Suyagada 774
Sūyagaḍa: ṭīkānusārī vivecana 774
- Language
- Gujarati
774
[નિર્યુક્તિ–૧૯૦ થી ૨૦૦] સંકલિત વૃત્ત્યર્થ અહીં રજૂ કરેલ છે.
આર્ય આર્દ્રકે સમોસરણ તરફ જતાં ગોશાળા નામક ભિક્ષુ તથા બ્રહ્મવર્તી ત્રિદંડી હસ્તિતાપસોને કહેલ તત્ત્વ આ અધ્યયનનો મુખ્ય વિષય છે, તે સૂત્ર વડે કહેવાશે. હવે આર્દ્રકનું કથાનક અહીં કહે છે–
મગધ જનપદમાં વસંતપુર નામે ગામ હતું. ત્યાં ‘સામાયિક’ નામે કુટુંબી વસે છે. તેણે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને પત્નીસહિત દીક્ષા લીધી. તે સદાચાર-રત, સંવિગ્ન સાધુ સાથે વિચરે છે. તેની પત્ની સાધ્વી સાથે વિચરે છે. કોઈ વખતે પોતાના પત્ની સાધ્વીને ગૌચરી જતાં જોયા. સામાયિક સાધુને તેવા કર્મના ઉદયથી પૂર્વક્રીડા યાદ આવતા તેણીમાં રાગી થયો. પોતાનો અભિપ્રાય સાથેના સાધુને કહ્યો. તેણે મુખ્ય સાધ્વીને કહ્યું, મુખ્ય સાધ્વીએ તે સ્ત્રી સાધ્વીને કહ્યું. તે સાધ્વીએ કહ્યું કે હવે મારે એકાકી વિચરવું યોગ્ય નથી. મારા પતિ સાધુ મારો મોહ છોડશે નહીં, માટે મારે ભક્તપ્રત્યાખ્યાન અનશન કરવું યોગ્ય છે. તે અનશન કરી દેવલોકે દેવી થઈ.
સામાયિક સાધુએ આ વૃત્તાંત સાંભળી, સંવેગ પામી, વિચાર્યું કે તેણીએ મારે કારણે અનશન કર્યું. તેથી તેણે પણ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. તે પરમ સંવેગ પામેલો પણ પ્રાયશ્ચિત્ત કર્યા વિના માયાશલ્યયુક્ત ભક્ત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવી આર્દ્રકુમાર નામે ઉત્પન્ન થયો. તેની પત્ની સાધ્વી દેવલોકથી ચ્યવી વાસંતપુરે શ્રેષ્ઠી પુત્રી થઈ.
આર્દ્રકકુમાર યુવાન થયો. કોઈ વખતે આર્દ્રક રાજાએ રાજગૃહીનગરે શ્રેણિક રાજાને પ્રીતિ વધારવા મોટું ભેટણું મોકલ્યું. આર્દ્રકકુમારે મંત્રીને પૂછ્યું - આવાં મહાર્હ ભેટણાં મારા પિતા કોને મોકલે છે? તેણે કહ્યું કે આર્યદેશમાં તમારા પિતાના પરમમિત્ર શ્રેણિક રાજાને આર્દ્રકકુમારે પૂછ્યું, તેને કોઈ મારે મૈત્રી યોગ્ય પુત્ર છે? મંત્રી કહે–છે. આર્દ્રકે તેને પોતાના તરફથી પણ ભેટ મોકલી અને કહેવડાવ્યું કે આર્દ્રકકુમાર તમારા તરફ ઘણો સ્નેહ ધરાવે છે. મંત્રીએ રાજગૃહી જઈને શ્રેણિક રાજાને તથા - X - X - અભયકુમારને તે ભેટણાઓ ભેટ કર્યા.
અભયકુમારે પારિણામિક બુદ્ધિથી વિચાર્યું કે - આ ભવ્ય જીવ - [આર્દ્રકકુમાર] થોડાં વખતમાં મુક્તિ જનાર છે. તેથી મારી સાથે પ્રીતિ ઈચ્છે છે. તેને આ આદિનાથ પ્રભુની પ્રતિમાના દર્શનથી લાભ થાય તેવો અનુગ્રહ કરું. એમ વિચારી તેમ કર્યુ તથા મહાર્હ ભેટણું મોકલ્યું અને અભયકુમારે મંત્રીને કહ્યું - મારું આ ભેટણું મારા મિત્રને એકાંતમાં આપજો. તે મંત્રી પણ સંમત થયા. આર્દ્રકપુરે જઈને રાજાનું ભેટણું રાજાને આપ્યું. બીજે દિવસે આર્દ્રકકુમારને અભયકુમારની ભેટ અને સંદેશો આપ્યો.
આર્દ્રકકુમારે એકાંતમાં જઈને તે પ્રતિમાને સ્થાપી. તેને સ્થાપતા ઈહા-અપોહ-વિમર્શથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે અભયકુમારે મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો કે મને સદ્ધર્મનો બોધ પમાડ્યો. વળી તે જાતિસ્મરણથી તેણે વિચાર્યું કે - મને દેવલોકના ભોગોથી તૃપ્તિ ન થઈ, તો હવે આ અલ્પકાલીન તુચ્છ મનુષ્ય ભોગોમાં ક્યાંથી તૃપ્તિ થશે? આવું વિચારી કામભોગથી ખેદ પામીને, યથોચિત પરિભોગ કરતો ન હતો. રાજાને ભય લાગ્યો કે આ ક્યાંક ભાગી જશે, તેથી ૫૦૦ રાજપુત્રોને તેની રક્ષા માટે મૂક્યા. આર્દ્રકકુમારે ઘોડા ખેલવવાના બહાને તેઓને વિશ્વાસમાં લીધા. પછી સારા ઘોડા પર બેસી ભાગી ગયો.
પછી જ્યારે [સ્વયં] પ્રવ્રજ્યા લીધી, તે વખતે દેવીએ [આકાશવાણી] કરી કે - તને ઉપસર્ગ થશે, માટે હાલ દીક્ષા ન લે. આર્દ્રકે વિચાર્યુ કે હું રાજ્ય નહીં કરું, મને છોડીને બીજો કોણ દીક્ષા લેશે? એમ નિશ્ચય કરી, તે દેવીને અવગણીને દીક્ષા લીધી. વિચરતા-વિચરતા કોઈ વખતે તે વસંતપુર કાયોત્સર્ગ ધ્યાને કોઈ પ્રતિજ્ઞા સ્વીકારી રહ્યા.
તેના પૂર્વભવના પત્ની સાધ્વી દેવલોકથી ચ્યવી ત્યાં શ્રેષ્ઠી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલી. બીજી સખીઓ સાથે રમતાં આર્દ્રમુનિના [પગ પકડી] આ મારા પતિ છે, તેમ કહ્યું ત્યારે નીકટવર્તી દેવીએ ૧૨ll કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી કહ્યું કે - આ કન્યાએ સારો વર પસંદ કર્યો. રાજા તે ધન લેવા આવ્યો ત્યારે દેવીએ કહ્યું - આ ધન આ બાલિકાનું છે, તેના પર બીજાનો હક્ક નથી. તેથી કન્યાના પિતાએ તે ધન થાપણરૂપે સ્વીકાર્યું.
આર્દ્રક મુનિ તેને અનુકૂલ ઉપસર્ગ માની તુરંત ત્યાંથી બીજે ચાલ્યા ગયા. સમય જતાં તે કન્યાને પરણવા અનેક ‘કુમારો’ આવ્યા. ત્યારે માતા-પિતાને કન્યાએ પૂછ્યું કે આ કુમારોના આગમનનું પ્રયોજન શું છે? તેમણે કહ્યું કે તારી સાથે લગ્ન કરવા. કન્યાએ કહ્યું - કન્યા એકને અપાય છે, અનેક ને નહીં. તમે જેનું ધન લીધું છે, તેને હું પરણેલી છું. ત્યારે પિતાએ કહ્યું - તું તેને કેવી રીતે ઓળખીશ? કન્યાએ કહ્યું કે - તેના પગના ચિન્હો ઉપરથી હું તેને ઓળખીશ. પિતાએ તેણીને બધાં ભિક્ષુને દાન દેવાનું કાર્ય સોંપ્યું. પછી બાર વર્ષ ગયા. કોઈ વખતે આર્દ્રકમુનિ ભવિતવ્યતા યોગે વિહાર કરતા ત્યાં આવ્યા. પગના ચિન્હથી કન્યાએ તેમને જાણ્યા. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સાથે તેમની પાછળ ત્યાં આવી.
આર્દ્રક મુનિને પણ દેવીનું વચન યાદ આવ્યું. પૂર્વકર્મના ઉદયથી અને અવશ્યંભાવિ ભવિતવ્યતા યોગથી પ્રતિભગ્ન થઈને તે કન્યા સાથે ભોગ ભોગવવા માંડ્યા. પુત્ર થયો. આર્દ્રકુમારે તે સ્ત્રીને કહ્યું, હવે આ પુત્ર તારો બીજો આધાર થયો છે, તેથી હું મારુ દીક્ષા-કાર્ય સાધું. તે સ્ત્રીએ પુત્રને વ્યુત્પાદિત કરવા રૂની પુણી કાંતવાનું શરૂ કર્યું. પુત્રે પૂછ્યું - આ ગરીબને યોગ્ય કાર્ય તું કેમ કરે છે? તેણી બોલી તારા પિતા દીક્ષા લેવા ઈચ્છે છે, તું નાનો છે. અસમર્થ છે. તારા પાલન-પોષણ માટે આ કાર્ય કરું છું.
તે બાળકે ઔત્પાતિકી બુદ્ધિ વડે તે કાંતલા સૂતરને લઈને તેના પિતા આર્દ્રકુમારને વીંટી દીધા, હવે તમે ક્યાં જશો? આર્દ્રકુમારે વિચાર્યું કે આ સૂતરના જેટલા આંટા હોય તેટલા વર્ષ મારે અહીં રહેવું. તે તાંતણા બાર હતાં. તેથી બાર વર્ષ ઘરમાં રહ્યા. પછી ઘેરથી નીકળી દીક્ષા લીધી. તે સૂત્રાર્થ નિષ્પન્ન આર્દ્રક મુનિ એકાકી વિચરતા રાજગૃહી પ્રતિ ચાલ્યા. રસ્તામાં તેને તેના પિતાએ નીમેલ ૫૦૦ અંગરક્ષકો મળ્યા. જેઓ રાજાના ભયથી પાછા ન ગયેલા. અટવીમાં ચોરી-લૂંટથી પેટ ભરતા હતા.- X -આર્દ્રકમુનિના વચનથી તેઓ બોધ પામ્યા, દીક્ષા લીધી
રાજગૃહ નગરના પ્રવેશ વખતે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં હરાવ્યા. તેમના દર્શનથી હાથી બંધન તોડીને ભાગ્યો. આર્દ્રકમુનિથી પ્રતિબોધ પામી હસ્તિ તાપસાદિએ દીક્ષા લીધી. વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું કે - તમારા દર્શનથી હાથી કેમ ભાગ્યો-સંવૃત્ત થયો? ત્યારે આર્દ્રક મુનિએ કહ્યું - આ હાથીનું માણસોએ વનમાં બાંધેલ બંધન તોડવું દુષ્કર ન હતું. પણ મને મારે પુત્રે તાંતણાથી બાંધેલ તે તોડવા દુષ્કર હતા. અર્થાત્ લોહસાંકળ કરતા સ્નેહતંતુઓ પ્રાણી માટે તોડવા વધું દુષ્કર છે. આર્દ્રક કથા પૂરી થઈ - X –
હવે સૂત્ર કહે છે. - X -.