Viyahapannatti 1119
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1119
- Language
- Gujarati
1119
‘ભગવતી’ સૂત્ર-૭૪૪ થી ૭૪૮ :– [૧૮/૭/૭૪૪ થી ૭૪૮]
[૭૪૪] તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે – કાલોદાયી, શૈલોદાયી૦ આદિ શતક-૭-માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ યાવત્ તે કેમ માનવું?
ત્યાં રાજગૃહ નગરમાં મદ્રુક નામે શ્રાવક વસતો હતો. તે આઢ્ય યાવત્ અપરિભૂત હતો. જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરતો હતો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા, યાવત્ પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યુપાસના કરે છે.
ત્યારે મદ્રુક શ્રાવકે આ વૃત્તાંત જાણ્યો. તે હર્ષિત, સંતુષ્ટ યાવત્ આનંદિત હૃદય થયો. સ્નાન કર્યુ યાવત્ શરીર અલંકારી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતા રાજગૃહનગરે યાવત્ પ્રસ્થાન કર્યુ. ચાલતા ચાલતા તે અન્યતીર્થિકોની નીકટથી પસાર થયો.
ત્યારે તે અન્યતીર્થિકોએ મદ્રુક શ્રાવકને નીકટથી પસાર થતો જોયો. જોઈને એકબીજાને બોલાવી, આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો! આપણે આ વાત અવિદિત છે, આ મદ્રુક શ્રાવક આપણી નિકટથી જઈ રહ્યો છે, તો હે દેવાનુપ્રિયો! એ શ્રેયસ્કર છે કે આપણે મદ્રુક શ્રાવકને આ પદાર્થ પૂછીએ. એમ કરીને એકબીજા સમીપે, આ વાતને સ્વીકારી, સ્વીકારીને મદ્રુક શ્રાવક પાસે આવ્યા. આવીને મદ્રુક શ્રાવકને આમ કહ્યું –
હે મદ્રુક! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે. જેમ શતક-૭-માં અન્યતીર્થિક ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ હે મદ્રુક! આમ કઈ રીતે છે?
ત્યારે તે મદ્રુક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું – જ્યારે [અસ્તિકાય] કાર્ય કરે છે, તે આપણે જાણીએ - જોઈએ છીએ, જો કાર્ય કરતા નથી તો આપણે જાણતા-જોતા નથી. ત્યારે અન્યતીર્થિકોએ આમ પૂછ્યું – હે મદ્રુક! તું કેવો શ્રાવક છે કે તું આ અર્થને જાણતો-જોતો નથી?
ત્યારે મદ્રુક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું – હે આયુષ્યમાનો! વાયુ વાય છે? – હા, વાય છે. હે આયુષ્યમાનો! તમે વહેતી હવાનું રૂપ જુઓ છો?, - ના, તે અર્થ સમર્થ નથી.
હે આયુષ્યમાનો! ઘ્રાણ સહગત પુદ્ગલો છે? હા, છે. તમે ઘ્રાણ સહગત પુદ્ગલના રૂપને જોયું છે? ના, તે અર્થ સમર્થ નથી.
હે આયુષ્યમાનો! અરણિ સહગત અગ્નિકાય છે? હા છે. તમે અરણિસહગત અગ્નિકાયના રૂપને જુઓ છો? ના, તે અર્થ સમર્થ નથી.
હે આયુષ્યમાનો! સમુદ્રને પાર જઈને રૂપો છે? - હા, છે. તમે સમુદ્ર પારગત રૂપોને જુઓ છો?, - ના, તે અર્થ સમર્થ નથી,
હે આયુષ્યમાનો! દેવલોકગત રૂપો છે? - હા, છે. તમે દેવલોકગત રૂપોને જુઓ છો? ના, તેમ નથી.
હે આયુષ્માનો! આ પ્રમાણે હું, તમે, કે બીજા કોઈ છદ્મસ્થ જે કંઈ ન જાણીએ, ન જોઈએ, ‘તે બધું નથી હોતું’ એવું માનીએ તો આ લોકમાં ઘણાં પદાર્થોનું અસ્તિત્વ ન રહે. એમ કહી મદ્રુકે તેમને પ્રતિહત કર્યા. એમ કરીને ગુણશીલ ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને પંચવિધ અભિગમથી યાવત્ પર્યુપાસ્યા.
મદ્રુકને આમંત્રી, ભગવંતે મદ્રુકને આમ કહ્યું – હે મદ્રુક! તે અન્યતીર્થિકોને સારું કહ્યું. તે તેમને સારો ઉત્તર આપ્યો. હે મદ્રુક! અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તરને જાણ્યા-જોયા-સાંભળ્યા-સંમત-વિજ્ઞાત થયા વિના જે કોઈ બહુજન મધ્યે કહે છે - પ્રજ્ઞાપે છે યાવત્ ઉપદેશે છે, તે અરિહંતની-અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની - કેવલીની અને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આશાતનામાં વર્તે છે. હે મદ્રુક! તેં તેમને આવો જવાબ આપ્યો. તે ઘણું સારું કર્યુ, ઉત્તમ કાર્ય કર્યુ, યાવત્ અન્યતીર્થિકોને નિરુત્તર કરી દીધા.
ત્યારે મદ્રુક શ્રાવક શ્રમણ ભગવંત મહાવીરે આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી, નમીને સમીપે જઈ યાવત્ સેવે છે.
ત્યારે ભગવંતે મદ્રુક શ્રાવકને યાવત્ તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ફરી.
ત્યારે મદ્રુક શ્રાવક યાવત્ ધર્મ સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રશ્નાદિ પૂછ્યા, પૂછીને અર્થો જાણવા, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમી યાવત્ પાછો ગયો.
ભંતે! એમ આમંત્રી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને વાંદી-નમી આમ કહ્યું – હે ભંતે! મદ્રુક શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે યાવત્ પ્રવ્રજિત થવા સમર્થ છે? ના, તેમ નથી. એ પ્રમાણે જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ અરુણાભમાં યાવત્ અંત કરશે.
[૭૪૫] હે ભગવન્! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, હજાર રૂપ વિકુર્વીને પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા, છે.
ભગવન્! તે વૈક્રિય શરીર એક જીવ સંબદ્ધ છે કે અનેક જીવ સંબદ્ધ? ગૌતમ! એકજીવ સંબદ્ધ છે, અનેકજીવ સંબદ્ધ નથી. ભગવન્! તે વિકુર્વીત શરીરના અંતરાલ શું એકજીવ સ્પૃષ્ટ છે કે અનેકજીવ સ્પૃષ્ટ?
ગૌતમ! એકજીવ સ્પૃષ્ટ છે, અનેક જીવ સ્પૃષ્ટ નથી. હે ભગવન્! કોઈ પુરષ, તે વૈક્રિયકૃત્ શરીરોના અંતરમાં પોતાનો હાથ, પગ આદિ શતક-૮, ઉદ્દેશા-૩-મુજબ કહેવું યાવત્ તેમાં શસ્ત્રાક્રમણ કરી શકે નહીં.
[૭૪૬] ભગવન્! શું દેવો અને અસુરોમાં સંગ્રામ થાય છે? હા. થાય છે.
ભગવન્! દેવો અને અસુરો સંગ્રામમાં વર્તતા હોય ત્યારે કઈ વસ્તુ, તે દેવોના શ્રેષ્ઠ શસ્ત્રરૂપે પરિણત થાય છે? ગૌતમ! તે દેવો, જે તૃણ-કાષ્ઠ-પત્ર-કંકરને સ્પર્શ કરે, તે વસ્તુ તે દેવોને શસ્ત્રરૂપે પરિણમે છે.
ભગવન્! જેમ દેવોમાં કહ્યું તેમ અસુરકુમારોમાં કહેવાય? ના, તે અર્થ સમર્થ નથી. અસુરકુમારોને નિત્ય વિકુર્વિત શસ્ત્ર હોય.
[૭૪૭] ભગવન્! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, લવણ સમુદ્રને ચોતરફ પ્રદક્ષિણા કરી જલ્દી આવવાને સમર્થ છે? હા, સમર્થ છે.
ભગવન્! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, એ રીતે ઘાતકીખંડ દ્વીપને૦? યાવત્ હા, છે. એ રીતે રુચકવરદ્વીપને૦? યાવત્, હા સમર્થ છે. તેનાથી આગળ દેવો જાય છે, પણ તેની ચોતરફ પ્રદક્ષિણા કરતાં નથી.
[૭૪૮] ભગવન્! શું એવા પણ દેવ છે, જે અનંત કર્માંશોને જઘન્યથી ૧૦૦, ૨૦૦, ૩૦૦ કે ઉત્કૃષ્ટથી ૫૦૦ વર્ષોમાં ખપાવી દે? હા, છે.
ભગવન્! એવા દેવ છે, જે અનંત કર્માંશોને જઘન્ય એક-બે કે ત્રણ હજાર અને ઉત્કૃષ્ટ ૫૦૦૦ વર્ષોમાં ખપાવી દે? હા, છે.
ભગવન્! શું એવા દેવ પણ છે, જે અનંત કર્માંશોને જઘન્યથી એક, બે કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષોમાં ખપાવે? હા, છે.
ભગવન્! એવા કોણ દેવ છે, જે અનંત કર્માંશોને જઘન્ય ૧૦૦ યાવત્ ૫૦૦ વર્ષોમાં ખપાવે છે? એવા કોણ દેવ છે, જે યાવત્ ૫૦૦૦ વર્ષોમાં ખપાવે છે? એવા કોણ દેવ છે જે યાવત્ પાંચ લાખ વર્ષોમાં ખપાવે?
ગૌતમ! વ્યંતર દેવો અનંત કર્માંશોને ૧૦૦ વર્ષોમાં ખપાવે છે, અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવ અનંત કર્માંશોને ૨૦૦ વર્ષમાં ખપાવે. અસુરકુમાર દેવો અનંત કર્માંશોને ૩૦૦ વર્ષોમાં ખપાવે.
ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક દેવો અનંત કર્માંશોને ૪૦૦ વર્ષમાં યાવત્ ખપાવે. ચંદ્ર-સૂર્ય જ્યોતિષ્કેન્દ્રો જ્યોતિષ્રાજ અનંત કર્માંશોને ૫૦૦ વર્ષોમાં ખપાવે.
સૌધર્મ, ઈશાન દેવો ૧૦૦૦ વર્ષોમાં યાવત્ ખપાવે, સનત્કુમાર-માહેન્દ્ર દેવો ૨૦૦૦ વર્ષોમાં યાવત્ ખપાવે, એ પ્રમાણે આ આલાવાથી બ્રહ્મલોક-લાંતક દેવો ૩૦૦૦ વર્ષોમાં ખપાવે, મહાશુક્ર-સહસ્રાર દેવો ૪૦૦૦ વર્ષોમાં, આનત-પ્રાણત આરણ-અચ્યુત દેવો ૫૦૦૦ વર્ષોમાં ખપાવે.
નીચલી ગ્રૈવેયકા દેવો અનંત કર્માંશોને એક લાખ વર્ષમાં ખપાવે, મધ્યમ ગ્રૈવેયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરની ગ્રૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં, વિજયાદિ ચારના દેવો ચાર લાખ વર્ષોમાં અને સર્વાર્થ-સિદ્ધના દેવો અનંત કર્માંશોને પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે.
એ કારણે હે ગૌતમ! તે દેવો જે અનંત કર્માંશોને જઘન્યથી ૧૦૦, ૨૦૦, ૩૦૦ અને ઉત્કૃષ્ટથી ૫૦૦ વર્ષોમાં ખપાવે છે, યાવત્ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. યાવત્ પાંચ લાખ વર્ષોમાં ખપાવે. ભગવન્! તેમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit