર કહેવાય. હવે ‘આર્દ્રકુમાર’ને આશ્રીને બીજી રીતે દ્રવ્યાર્દ્ર બતાવે છે - એક ભવમાં જે જીવ સ્વર્ગથી આવીને આર્દ્રકુમારપણે ઉત્પન્ન થશે, તે બદ્ધાયુષ્ક, અભિમુખ નામગોત્ર, અનંતર સમય ‘આર્દ્ર’ નામે ઉત્પન્ન થનાર તે દ્રવ્યાર્દક જાણવા. હવે ભાવાર્દ્રક કહે છે - આર્દ્રકનું આયુ-નામ-ગોત્ર અનુભવે છે તે. જો કે આદુનો પણ આર્દ્રક સંજ્ઞા વ્યવહાર છે, પણ તેનો અહીં અધિકાર નથી.
આ અધ્યયન આર્દ્રકુમાર અણગારને આશ્રીને છે. આર્દ્રકપુર નગરે આર્દ્રક નામે રાજા હતો, તેના પુત્રનું નામ પણ આર્દ્રકકુમાર હતું. તે સંવૃત્ત સાધુ થયા. મહાવીર સ્વામીના સમવસરણમાં ગોશાળા તથા હસ્તિતાપસ સાથે વાદ થયો. તે બધા પરાજય પામ્યા, તે આ અધ્યયનના ઉપન્યાસથી જાણવું. તેથી આર્દ્રકકુમારથી આ અધ્યયન થયું. આર્દ્રકકુમાર ચરિત્ર આગળ છે.
શંકા - દ્વાદશાંગી તો શાશ્વત છે, જ્યારે આર્દ્રકકુમાર તો મહાવીર સ્વામીના તીર્થમાં થાય, તો દ્વાદશાંગી શાશ્વત કઈ રીતે જાણવી?
સમાધાન - તમારું કહેવું ઈષ્ટ છે. દ્વાદશાંગી નિત્ય, શાશ્વત, મહાપ્રભાવી છે. બધાં અધ્યયનો આવા જ છે. દ્રવ્યાર્થ તે શાશ્વત જ છે. તો પણ કોઈ વિષય તે ક્ષેત્રમાં, તે સમયમાં ‘આર્દ્રક આદિ’ હોય અને દાખલ કરેલ હોય. ત્યાં પૂર્વે તેવો જ વિષય બતાવનાર અન્ય મુનિનું દૃષ્ટાંત હોય છે, માટે અમે આ સ્વીકારીએ છીએ. જેમ ઋષિભાષિત માં અને ઉત્તરાધ્યયન માં પૂર્વના દૃષ્ટાંતને બદલે નવા દૃષ્ટાંતો કહ્યાં છે.

Linked texts (1)