Pramāṇa · Search · About · API

Viyahapannatti 176

Viyāhapannatti: ṭīkānusārī vivecana 176

Language
Gujarati

176

‘ભગવતી’ સૂત્ર-૧૧૩ :– [૨/૧/૧૧૩]
તે કાત્યાયન ગોત્રીય સ્કંદક બોધ પામ્યો. શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્‌! હું આપની પાસે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળવા ઈચ્છું છું. - હે દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. પછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદકને અને મહા-મોટી પર્ષદાને ધર્મ કહ્યો. [અહીં] ધર્મકથા કહેવી. ત્યારે તે સ્કંદક, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારી, હૃષ્ટ-તુષ્ટ યાવત્‌ વિકસિત હૃદયી થઈ, ઊભો થયો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને આ પ્રમાણે કહ્યું – આ નિર્ગ્રન્થ પ્રવચનમાં - હું શ્રદ્ધા રાખું છું, પ્રીતિ રાખું છું, મને તે રુચે છે, હું તેનો સ્વીકાર કરું છું. હે ભગવન્‌! એ એમ જ છે, એ તે રીતે જ છે. સત્ય છે - સંદેહરહિત છે - ઈષ્ટ છે - પ્રતીષ્ટ છે - ઈષ્ટ પ્રતીષ્ટ છે, જે રીતે આપે કહેલ છે.
એમ કરીને તે સ્કંદક ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, પછી ઈશાન ખૂણામાં જઈ ત્રિદંડકને, કુંડિકાને યાવત્‌ વસ્ત્રોને એકાંતે મૂકે છે. પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને યાવત્‌ નમીને આ પ્રમાણે કહ્યું –
જરા, મરણના દુઃખથી આ લોક સળગેલો છે, વધુ સળગેલો છે, આલિત્ત-પલિત્ત છે. જેમ કોઈ ગૃહસ્થ હોય, તેનું ઘર સળગતું હોય, તે ઘરમાં તેનો બહુ મૂલ્યવાન્‌ પણ અલ્પ વજનવાળો સામાન હોય, તે સામાનને લઈને એકાંતમાં જાય છે, કેમ કે તે વિચારે છે કે – આ મને આગળ હિત-સુખ-ક્ષેમ-કલ્યાણ અને પરંપરાએ કુશળ થશે. તેમ હે દેવાનુપ્રિય! મારો આત્મા એક સામાનરૂપ છે, મને ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામ-સ્થૈર્ય-વિશ્વાસપાત્ર-સંમત-બહુમત-અનુમત-ઘરેણાના કરંડીયા જેવો છે.
– માટે તેને ઠંડી, તાપ, ભૂખ, તરસ, ચોર-વાઘ કે સર્પ, ડાંસ-મચ્છર, વાત-પિત-સળેખમ-સંનિપાત, વિવિધ રોગાતંક, પરીષહ-ઉપસર્ગ નુકશાન ન કરે અને જો હું તેને બચાવી લઉં તો તે પરલોકમાં હિત-સુખ-ક્ષેમ-પરંપરાએ કલ્યાણરૂપ થશે.
તેથી હે દેવાનુપ્રિય! હું ઈચ્છું છું કે આપની પાસે હું સ્વયમેવ-મુંડિત થાઉં, ક્રિયા શીખું, સૂત્ર-અર્થ ભણું, આચાર-ગોચર-વિનય-વિનયનું ફળ-ચરણ-કરણ-સંયમ યાત્રા-સંયમ નિર્વાહક આહારના નિરૂપણને અર્થાત્‌ આવા પ્રકારના ધર્મને કહો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદકને સ્વયમેવ દીક્ષા આપી યાવત્‌ ધર્મ કહ્યો. – હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું - રહેવું - બેસવું - સૂવું - ખાવું - બોલવું. આ રીતે ઉઠીને પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોને વિશે સંયમથી વર્તવું. આ બાબતે જરા પણ પ્રમાદ ન કરવો. ત્યારે તે સ્કંદક મુનિએ ભગવંત મહાવીરનો આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકાર્યો.
ભગવંતની આજ્ઞા મુજબ સ્કંદક મુનિ ચાલે છે - રહે છે - બેસે છે - સુવે છે - ખાય છે - ઉઠીને પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોનો સંયમ પાળે છે. આ બાબતમાં જરા પણ પ્રમાદ કરતા નથી. હવે તે સ્કંદક અણગાર થયા. ઈર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા-ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ જલ્લ સિંધાણ પારિષ્ઠાપનિકા, મન, વચન, કાયા [એ આઠેથી] સમિત થયા. મન-વચન-કાયાથી ગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, લજ્જાળુ, ધન્ય, ક્ષાંતિક્ષમ, જિતેન્દ્રિય, શોધક, અનિદાન, ઉતાવળરહિત, અબહિર્લેશ્ય, સુશ્રામણ્યરત, દાંત થયા અને આ નિર્ગ્રન્થ પ્રવચનને આગળ કરી વિચરવા લાગ્યા.

Linked texts (1)