Viyahapannatti 182
Viyāhapannatti: ṭīkānusārī vivecana 182
- Language
- Gujarati
182
‘ભગવતી’ સૂત્ર-૧૧૬, ૧૧૭ :– [૨/૧/૧૧૬, ૧૧૭]
[૧૧૬] પછી તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને હૃષ્ટ-તુષ્ટ થઈ યાવત્ વિકસિત હૃદય થઈને ઉભા થયા. થઈને ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને યાવત્ નમીને સ્વયમેવ પાંચ મહાવ્રત આરોપે છે. પછી શ્રમણ-શ્રમણીઓને ખમાવે છે પછી તથારૂપ યોગ્ય સ્થવિરો સાથે ધીમે ધીમે વિપુલ પર્વતે ચડે છે, મેઘધન સદૃશ, દેવના રહેઠાણરૂપ પૃથ્વીશિલા પટ્ટકને પડિલેહે છે. પછી ઉચ્ચાર-પ્રસ્રવણભૂમિ પડિલેહે છે, દર્ભનો સંથારો પાથરે છે. પૂર્વ દિશાભિમુખ રહીને પર્યંકાસને બેસીને, દશ નખ સહિત બંને હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી આમ બોલે છે –
અરહંત ભગવંતોને યાવત્ સંપ્રાપ્તને નમસ્કાર થાઓ. અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ, ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો હું વાંદુ છું, ત્યાં રહેલ ભગવંત મને જુઓ. એમ કરી વાંદી, નમીને આમ બોલ્યા–
પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સર્વે હિંસાના પચ્ચક્ખાણ યાવજ્જીવ માટે કર્યા છે - યાવત્ - મિથ્યાદર્શનશલ્યના પચ્ચક્ખાણ કર્યા છે. હાલ પણ હું ભગવંત પાસે સર્વ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યનો જાવજ્જીવ માટે ત્યાગ કરું છું. તથા સર્વે અશન-પાનાદિ ચાર આહારના પણ જાવજ્જીવ માટે પચ્ચક્ખાણ કરું છું. વળી જ્યાં સુધી આ શરીર ઈષ્ટ, કાંત, પ્રિય યાવત્ સ્પર્શ છે તેને પણ મારા છેલ્લા શ્વાસોચ્છ્વાસે વોસિરાવું છું. એમ કરી સંલેખના, ઝૂષણા કરી, ભોજન-પાનનો ત્યાગ કર્યો, વૃક્ષની પેઠે સ્થિર થઈને કાળની આકાંક્ષા ન કરતા વિચરે છે.
હવે તે સ્કંદક અણગાર ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોને ભણીને પ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખનામાં આત્માને જોડીને ૬૦ ભક્ત અનશનને છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, અનુક્રમે કાળધર્મને પામ્યા.
[૧૧૭] ત્યારે તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાળધર્મ પામેલા જાણીને પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો, કરીને તેમના વસ્ત્ર, પાત્ર ગ્રહણ કર્યા. વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો શિષ્ય સ્કંદક નામે અણગાર, જે પ્રકૃતિથી - ભદ્રક, વિનીત, ઉપશાંત, પાતળા ક્રોધ માન માયા લોભવાળા, મૃદુ-માર્દવતા સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત, તે આપ દેવાનુપ્રિયની અનુજ્ઞા પામીને સ્વયમેવ પાંચ મહાવ્રતોને આરોપીને, શ્રમણ-શ્રમણીઓને ખમાવીને, અમારી સાથે વિપુલ પર્વતે ચડ્યા ઈત્યાદિ - યાવત્ - અનુક્રમે કાળધર્મ પામ્યા. આ તેમના વસ્ત્ર-પાત્રો છે.
ભગવન્! એમ કહી ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું – આપ દેવાનુપ્રિયનો શિષ્ય સ્કંદક અણગાર મૃત્યુ અવસરે કાળ કરીને ક્યાં ગયો? ક્યાં ઉત્પન્ન થયો? શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિને આમ કહ્યું – હે ગૌતમ! મારો શિષ્ય સ્કંદક અણગાર, જે પ્રકૃતિભદ્રક હતો યાવત્ મારી આજ્ઞાથી સ્વયમેવ પંચમહાવ્રત ઉચ્ચરીને ઈત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, મૃત્યુવેળા કાળ કરીને અચ્યુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની ૨૨-સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સ્કંદક દેવની પણ ૨૨-સાગરોપમ સ્થિતિ છે. - - ભગવન્! સ્કંદક દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરીને અનંતર ચ્યવીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-દુઃખાંતકર થશે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit