Viyahapannatti 244
Viyāhapannatti: ṭīkānusārī vivecana 244
- Language
- Gujarati
244
‘ભગવતી’ સૂત્ર-૧૫૨ :– [૩/૧/૧૫૨]
તે કાળે તે સમયે મોકા નામે નગરી હતી. [વર્ણન] તે મોકા નગરી બહાર ઈશાનકોણમાં નંદન નામે ચૈત્ય હતું [વર્ણન] તે કાળે તે સમયે સ્વામી સમોસર્યા, પર્ષદા નીકળી, પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય ગૌતમ ગોત્રના અગ્નિભૂતિ નામે અણગાર, સાત હાથ ઊંચા યાવત્ પર્યુપાસના કરતા આ પ્રમાણે બોલ્યા–
ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમર કેવી મહાઋદ્ધિવાળો છે? કેવી મહાદ્યુતિવાળો છે? કેવા મહા-બલવાળો છે? કેવા મહા યશવાળો છે? કેવા મહા સૌખ્યવાળો છે? કેવા પ્રભાવવાળો છે? અને કેટલી વિકુર્વણા કરવા સમર્થ છે?
ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર મહાઋદ્ધિવાળો યાવત્ મહા પ્રભાવવાળો છે. તે ત્યાં ૩૪ લાખ ભવનાવાસો ઉપર, ૬૪,૦૦૦ સામાનિક દેવો ઉપર, ૩૩ સામાનિક દેવો ઉપર (સત્તા ભોગવતો) યાવત્ વિહરે છે. આવી મહાઋદ્ધિ યાવત્ મહાપ્રભાવવાળો છે. તેની વિકુર્વણા શક્તિ પણ આટલી છે –
જેમ કોઈ યુવાન પોતાના હાથ વડે યુવતીને પકડે અથવા જેમ ચક્રની ધરીમાં આરાઓ સંલગ્ન હોય, એ રીતે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈ સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ - રત્નો યાવત્ રિષ્ટ રત્નોના સ્થૂળ પુદ્ગલોને અલગ કરે છે, સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજી વાર પણ વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થાય છે. વળી હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણાં અસુરકુમાર દેવો અને દેવી સાથે આખા જંબૂદ્વીપને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે. વળી હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે તિર્છાલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રને આકીર્ણ, વ્યતિકીર્ણ યાવત્ અવગાઢાવગાઢ કરી શકે છે.
હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આવા પ્રકારની શક્તિ-વિષય માત્ર છે. પણ કોઈ વખતે તેણે સંપ્રાપ્તિ વડે રૂપે વિકુર્વ્યા નથી, વિકુર્વતો નથી, વિકુર્વશે નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit