Pramāṇa · Search · About · API

Viyahapannatti 333

Viyāhapannatti: ṭīkānusārī vivecana 333

Language
Gujarati

333

‘ભગવતી’ સૂત્ર-૨૧૮, ૨૧૯ :– [૫/૧/૨૧૮, ૨૧૯]
[૨૧૮] ભગવન્‌! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષાનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષાનો પ્રથમ સમય હોય અને ઉત્તરાર્ધમાં વર્ષાનો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે તે સમય પછી તુરંત જ વર્ષાનો આરંભ થાય? હા, ગૌતમ! એ પ્રમાણે જ હોય.
ભગવન્‌! જંબૂદ્વીપના મેરુની પૂર્વે વર્ષાનો પ્રથમ સમય હોય, ત્યારે પશ્ચિમે પણ વર્ષાનો પ્રથમ સમય હોય અને પશ્ચિમે વર્ષાનો પ્રથમ સમય હોય ત્યારે મેરુની ઉત્તર દક્ષિણે એક સમય પૂર્વે ત્યાં વર્ષાનો આરંભ થાય? હા, ગૌતમ! થાય. જેમ વર્ષાના પ્રથમ સમયનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો, એ રીતે આનાપાન, સ્તોક, લવ, મુહૂર્ત્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ એ બધામાં ‘સમય’ની માફક આલાવા કહેવા.
ભગવન્‌! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં હેમંતનો પ્રથમ સમય હોય ઈત્યાદિ. વર્ષાના આલાવા માફક હેમંતનો અને ગ્રીષ્મનો આલાવો ઋતુપર્યન્ત કહેવો. આ રીતે કુલ ૩૦ આલાવા થાય.
ભગવન્‌! જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે પહેલું અયન હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય? સમયની જેમ અયનનો આલાવો પણ કહેવો યાવત્‌ અનંતર પશ્ચાત્‌કૃત્‌ સમયમાં પ્રથમ અયન હોય. અયનની જેમ સંવત્સરનો આલાવો પણ કહેવો. એ રીતે યુગ, શતવર્ષ, સહસ્રવર્ષ, લક્ષવર્ષ, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, એ રીતે પૂર્વ, ત્રુટિત, અડડ, અવવ, હૂહૂક, ઉત્પલ, પદ્મ, નલિન, અક્ષનિપુર, અયુત, નયુત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - ભગવન્‌! જ્યારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય, ત્યારે મેરુની પૂર્વ-પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી ન હોય, કેમકે ત્યાં અવસ્થિતકાળ છે? હા, ગૌતમ! તેમ જ છે. … અવસર્પિણી માફક ઉત્સર્પિણીનો આલાવો પણ કહેવો.
[૨૧૯] ભગવન્‌! લવણસમુદ્રમાં સૂર્ય ઈશાનખૂણામાં ઉગીને ઈત્યાદિ. જેમ જંબૂદ્વીપમાં કહ્યું, તેમ બધું જ લવણસમુદ્રમાં પણ કહેવું. વિશેષ આ – આલાવો આમ કહેવો – ભગવન્‌! લવણસમુદ્રમાં દક્ષિણાર્ધમાં જ્યારે દિવસ હોય, તે પ્રમાણે યાવત્‌ ત્યારે લવણ સમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે. આ આલાવા વડે જાણવું.
ભગવન્‌! જ્યારે લવણસમુદ્રમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસ-ર્પિણી હોય, ત્યારે લવણ સમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં હે આયુષ્યમાન્‌! અવસર્પિણી ન હોય? હા, ગૌતમ! ન હોય.
ધાતકીખંડદ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને, ઈત્યાદિ. જંબૂદ્વીપ માફક ધાતકીખંડની સર્વ વક્તવ્યતા કહેવી. પણ આલાવો આ રીતે કહેવો – ભગવન્‌! જ્યારે ધાતકીખંડદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય અને ત્યારે ધાતકીખંડદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે? હા, ગૌતમ! એ પ્રમાણે જ હોય છે.
ભગવન્‌! જ્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ દિવસ હોય, પશ્ચિમે દિવસ હોય ત્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ! યાવત્‌ હોય છે. એ રીતે આ આલાવા વડે જાણવું યાવત્‌ ભગવન્‌! જ્યારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય. ત્યારે ધાતકીખંડના મેરુની પૂર્વ-પશ્ચિમે હે આયુષ્યમાન્‌! અવસર્પિણી નથી? હા, તેમજ છે.
લવણસમુદ્ર જેવી વક્તવ્યતા કાલોદની પણ કહેવી.
ભગવન્‌! અભ્યંતર પુષ્કરાર્ધમાં સૂર્ય ઈશાનમાં ઉગીને ઈત્યાદિ ધાતકીખંડની વક્તવ્યતા મુજબ જ અહીં કહેવું યાવત્‌ તે અભ્યંતર પુષ્કરાર્ધના મેરુની પૂર્વ-પશ્ચિમે અવસર્પિણી-ઉત્સર્પિણી નથી, અવસ્થિત કાળ છે. -

Linked texts (1)