Viyahapannatti 174
Viyāhapannatti: ṭīkānusārī vivecana 174
- Language
- Gujarati
174
હે ગૌતમ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈએ, તેમને વંદન, નમન યાવત્ સેવા કરીએ. હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. પછી તે ગૌતમ સ્વામીએ કાત્યાયન ગોત્રીય સ્કંદક સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. ત્યાં જવાનો સંકલ્પ કર્યો.
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શૃંગાર-કલ્યાણ-શિવ-ધન્ય-મંગલરૂપ, અલંકારો વિના શોભતું, લક્ષણ-વ્યંજન-ગુણ વડે યુક્ત, શોભાવાળું અતિ અતિ શોભાયમાન હતું.
પછી તે સ્કંદક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરના ઉદાર યાવત્ અતિ શોભતા શરીરને જોઈને હૃષ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ્ય, હર્ષના વશ વિકસીત હૃદયી થઈ, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસે છે.
હે સ્કંદક! એમ આમંત્રી, શ્રમણ ભગવંત મહાવીરે સ્કંદકને આ પ્રમાણે કહ્યું – હે સ્કંદક! શ્રાવસ્તી નગરીમાં પિંગલ સાધુએ તને આક્ષેપપૂર્વક આમ પૂછ્યું હતું કે – હે માગધ! લોક સાંત છે કે અનંત? ઈત્યાદિ. અને તું જલ્દી મારી પાસે આવ્યો છે. સ્કંદક! શું આ વાત યોગ્ય છે? હા, છે. હે સ્કંદક! તારા મનમાં આવા પ્રકારે સંકલ્પ થયેલો કે – શું લોક સાંત છે કે અનંત? તેનો અર્થ આ છે –
હે સ્કંદક! મેં લોકને ચાર પ્રકારે કહ્યો છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યલોક એક અને સાંત છે. ક્ષેત્રલોક અસંખ્યાત કોડાકોડી યોજન લાંબો-પહોળો છે, તથા તેની પરિધિ અસંખ્યાત કોડાકોડી યોજન છે અને તે સાંત છે. કાળલોક કદી ન હતો એમ નથી, કદી ન હોય એમ નથી, કદી નહીં હશે એમ નથી. તે હંમેશા હતો - છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તે અનંત છે. ભાવલોક-અનંતવર્ણ-ગંધ-રસ-સ્પર્શ પર્યવરૂપ છે. અનંત સંસ્થાન-ગુરુલઘુપર્યવ-અગુરુ લઘુ પર્યવરૂપ છે, તેનો અંત નથી. તો હે સ્કંદક! લોક દ્રવ્ય અને ક્ષેત્રથી અંતવાળો છે અને કાળ તથા ભાવથી અંત વગરનો છે.
વળી તને જે થયું કે જીવ સાંત છે કે અનંત? તેનો આ ઉત્તર છે - યાવત્ - દ્રવ્યથી જીવ એક અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશિક, અસંખ્ય પ્રદેશાવગાઢ અને સાંત છે. કાળથી જીવ કદી ન હતો તેમ નથી યાવત્ નિત્ય છે અને તે અનંત છે. ભાવથી જીવ અનંત – જ્ઞાન, દર્શન, અગુરુલઘુ પર્યાયરૂપ છે, તે અનંત છે. તેથી જીવ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે. કાળ અને ભાવથી અનંત છે.
વળી હે સ્કંદક! તને જે આ વિકલ્પ થયો - યાવત્ - સિદ્ધિ સાંત છે કે અનંત? તેનો ઉત્તર આ – મેં ‘સિદ્ધિ’ ચાર પ્રકારે કહી છે - દ્રવ્યથી સિદ્ધિ એક અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિ લંબાઈ અને પહોળાઈ-૪૫ લાખ યોજન છે, તેની પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક વિશેષાધિક છે. તથા તેનો અંત છે. કાળથી સિદ્ધિ કદી ન હતી તેમ નથી ઈત્યાદિ પૂર્વવત્. ભાવથી સિદ્ધિ ભાવલોક માફક કહેવી. એ રીતે દ્રવ્યસિદ્ધિ, ક્ષેત્રસિદ્ધિ સાંત છે. કાળસિદ્ધિ, ભાવસિદ્ધિ અનંત છે.
હે સ્કંદક! તને જે એમ થયું કે - યાવત્ - સિદ્ધો અંતવાળા છે કે અંતરહિત? એ પ્રમાણે યાવત્ દ્રવ્યથી સિદ્ધ એક અને સાંત છે, ક્ષેત્રથી સિદ્ધ અસંખ્યપ્રદેશિક, અસંખ્યપ્રદેશાવગાઢ છે. તે સાંત છે, કાળથી સિદ્ધ આદિ અનંત છે. તેનો અંત નથી. ભાવથી સિદ્ધો અનંતા-જ્ઞાનપર્યવા-દર્શનપર્યવા યાવત્ અગુરુલઘુપર્યવા છે અને અનંત છે. [દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત, કાળ અને ભાવથી અનંત છે.]
હે સ્કંદક! તને એવો જે સંકલ્પ થયો કે - કયા મરણે મરતા તેનો સંસાર વધે કે ઘટે? તેનો ખુલાસો આ છે – હે સ્કંદક! મેં બે ભેદે મરણ કહ્યું છે – બાળમરણ, પંડિતમરણ. તે બાળમરણ શું છે? તે બાર ભેદે છે – વલય, વશાર્ત્ત, અંતોશલ્ય, તદ્ભવ, ગિરિપતન, તરુપતન, જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્ર વડે, વેહાયસ અને ગૃદ્ધપૃષ્ઠ-મરણ.
હે સ્કંદક! આ બાર પ્રકારના બાળમરણથી મરતા જીવ અનંત નૈરયિક ભવ ગ્રહણથી આત્માને જોડે છે. તિર્યંચ-મનુષ્ય-દેવગતિરૂપ અનાદિ-અનંત, દીર્ઘકાળ ચતુર્ગતિક સંસારરૂપ વનમાં ભમે છે. તેથી તે મરણે મરતા સંસાર વધે છે તે બાળમરણ છે.
તે પંડિત મરણ શું છે? બે ભેદે છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન મરણ બે ભેદે - નિર્હારિમ અને અનિર્હારિમ. આ બંને નિયમા અપ્રતિકર્મ છે, તે પાદપોપગમન કહ્યું. તે ભક્તપ્રત્યાખ્યાન મરણ બે ભેદે - નિર્હારિમ અને અનિર્હારિમ. આ બંને નિયમા સપ્રતિકર્મ છે. આ ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહ્યું.
હે સ્કંદક! બંને જાતના પંડિત મરણથી મરતો જીવ અનંત નૈરયિક ભવ ગ્રહણથી પોતાના આત્માને જુદો કરે છે યાવત્ સંસારને ઓળંગી જાય છે. તે રીતે મરતો સંસારને ઘટાડે છે આ પંડિત મરણ કહ્યું. હે સ્કંદક! આ રીતે બંને મરણ મરતો સંસાર વધારે કે ઘટાડે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit