Pramāṇa · Search · About · API

Viyahapannatti 437

Viyāhapannatti: ṭīkānusārī vivecana 437

Language
Gujarati

437

‘ભગવતી’ સૂત્ર-૨૯૨ થી ૨૯૪ :– [૬/૫/૨૯૨ થી ૨૯૪]
[૨૯૨] કૃષ્ણરાજિ કેટલી છે? ગૌતમ! આઠ. તે ક્યાં છે? ગૌતમ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બબ્બે. પૂર્વાભ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણ બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણા-ભ્યંતર, પશ્ચિમ બાહ્યને સ્પર્શેલી છે. પૂર્વ-પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ છ ખૂણી છે. ઉત્તર-દક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. પૂર્વ-પશ્ચિમની બે અભ્યંતર,ચોરસ છે. ઉત્તર-દક્ષિણની બે અભ્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે
[૨૯૩] પૂર્વ-પશ્ચિમની છ ખૂણી, દક્ષિણ-ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજિ ત્રિખૂણી, બીજી બધી અભ્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે.
[૨૯૪] ભગવન્‌ ! કૃષ્ણરાજિ લંબાઈ, પહોળાઈ, પરિધિથી કેવડી છે? ગૌતમ ! ત્રણેથી અસંખ્યાત હજાર યોજન છે. ભગવન્‌ ! કૃષ્ણરાજિ કેટલી મોટી છે? ગૌતમ! તમસ્કાયવત્‌ જાણવી.
ભગવન્‌! કૃષ્ણરાજિમાં ઘર કે ગૃહાપણ છે? ના, નથી. કૃષ્ણરાજિમાં ગામાદિ છે? ના, નથી. કૃષ્ણરાજિમાં ઉદાર મેઘ સંમૂર્ચ્છે છે? હા, છે. તે કોણ દેવો૦ કરે છે? દેવો કરે છે. અસુર કે નાગ નહીં. કૃષ્ણરાજિમાં બાદર સ્તનિત શબ્દો છે? ઉદાર મેઘવત્‌ જાણવું. કૃષ્ણરાજિમાં બાદર અપ્‌-અગ્નિ-વનસ્પતિકાય છે? ના, નથી, સિવાય કે વિગ્રહગતિ સમાપન્નક. - તેમાં ચંદ્ર, સૂર્યાદિ છે? ના, નથી. - તેમાં ચંદ્રાભાસાદિ છે? ના, નથી.
ભગવન્‌! કૃષ્ણરાજિ કેવા વર્ણની છે? ગૌતમ! કાળી યાવત્‌ (દેવ) જલ્દીથી બહાર નીકળી જાય છે. ભગવન્‌! કૃષ્ણરાજિના કેટલા નામ છે? આઠ. કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘાવતી, માઘવતી, વાતપરિઘા, વાત-પરિક્ષોભા, દેવપરિઘા, દેવપરિક્ષોભા.
ભગવન્‌ ! કૃષ્ણરાજિ! પૃથ્વી-અપ્‌-જીવ કે પુદ્ગલ પરિણામ છે? ગૌતમ! અપ્‌પરિણામ સિવાય ત્રણે પરિણામ છે. ..... ભગવન્‌ ! કૃષ્ણરાજિમાં સર્વે પ્રાણો, ભૂતો, જીવો, સત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર. પણ બાદર અપ્‌-અગ્નિ-વનસ્પતિપણે નહીં.

Linked texts (1)