Pramāṇa · Search · About · API

Viyahapannatti 392

Viyāhapannatti: ṭīkānusārī vivecana 392

Language
Gujarati

392

‘ભગવતી’ સૂત્ર-૨૬૨ :– [૫/૮/૨૬૨]
તે કાળે, તે સમયે યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે૦ ભગવંત મહાવીરના નારદપુત્ર નામના શિષ્ય, જે પ્રકૃતિભદ્રક યાવત્‌ વિચરતા હતા. તે કાળે ભગવંતના શિષ્ય નિર્ગ્રન્થીપુત્ર અણગાર યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે નિર્ગ્રન્થીપુત્ર, જ્યાં નારદપુત્ર હતા ત્યાં આવે છે. આવીને નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું –
હે આર્ય ! સર્વે પુદ્ગલો શું સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે? – હે આર્ય! કહી નારદપુત્રે, નિર્ગ્રન્થીપુત્ર અણગારને કહ્યું – મારા મતે સર્વે પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે, પણ અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. ત્યારે નિર્ગ્રન્થી પુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું – હે આર્ય! તમારા મતે જો બધાં પુદ્ગલો - X - યાવત્‌ અમધ્ય છે, તો શું દ્રવ્યાદેશથી હે આર્ય! સર્વે પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે અને અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી? ક્ષેત્રાદેશથી હે આર્ય! સર્વે પુદ્ગલો પણ - X - તેમજ છે? કાલાદેશ અને ભાવાદેશથી પણ હે આર્ય! તેમજ છે? ત્યારે નારદપુત્રે, નિર્ગ્રન્થીપુત્રને કહ્યું –
હે આર્ય! મારા મતે દ્રવ્યાદેશથી પણ સર્વે પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે અને અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. તે પ્રમાણે જ ક્ષેત્રાદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ છે. ત્યારે નિર્ગ્રન્થીપુત્ર અણગારે, નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું – હે આર્ય! જો દ્રવ્ય આદેશથી સર્વે પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે અને અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી, તો તમારા મતે પરમાણુ પુદ્ગલ પણ તેમજ - X - હોવા જોઈએ. હે આર્ય! જો ક્ષેત્રાદેશથી પણ તેમ હોય, તો એકપ્રદેશાવગાઢ પુદ્ગલ પણ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ હોવા જોઈએ. હે આર્ય! જો કાલાદેશથી સર્વે પુદ્ગલો સાર્ધ આદિ હોય તો તારા મતે એક સમય સ્થિતિક પુદ્ગલો પણ તેમજ હોવા જોઈએ. વળી હે આર્ય! ભાવાદેશથી સર્વે પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ હોય તો, એ રીતે તારા મતે એક ગુણ કાળા પુદ્ગલ પણ તેમજ હોવા જોઈએ. હવે જો તારા મતે તેમ ન હોય તો તું જે કહે છે કે – દ્રવ્યાદેશ વડે બધાં પુદ્ગલો સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે પણ અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી - X - X - ઈત્યાદિ બધું ખોટું થાય.
ત્યારે તે નારદપુત્રે, નિર્ગ્રન્થીપુત્રને આમ કહ્યું – દેવાનુપ્રિય! અમે આ અર્થને જાણતા, જોતા નથી. હે દેવાનુપ્રિય! જો તમે તે અર્થને કહેતા ગ્લાનિ ન પામતા હો તો, હું આપની પાસે તે અર્થને સાંભળવા, અવધારવા અને જાણવા ઈચ્છું છું. ત્યારે નિર્ગ્રન્થીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આમ કહ્યું – હે આર્ય! મારા મતે દ્રવ્યાદેશથી સર્વે પુદ્ગલો સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે, તેઓ અનંત છે. ક્ષેત્રાદેશથી પણ એમ જ છે, કાલાદેશથી પણ એમ જ છે, ભાવાદેશથી પણ એમ જ છે.
જે દ્રવ્યથી અપ્રદેશ છે, તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશ છે. કાળથી કદાચિત્‌ સપ્રદેશ-કદાચિત્‌ અપ્રદેશ છે, ભાવથી પણ સપ્રદેશ કે અપ્રદેશ છે. જે ક્ષેત્રથી અપ્રદેશ છે, તે દ્રવ્યથી કદાચિત્‌ સપ્રદેશ અને કદાચિત્‌ અપ્રદેશ છે. કાળ અને ભાવથી પણ ભજના. એ રીતે કાળ, ભાવ જાણવા. જે દ્રવ્યથી સપ્રદેશ છે, તે ક્ષેત્રથી કદાચ સપ્રદેશ, કદાચ અપ્રદેશ છે. એ રીતે કાળ અને ભાવથી પણ જાણવું. જે ક્ષેત્રથી સપ્રદેશ છે, તે દ્રવ્યથી નિયમા સપ્રદેશ છે. કાળથી અને ભાવથી ભજના. જેમ દ્રવ્યથી કહ્યું, તેમજ કાળથી અને ભાવથી પણ જાણવું.
ભગવન્‌! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદેશથી સપ્રદેશ અને અપ્રદેશમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? હે નારદપુત્ર! સર્વથી થોડા અપ્રદેશ પુદ્ગલો ભાવાદેશથી છે, તેનાથી કાલાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે. તેનાથી દ્રવ્યાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તેનાથી ક્ષેત્રાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે. તેનાથી દ્રવ્યાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે, તેનાથી કાલાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે, તેનાથી ભાવાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે. ત્યારપછી તે નારદપુત્ર અણગાર, નિર્ગ્રન્થીપુત્ર મુનિને વાંદી, નમી, પોતે કહેલ અર્થને માટે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ખમાવીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.

Linked texts (1)