Viyahapannatti 135
Viyāhapannatti: ṭīkānusārī vivecana 135
- Language
- Gujarati
135
‘ભગવતી’ સૂત્ર-૮૭ થી ૯૧ :– [૧/૮/૮૭ થી ૯૧]
[૮૭] ભગવન્! મૃગવૃત્તિક, મૃગોનો શિકારી, મૃગોના શિકારમાં તલ્લીન એવો કોઈ પુરૂષ હરણને મારવા માટે કચ્છમાં, દ્રહમાં, ઉદકમાં, ઘાસાદિના સમૂહમાં, વલયમાં, અંધકારયુક્ત પ્રદેશમાં, ગહનમાં, ગહન-વિદુર્ગમાં, પર્વતમાં, પર્વત વિદુર્ગમાં, વનમાં, વનવિદુર્ગમાં, ‘એ મૃગ છે’ એમ કરી કોઈ એક મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તો ભગવન્! તે પુરૂષ કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ! યાવત્ તે પુરૂષ ત્રણ-ચાર કે કદાચ પાંચ ક્રિયાવાળો થાય. - ભગવન્! એમ કેમ કહો છો?
ગૌતમ! જ્યાં સુધી તે જાળને ધારણ કરે, પણ મૃગોને બાંધે કે મારે નહીં, ત્યાં સુધી તે પુરૂષ કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી એ ત્રણ ક્રિયાથી સ્પૃષ્ટ છે. જે જાળને ધારણ કરી, મૃગોને બાંધે છે પણ મારતો નથી, ત્યાં સુધી તે પુરૂષ કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી, પારિતાપનિકી ચાર ક્રિયાને સ્પર્શે. જે પુરૂષ જાળને ધારણ કરે, મૃગોને બાંધે અને મારે તે પુરૂષ કાયિકી આદિ પાંચે ક્રિયાને સ્પર્શે છે માટે.
[૮૮] ભગવન્! કચ્છમાં યાવત્ વનવિદુર્ગમાં કોઈ પુરૂષ તૃણને ભેગું કરીને તેમાં આગ મૂકે તો તે પુરૂષ કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય. એમ કેમ કહ્યું? ગૌતમ! તરણાં ભેગા કરે ત્યાં સુધી ત્રણ ક્રિયા, ભેગા કરીને અગ્નિ મૂકે પણ બાળે નહીં ત્યાં સુધી ચાર, તૃણ ભેગું કરી - અગ્નિ મૂકી - બાળે ત્યારે તે પુરૂષને યાવત્ પાંચે ક્રિયાઓ સ્પર્શે છે.....
[૮૯] ભગવન્! મૃગવૃત્તિક, મૃગસંકલ્પ, મૃગપ્રણિધાન, મૃગવધને માટે કચ્છમાં યાવત્ વનવિદુર્ગમાં જઈ ‘એ મૃગ છે’ એમ વિચારી કોઈ હરણને મારવા બાણ ફેંકે, તો તે પુરૂષ કેવળી ક્રિયાવાળો થાય?
ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો. એમ કેમ કહ્યું? ગૌતમ! જ્યાં સુધી તે બાણ ફેંકે પણ મૃગને વિંધતો કે મારતો નથી ત્યાં સુધી ત્રણ, બાણ ફેંકે અને વિંધે પણ મારે નહીં ત્યાં સુધી ચાર, બાણ ફેંકે-વિંધે-મારે એટલે પાંચ ક્રિયાઓ લાગે...
[૯૦] ભગવન્! કચ્છમાં યાવત્ કોઈ એક મૃગના વધને માટે પૂર્વોક્ત કોઈ પુરૂષ, કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયત્ન પૂર્વક ખેંચીને ઊભો રહે, બીજો પુરૂષ પાછળથી આવીને પોતાના હાથે તલવાર વડે તે પુરૂષનું માથું કાપી નાંખે, પણ તે બાણ પૂર્વના ખેંચાણ થકી ઉછળીને તે મૃગને વિંધે,
તો હે ભગવન્! તે પુરૂષ મૃગના વૈરથી સ્પૃષ્ટ છે કે પુરૂષના વૈરથી? ગૌતમ! જે મૃગને મારે છે, તે મૃગના વૈરથી સ્પૃષ્ટ છે, જે પુરૂષને મારે છે, તે પુરૂષના વૈરથી સ્પૃષ્ટ છે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! તે નિશ્ચિત છે - કરાતું કરાયું, સંધાતુ સંધાયુ, વળાતુ વળાયુ, ફેંકાતું ફેંકાયું કહેવાય? હા, ભગવન્! તેમ કહેવાય. માટે હે ગૌતમ! જે મૃગને મારે તે મૃગના વૈરથી સ્પૃષ્ટ છે, જે પુરૂષને મારે તે પુરૂષના વૈરથી સ્પૃષ્ટ છે.
મરનાર જો છ માસમાં મરે તો મારનાર કાયિકી આદિ પાંચે ક્રિયાઓમાંથી સ્પૃષ્ટ કહેવાય. જો છ માસ પછી મરે તો મારનાર કાયિકી યાવત્ પારિતાપનિકી એ ચાર ક્રિયાથી સ્પૃષ્ટ કહેવાય.
[૯૧] ભગવન્! કોઈ પુરૂષ બીજા પુરૂષને બરછીથી મારે, અથવા પોતાના હાથે તલવાર વડે તે પુરૂષનું માથું કાપી નાખે, તો તે પુરૂષ કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ! જ્યાં સુધીમાં તે પુરૂષ બીજા પુરૂષને બરછી મારે કે તલવારથી છેદે ત્યાં સુધીમાં તે પુરૂષ કાયિકી યાવત્ પ્રાણાતિપાત એ પાંચ ક્રિયાને સ્પર્શે. આસન્નવધક તથા અનવકાંક્ષ પ્રત્યયિક પુરૂષ વૈરથી સ્પૃષ્ટ થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit