Pramāṇa · Search · About · API

Viyahapannatti 15

Viyāhapannatti: ṭīkānusārī vivecana 15

Language
Gujarati

15

વિવેચન :–૬
શ્રમ એટલે ખેદ અર્થવાળા ‘શ્રમ્‌’ ધાતુથી જે તપ કરે તે શ્રમણ. અથવા શોભન મનથી વર્તે તે સમન. સ્તવ ના પ્રસ્તાવથી મનનું શોભનપણું કહેવું. અથવા મનોમાત્ર સત્ત્વનું અસ્તવપણાથી, સંગત એટલે જેવું હોય તેવું બોલે, અથવા સર્વ પ્રાણીમાં તુલ્ય પ્રવર્તે તે, શ્રમણ છે.
ભગવન્‌ - ઐશ્વર્યાદિયુક્ત, પૂજ્ય..
મહાવીર - શૂર અને વીર ધાતુ ઉપરથી શત્રુનું નિરાકરણ કરવામાં વિક્રાંત. તે તો ચક્રવર્તી આદિ પણ હોય, તેથી વિશેષથી કહે છે - મહાન્‌ એવા દુર્જય એવા અંતર્‌શત્રુના નિરાકરણથી વીર એટલે મહાવીર. આ ગુણનિષ્પન્ન નામ દેવે કરેલું છે.
કહ્યું છે – ભય, ભૈરવમાં અચલ અને પરિષહ, ઉપસર્ગોમાં ક્ષાંતિક્ષમ હોવાથી દેવોએ આ નામ કર્યુ – ‘શ્રમણ ભગવંત મહાવીર.’
આદિકર - પ્રથમથી આચારાદિ ગ્રંથરૂપ શ્રુત ધર્મના અર્થના પ્રણયનશીલ હોવાથી ‘આદિકર’ છે.
આદિકર હોવાથી તીર્થકર - જે વડે સંસાર સમુદ્ર તરાય તે તીર્થ અર્થાત્‌ પ્રવચન, તેનાથી અભિન્ન હોવાથી ‘સંઘ’ તીર્થ કહેવાય. તેને કરનાર હોવાથી તીર્થકર કહ્યા.
તેમનું તીર્થકરત્વ અન્યના ઉપદેશપૂર્વક નથી, માટે કહે છે – સહસંબુદ્ધ - અન્યના ઉપદેશ વિના આત્માની જ સાથે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુ તત્ત્વને યથાવત્‌ જાણે તે સહસંબુદ્ધ,
તેમનું સહસંબુદ્ધત્વ પુરુષોત્તમત્વથી છે–પુરુષોત્તમ - પુરુષો મધ્યે તે તે રૂપાદિ અતિશયોથી ઉચ્ચ હોવાથી ઉત્તમ હોય તે પુરુષોત્તમ કહેવાય.
તેમનું પુરુષોત્તમત્વ સિંહ આદિ ત્રણ ઉપમાઓ વડે સમર્થન કરતા કહે છે – સિંહ સમાન પુરૂષરૂપ જે સિંહ તે પુરૂષસિંહ અર્થાત્‌ શૌર્યાદિ ગુણો વડે સિંહસમાન. શૌર્યને લીધે સિંહની ઉપમા આપી. બાલ્યપણામાં શત્રુ દેવે બીવડાવ્યા છતાં ડર્યા નહીં, દેવના મોટા થતાં જતાં શરીરને વજ્ર સમાન મુષ્ટિ પ્રહારથી કુબ્જ કરી દીધું હતું.
વરપુણ્ડરીક - પ્રધાન ધવલ સહસ્રપત્ર. પુરૂષ સમાન વરપુંડરીક તે પુરૂષવર પુંડરીક, ભગવંતનું ધવલત્વ સર્વ અશુભ મલરહિત હોવાથી ને સર્વ શુભાનુભાવથી શુદ્ધ હોવાથી અથવા પુરૂષ એટલે પોતાના સેવકરૂપ જીવો, તેના સંતાપરૂપ તાપને નિવારવામાં સમર્થ હોવાથી તથા શોભાનું કારણ હોવાથી પુરૂષવર-પુંડરીક,
તથા પુરૂષ માફક વરગંધહસ્તી તે પુરૂષવર ગંધહસ્તી જેમ ગંધહસ્તીની ગંધ વડે બીજા હાથી નાશી જાય છે, તેમ ભગવંતના તે દેશોના વિહાર વડે ઈતિ, પરચક્ર, દુર્ભિક્ષ, ડમર, મરકી આદિ દુરિતો નષ્ટ થાય છે, માટે ભગવંત પણ પુરૂષવર ગંધહસ્તિ કહેવાય.
તે માત્ર પુરૂષોત્તમ જ નથી. પરંતુ લોકના નાથ હોવાથી લોકમાં પણ ઉત્તમ છે, માટે કહે છે – સંજ્ઞી ભવ્ય પ્રાણીઓના સ્વામી, ‘યોગ અને ક્ષેમ કરનાર તે નાથ’ એ વચનથી લોકનાથ. અપ્રાપ્ત જે સમ્યગ્‌ દર્શનાદિ, તેની પ્રાપ્તિ તથા તેના પરિપાલનથી લોકનાથત્વ છે.
તે લોકનાથત્વ યથાવસ્થિત વસ્તુ સમૂહને પ્રદીપના કરવાથી જ છે - લોકપ્રદીપ, તિર્યંચ-નર-દેવરૂપ વિશિષ્ટ લોકના અંતર અંધકારને દૂર કરનાર હોવાથી પ્રકૃષ્ટ પ્રકાશકારીત્વથી પ્રદીપ સમાન.
આ વિશેષણ દેખાતા લોકને આશ્રીને કહ્યું, હવે દૃશ્ય લોકને આશ્રીને કહે છે – દેખાય તે લોક, આ વ્યુત્પત્તિથી સકલવસ્તુ સમૂહરૂપ લોકાલોક સ્વરૂપને અખંડ, સૂર્યમંડલની પેઠે બધાં પદાર્થોના સ્વભાવનો પ્રકાશ કરવામાં સમર્થ કેવલજ્ઞાનરૂપ આલોકપૂર્વક પ્રવચનપ્રભા સમૂહને પ્રવર્તાવવાથી પ્રકાશને કરવાના સ્વભાવવાળા હોવાથી લોક પ્રદ્યોતકર.
ઉક્ત વિશેષણયુક્ત તો સૂર્ય, હરિ, હર, બ્રહ્માદિ પણ, તે-તે તીર્થિકના મતે છે, તો ભગવંતની શી વિશેષતા? તેથી વિશેષે કહે છે –
અભયદય - પ્રાણનો નાશ કરવામાં રસિક તથા ઉપસર્ગોને કરનારા પ્રાણીને ભય દેનાર ન હોવાથી અભયદાતા અથવા સર્વ પ્રાણીના ભયને હરનાર દયા જેને છે તે. આ વિશેષતા હરિ, હરાદિમાં નથી. ભગવંત અપકારી તથા અન્ય પ્રાણીના અનર્થનો માત્ર પરિહાર જ કરે છે, એટલું જ નહીં, પણ તેઓને પદાર્થની પ્રાપ્તિ પણ કરે છે, માટે કહ્યું
ચક્ષુર્દય - શુભાશુભ પદાર્થના વિભાગને દર્શાવનાર હોવાથી શ્રુતજ્ઞાન ચક્ષુ સમાન છે. કહ્યું છે – શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે હેયોપાદેયને જાણે તે જ ચક્ષુવાળા છે. તેને દેનારા હોવાથી ચક્ષુદય છે. અટવીમાં ગયેલા, ચોર વડે લુંટાયેલા ધનવાળા, પાટા વડે જેમની આંખો બાંધેલી છે, એવા મનુષ્યોને ચક્ષુ ઉઘાડી ઈષ્ટમાર્ગમાં બતાવનાર જેમ ઉપકારી છે, તેમ ભગવંત પણ સંસાર-અરણ્યવર્તી, રાગાદિ ચોર વડે જેઓનું ધર્મધન લુંટાઈ ગયું છે, સદ્‌જ્ઞાન લોચનો કુવાસનાચ્છાદિત છે તેને ખસેડી શ્રુતચક્ષુ આપીને નિર્વાણ માર્ગને બતાવતા ઉપકારી છે –
માર્ગદાતા, માર્ગ - સમ્યગ્‌દર્શનજ્ઞાન ચારિત્રાત્મક મોક્ષરૂપ નગરના માર્ગને આપનાર હોવાથી માર્ગદય છે. જેમ લોકમાં ચક્ષુ ઉઘાડી, માર્ગ બતાવી, ચૌરાદિથી લુંટાયેલને નિરૂપદ્રવ સ્થાને પહોંચાડનાર પરમ ઉપકારી થાય, તેમ ભગવંત પણ છે, તે દર્શાવે છે –
શરણદાતા, શરણ - વિવિધ ઉપદ્રવોથી દુઃખી જીવને શરણ-એટલે પરમાર્થથી નિર્વાણને આપે તે શરણદય છે. ભગવંતનું શરણદાયકપણું ધર્મદેશના વડે છે તેથી કહે છે –
શ્રુતચારિત્રરૂપ ધર્મને કહે છે માટે ધર્મદેશક છે. પાઠાંતરથી - ચારિત્રધર્મના દાતા હોવાથી ભગવંત ધર્મદય છે. ધર્મદેશક તો માત્ર ધર્મની દેશનાથી કહેવાય છે, માટે કહે છે –
ધર્મરૂપ રથના પ્રવર્તક ભગવંત સારથિ સમાન છે. જેમ રથના સારથી રથમાં બેસનાર અને રથને લઈ જનાર ઘોડાઓનું રક્ષણ કરે છે. તેમ ભગવંત પણ ચારિત્ર ધર્મના સંયમ, આત્મા અને પ્રવચનરૂપ અંગોના રક્ષણના ઉપદેશાત્મપણાથી ધર્મસારથી છે. અન્યતીર્થિકો પણ તેમના ભગવંતને ધર્મસારથી કહે છે, તેથી વિશેષથી કહે છે
– ધર્મવરચાતુરંતચક્રવર્તી. ત્રણ સમુદ્રો અને ચોથો હિમવંત, એ ચાર પૃથ્વીના અંત છે, તે ચારે છેડાનો સ્વામી તે ચાતુરંત છે, તે રૂપ ચક્રવર્તી, વર - શ્રેષ્ઠ, તે વર ચાતુરંત ચક્રવર્તી - અતિશયવાળો રાજા, ભગવંત ધર્મને વિશે ચાતુરંત ચક્રવર્તી સમાન છે. જેમ પૃથ્વીમાં બીજા રાજા કરતાં અતિશયવંત હોય છે. તેમ ભગવંત પણ ધર્મપ્રણેતાઓમાં અતિશયવંત છે તેથી ધર્મરૂપ બીજા ચક્ર કરતા અથવા કપિલ આદિના ધર્મચક્ર કરતા શ્રેષ્ઠ, ચાતુરંતદાનાદિ ભેદથી ચાર પ્રકારનું અથવા નારકાદિ ચારગતિના નાશ કરનારું, અંતર શત્રુનું ઉચ્છેદક હોવાથી જે ચક્ર, તે ચક્ર વડે વર્તવાના સ્વભાવવાળા હોવાથી તે ધર્મવર ચાતુરંત ચક્રવર્તી.
આ ધર્મદેશકાદિ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગથી ઘટે છે –
અપ્રતિહત - કટ, કુટી આદિ વડે અસ્ખલિત અથવા અવિસંવાદક અથવા ક્ષાયિક હોવાથી શ્રેષ્ઠ વિશેષ-સામાન્ય બોધાત્મક કેવલજ્ઞાન દર્શનને ધારણકર્તા હોવાથી અથવા કોઈ અન્યમતિ, છદ્મસ્થોને પણ ઉપર્યુક્ત સંપત્તિયુક્ત માને છે, પણ તે મિથ્યોપદેશક હોવાથી ઉપકારી ન થાય, માટે ભગવંતના છદ્મરહિતત્વને બતાવવા કહે છે –
વ્યાવૃત્તછદ્મ - વ્યાવૃત્ત એટલે ગયેલું છે, છદ્મ-શઠત્વ કે આવરણ જેનું તે.
છદ્મનો અભાવ રાગાદિના જયથી છે, તેથી જિન - રાગ, દ્વેષ આદિ રૂપ શત્રુને જિતે તે.
રાગાદિનો જય અને રાગાદિ સ્વરૂપ અને તેના જયના ઉપાયોનું જ્ઞાન દર્શાવતા કહે છે - જાણએ - છાદ્મસ્થિક ચાર જ્ઞાન વડે જાણે છે, તે જ્ઞાયક. એ રીતે સ્વાર્થ સંપત્તિ કહી,
હવે ભગવંતની પરાર્થ સંપત્તિ ચાર વિશેષણોથી કહે છે - બુદ્ધ - જીવાદિ તત્ત્વોને જાણનારા
બોહએ - બીજાને જીવાદિ તત્ત્વોનો બોધ પમાડનાર.
મુત્ત - બાહ્યાભ્યંતર ગ્રંથિ બંધનથી મુક્ત, મોયએ - બીજાને કર્મ બંધનથી મૂકાવનાર.
હવે મુક્તાવસ્થાને આશ્રીને વિશેષણો કહે છે – સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુના સમૂહને વિશેષરૂપે જાણવું હોવાથી સર્વજ્ઞ. તેનું સામાન્ય રૂપે જાણપણું હોવાથી સર્વદર્શી અર્થાત્‌ મુક્તાવસ્થામાં પણ સર્વજ્ઞ, સર્વદર્શી. પણ અન્યદર્શનીના મત મુજબ મુક્તપણામાં સ્થિત પુરૂષવત્‌ ભાવિમાં જડ થનાર નહીં. આ બે પદ ક્યાંક નથી દેખાતા.
સર્વ અબાધારહિતત્વથી શિવ, સ્વાભાવિક-પ્રાયોગિક ચલન હેતુ અભાવથી અચલ, રોગનાં કારણ શરીર અને મનને અભાવે રોગરહિત, અનંતાર્થ વિષય જ્ઞાનસ્વરૂપત્વથી અનન્ત,
સાદિ-અનંત સ્થિતિત્વથી અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમંડલવત્‌ અક્ષત, બીજાને અપીડાકારી હોવાથી અવ્યાબાધ, જેમાં જવાથી નિષ્ઠિતાર્થ થવાય તે સિદ્ધિ, તે તરફની ગતિ હોવાથી સિદ્ધિગતિ, તે જ પ્રશસ્ત નામ છે તે તથા, અનવસ્થાનના કારણરૂપ કર્મના અભાવે સ્થિર થવાય તે સ્થાન એટલે ક્ષીણકર્મ જીવનું સ્વરૂપ કે લોકાગ્ર. - X - X –
આવા સ્થાને જવાની ઈચ્છાવાળા, પણ તેને પ્રાપ્ત ન કરેલ. કેમ કે તે પ્રાપ્ત થતાં વિવક્ષિત પ્રરૂપણા અસંભવ છે. જો કે આ વિશેષણ તો ઉપચારથી છે કેમ કે કેવલિ ભગવંતો તો ઈચ્છા વિનાના જ હોય છે.
જાવ સમોસરણં - સમવસરણનો વર્ણક આવે ત્યાં સુધી ભગવંતનું વર્ણન વાંચવું. તે ભગવંત વર્ણન આ પ્રમાણે - ભુજમોચક રત્ન, કાળો કીડો કે અંગારો, ગળીનો વિકાર, મષી, હર્ષિત ભ્રમરાનો સમૂહ, સ્નિગ્ધ, કાળી કાંતિવાળો, એવા નિબિડ, કુંડલીભૂત, પ્રદક્ષિણાવર્ત જેના મસ્તકના વાળ છે. એ રીતે કેશવર્ણનથી પગના તળીયાં સુધી શરીરનું વર્ણન કહેવું. [ઉવવાઈ સૂત્રમાં આ વર્ણન વિસ્તારથી છે.]
અહીં પાદતલ નું વર્ણન છે. - X - ઉત્તમ પુરૂષના ૧૦૦૮ લક્ષણના ધારક, આકાશગત એવા - ચક્ર, છત્ર, ચામર, સિંહાસનથી યુક્ત. આકાશ-અતિ સ્વચ્છ સ્ફટિકવિશેષમય, દેવોએ આગળ ખેંચતા ધર્મધ્વજ વડે અને ૧૪,૦૦૦ સાધુ તથા ૩૬,૦૦૦ સાધ્વીથી પરિવરીને વિચરે છે.
ભગવંત પૂર્વાનુપૂર્વીથી વિચરતા - X - ગ્રામાનુગ્રામ જતાં, સુખે સુખે વિચરતા રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યે આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમથી આત્માને ભાવતા વિચરે છે.
સમવસરણ વર્ણનમાં ઘણાં શ્રમણ ભગવંતોનું વર્ણન અને ભવનપતિ આદિ દેવોનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું.

Linked texts (1)