Pramāṇa · Search · About · API

Viyahapannatti 194

Viyāhapannatti: ṭīkānusārī vivecana 194

Language
Gujarati

194

‘ભગવતી’ સૂત્ર-૧૨૩ :– [૨/૫/૧૨૩]
ભગવન્‌! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે – નિર્ગ્રન્થ, મર્યા પછી દેવ થાય અને તે ત્યાં બીજા દેવો કે બીજા દેવોની દેવી સાથે આલિંગન કરીને પરિચારણા કરતા નથી. પોતાની દેવીઓને વશ કરી પરિચારણા કરતા નથી. પણ પોતે જ પોતાને વિકુર્વીને પરિચારણા કરે છે. એ રીતે એક જીવ એક જ સમયે બે વેદને વેદે છે - સ્ત્રીવેદ અને પુરુષવેદ. એ પ્રમાણે પરતીર્થિક વક્તવ્યતા કહેવી. યાવત્‌ સ્ત્રીવેદ, પુરુષવેદ. ભગવન્‌! એ કેમ બને?
ગૌતમ! જે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે - યાવત્‌ - સ્ત્રીવેદ અને પુરુષવેદ. તેઓનું એ કથન ખોટું છે. ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે - નિર્ગ્રન્થ મર્યા પછી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જે મોટી ઋદ્ધિ યાવત્‌ મોટા પ્રભાવવાળા છે, દૂરગતિક અને ચિરસ્થિતિક છે. તે સાધુ ત્યાં મહર્દ્ધિક યાવત્‌ દશ દિશા અજવાળતો, શોભાવતો યાવત્‌ પ્રતિરૂપ દેવ થાય છે. તે ત્યાં અન્ય દેવ તથા અન્ય દેવોની દેવીને વશ કરીને પરિચારણા કરે છે. પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરે છે, પણ પોતે પોતાનું રૂપ વિકુર્વીને નથી કરતો. એક જીવ એક સમયે એક વેદને વેદે છે - સ્ત્રી વેદ કે પુરુષ વેદ. જ્યારે તે સ્ત્રી વેદને વેદે છે, ત્યારે પુરુષવેદને ન વેદે. પુરુષવેદના ઉદયમાં સ્ત્રીવેદને ન વેદે. એક જીવ એક સમયે એક વેદને વેદે છે - સ્ત્રીવેદ કે પુરુષવેદ. સ્ત્રી, સ્ત્રી વેદના ઉદયે પુરુષને પ્રાર્થે છે, પુરુષ વેદના ઉદયે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે. અર્થાત્‌ તે બંને પરસ્પર પ્રાર્થે છે. તે આ રીતે - સ્ત્રી પુરુષને અથવા પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે.

Linked texts (1)