Viyahapannatti 46
Viyāhapannatti: ṭīkānusārī vivecana 46
- Language
- Gujarati
46
વિવેચન :–૨૭, ૨૮
સૂત્ર સ્પષ્ટ છે. અલ્પત્વ કે મહત્પણું તે આપેક્ષિક છે. તેમાં જઘન્ય અલ્પત્વ અંગુલનું અસંખ્યેય ભાગ માત્ર છે, ઉત્કૃષ્ટ મોટાપણું ૫૦૦ ધનુષ્ છે. આ ભવધારણીય શરીરાપેક્ષાએ કહ્યું. ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ મોટાપણું ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ્ હોય છે. આ રીતે ‘સમશરીર’ સંબંધી પ્રશ્નનો ઉત્તર કહ્યો.શરીરની વિષમતા જણાવવામાં આહાર અને ઉચ્છ્વાસ વૈષમ્યસુખે કહી શકાય છે,શરીર પ્રશ્નનો ઉત્તર પહેલા આપે છે.
હવે આહાર-ઉચ્છ્વાસ પ્રશ્નનો ઉત્તર કહે છે – જે મહાશરીરી છે, તેઓ અપેક્ષાએ ઘણાં પુદ્ગલોને આહારે છે - X - લોકમાં પણ જણાય છે કે મોટા શરીરવાળા વધારે અને નાના શરીરવાળા ઓછું ભોજન લે છે. જેમ હાથી અને સસલો. બહુલતાથી આમ કહ્યું અન્યથા કોઈ મોટો શરીર ઓછું ખાય અને અલ્પશરીરી વધુ ખાય તેમ પણ જોવાય છે. - X - ઉપપાત આદિ સદ્વેદ્ય અનુભાવથી અન્યત્ર નૈરયિકોને તદ્દન અસદ્વેદ્યનું ઉદયવર્તીત્વ હોવાથી મહાશરીરવાળા વધુ દુઃખી અને આહારના તીવ્ર અભિલાષવાળા હોય છે.
પરિણામ આહારના પુદ્ગલો અનુસાર હોવાથી ‘ઘણાં’ એમ કહ્યું. ‘પરિણામ’ ન પૂછવા છતાં આહારના કાર્યરૂપ હોવાથી કહેલ છે. ઘણાં પુદ્ગલો ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે - મૂકે છે. કેમ કે તેઓ મહાશરીરી છે. લોકમાં પણ આ જોવા મળે છે - X - દુઃખી જીવ પણ તેવા પ્રકારે જ હોય છે. નારકો પણ દુઃખી હોવાથી ઘણાં પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે.
આહારનું કાલકૃત્ વૈષમ્ય - અપેક્ષાએ મહાશરીરી શીઘ્ર, શીઘ્રતર આહારને ગ્રહણ કરે છે, મોટા શરીરત્વથી વધુ દુઃખી હોવાના કારણે નિરંતર ઉચ્છ્વાસાદિ કરે છે. - X - અપેક્ષાએ અલ્પ શરીરી અલ્પતર પુદ્ગલોનો આહાર કરે છે. કેમ કે તેઓ અલ્પ શરીરી છે. કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ નથી કરતા. અર્થાત્ મહાશરીરીના આહાર ગ્રહણના અંતરાલની અપેક્ષાએ ઘણાં કાળના અંતરાલે આહારનું ગ્રહણ કરતાં નથી. તેઓ નાના શરીરવાળા હોવાથી મોટા શરીરવાળાની અપેક્ષાએ અલ્પદુઃખી હોવાથી કદાચિત્ સાંતરે ઉચ્છ્વાસાદિ કરે છે. નારકો તો ‘નિરંતર જ શ્વાસાદિ કરે છે.’ એવું જે પૂર્વે કહ્યું તે મહાશરીરી નારકોની અપેક્ષાએ જાણવું. - અથવા - અપર્યાપ્ત કાળે નૈરયિકો અલ્પ શરીરી હોવાથી લોમાહાર અપેક્ષાએ આહાર કરતા નથી, ઉચ્છ્વાસ લેતા નથી. બીજે સમયે આહાર અને ઉચ્છ્વાસ લે છે. તેથી કદાચિત્ આહાર કરે અને શ્વાસ લે તેમ કહ્યું. માટે હે ગૌતમ! બધાં સમાન આહારવાળા નથી તેમ નિગમન છે.
સમકર્મ - સૂત્ર - જેઓ પહેલા ઉત્પન્ન થયા તે પૂર્વોત્પન્ન અને પછી ઉત્પન્ન થયા તે પશ્ચાદુત્પન્ન. પૂર્વોત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ વધારે વેદ્યા હોવાથી ઓછા કર્મવાળા છે, પશ્ચાદુત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ ઓછા વેદ્યા છે માટે મહાકર્મી છે. આ સૂત્ર સમાન સ્થિતિવાળાં નૈરયિકોની અપેક્ષાએ કહ્યું. અન્યથા રત્નપ્રભામાં કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકે ઘણું આયુ ભોગવ્યા છતાં તેને પલ્યોપમાયુ બાકી હોય અને ૧૦,૦૦૦ વર્ષાયુવાળો નૈરયિક પછી ઉત્પન્ન થાય તો પણ પશ્ચાદુત્પન્નક થયો. તો શું પલ્યોપમાયુવાળા પૂર્વોત્પન્ન કરતાં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પશ્ચાદુત્પન્ન નૈરયિકને મહાકર્મી કહેવો? [ના, તેમ નથી.] એ રીતે વર્ણસૂત્રમાં પૂર્વોત્પન્નને અલ્પકર્મથી વિશુદ્ધ વર્ણ અને પશ્ચાદુત્પન્નને બહુકર્મત્વથી અવિશુદ્ધ વર્ણમાં જાણવું.
એ રીતે ‘લેશ્યા’ સૂત્રમાં પણ જાણવું. અહીં લેશ્યા શબ્દથી ભાવલેશ્યા લેવી. કેમ કે દ્રવ્યલેશ્યા તો વર્ણસૂત્રમાં કહેવાઈ છે.
સમવેદના - સમાન પીડા. સંજ્ઞા - સમ્યગ્દર્શનવાળા તે સંજ્ઞી. સંજ્ઞીપણું પામ્યા તે સંજ્ઞીભૂત અથવા અસંજ્ઞી પછીથી સંજ્ઞી થાય, તે સંજ્ઞીભૂત કહેવાય - મિથ્યાદર્શન છોડીને જન્મથી સમ્યગ્દર્શનયુક્ત ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત છે. તેઓ પોતાના પૂર્વકૃત્ કર્મને સ્મરીને કહે છે – અહો! અમને મહા દુઃખ આવ્યું છે અમે પૂર્વે અરહંત પ્રણીત સર્વ દુઃખક્ષયકર ધર્મ ન આચર્યો. અમારું ચિત્ત વિષયસુખમાં લલચાયું, તેથી આ કષ્ટ સહેવું પડે છે. તેથી તેમને મોટું માનસિક દુઃખ થાય છે, માટે તેઓ મહાવેદનાવાળા છે. અસંજ્ઞીભૂત છે તે મિથ્યાદૃષ્ટિ છે. તેઓ સ્વકૃત્ કર્મનું આ ફળ છે તેમ ન જાણતા હોવાથી ઓછી પીડાવાળા છે.
બીજા કહે છે – સંજ્ઞી એટલે પંચેન્દ્રિયવાળા સંજ્ઞીજીવો જે નારકપણું પામે, તેવા સંજ્ઞીભૂતો મહાવેદનાવાળા હોય, કેમ કે તેઓ તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધનથી મહાનરકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વે અસંજ્ઞી હોય અને પછી નારકપણું પામે. તેઓ પૂર્વે અતિ અશુભ અધ્યવસાયના અભાવે તીવ્ર વેદનારહિત નરકમાં ઉત્પાદથી અલ્પવેદનાવાળા થાય - અથવા-સંજ્ઞી એટલે પર્યાપ્તિ પૂર્ણ થયેલા. અસંજ્ઞી એટલે અપર્યાપ્તા. - X -
સમકિરિય - કર્મબંધનના કારણભૂત ક્રિયા, જેની તુલ્ય છે તે. (૧) આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, જેમાં છે તે આરંભિકી, (૨) ધર્મના ઉપકરણ સિવાયની વસ્તુ લેવી કે ધર્મોપકરણમાં મમત્વ જે ક્રિયામાં છે તે પારિગ્રહીકી. (૩) વક્રતા તથા ઉપલક્ષણથી ક્રોધ આદિ જેમાં છે તે માયા પ્રત્યયા. (૪) નિવૃત્તિ અભાવ, કર્મ બંધાદિ કરણ તે અપ્રત્યાખ્યાન. (૫) મિથ્યાદર્શનને કારણે થતી મિથ્યાત્વ ક્રિયા.
[શંકા] મિથ્યાત્વાદિ ચાર કર્મબંધ હેતુરૂપે પ્રસિદ્ધ છે. અહીં કર્મબંધનના કારણરૂપે આરંભાદિ કહ્યા, તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] આરંભ, પરિગ્રહ શબ્દથી યોગનું ગ્રહણ કરવું. બાકીના પદોથી બાકીના બંધ હેતુ ગ્રહણ કરવા. તેમાં સમ્યગ્ દૃષ્ટિને મિથ્યાત્વ ન હોવાથી ચાર ક્રિયા હોય છે. બાકીનાને પાંચ ક્રિયા હોય છે. અહીં મિશ્ર દૃષ્ટિને મિથ્યાત્વરૂપે જ ગણેલ છે.
સવ્વે સમાઉયા આદિ પ્રશ્નનું નિર્વચન ચતુર્ભંગી વડે થાય છે - સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન, સમાનાયુ પણ સાથે ઉત્પન્ન નહીં, વિભિન્નાયુવાળા પણ સહોત્પન્ન અને વિષમાયુ તથા વિષમોત્પન્ન. અહીં સંગ્રહ ગાથા કહે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયામાં સમાન તથા આયુ અને ઉત્પત્તિમાં ચાર ભાંગા છે.
આહારાદિ નવપદ યુક્ત અસુરકુમાર પ્રકરણ સૂચિત થયું. તે નારક પ્રકરણવત્ જાણવું. છતાં વિશેષથી કંઈક કહીએ છીએ - અસુર કુમારોનું અલ્પ શરીરત્વ ભવધારણીય શરીરને અપેક્ષાએ જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ અને મોટાપણું સાત હાથ ઉત્કૃષ્ટથી છે. ઉત્તર વૈક્રિયમાં મોટાપણું લાખ યોજન છે. તેમાં આ મહાશરીરી ઘણાં પુદ્ગલોને આહારે છે. મનોભક્ષણરૂપ આહાર અપેક્ષાએ દેવોનો એ આહાર છે અને તે પ્રધાન પણ છે. શાસ્ત્રમાં પણ પ્રધાન પદાર્થ અપેક્ષાએ વસ્તુના નિર્દેશો હોય છે. માટે તેઓ અલ્પશરીર વડે લેવાતા આહારના પુદ્ગલોથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ છે. વારંવાર આહારે છે કે શ્વાસ લે છે. તે ચતુર્થાદિથી ઉપર આહાર કરે છે, તે અપેક્ષાએ જાણવું અને સાત સ્તોકાદિ પહેલાં ઉચ્છ્વાસ લે તે અભિક્ષ્ણ ઉચ્છ્વાસ. કેમ કે અસુરકુમારો ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ કરતા અધિક કાલે આહાર કરે છે અને એક પક્ષ કરતા અધિક કાળે ઉચ્છ્વાસ લે છે, તેની અપેક્ષાએ અલ્પકાલીન આહારાદિને ‘વારંવાર’ કહેવાય.
અલ્પશરીરી અસુરકુમરો અલ્પતર આહાર કરે અને અલ્પતર પુદ્ગલોને ઉચ્છ્વાસમાં લે, કેમ કે તેઓ નાના શરીરવાળા છે. વળી તેમનું કદાચિત્ આહાર-ઉચ્છ્વાસપણું કહ્યું તે મહા શરીરવાળાના આહારાદિ અંતરાલની અપેક્ષાએ જાણવું. - X - X - મહાશરીરી અસુરકુમારોને આહાર, ઉચ્છ્વાસનું અલ્પ અંતર છે અને અલ્પ શરીરીને મોટું અંતર છે. જેમ - સાત હાથ શરીરી સૌધર્મ દેવોને આહારનું અંતર ૨૦૦૦ વર્ષ અને ઉચ્છ્વાસનું અંતર બે પખવાડીયા છે. અલ્પ શરીર અનુત્તર દેવો એક હાથ ઊંચા છે, તેમનું આહારનું અંતર ૩૩,૦૦૦ વર્ષ, ઉચ્છ્વાસાંતર ૩૩-પક્ષ છે. એ મહાશરીરી અસુરકુમારોને વારંવાર આહારાદિ કહ્યા. તેથી તેમની અલ્પ સ્થિતિ જણાય છે, બીજાઓને તે વૈમાનિકવત્ છે.
અથવા પર્યાપ્તાવસ્થામાં મહાશરીરી અસુરકુમારો લોમાહાર અપેક્ષાએ વારંવાર આહાર કરે છે - X - અપર્યાપ્તાવસ્થામાં તો અલ્પ શરીરી લોમાહારથી નહીં પણ ઓજાહારથી આહાર કરે છે. માટે કદાચિત્ આહાર કરે છે, તેમ કહ્યું. અપર્યાપ્તાવસ્થામાં ઉચ્છ્વાસ લેતા નથી. ઉચ્છ્વાસ પર્યાપ્તાવસ્થામાં લે છે, માટે ‘કદાચિત્’ કહ્યું.
કર્માદિ નારકોની અપેક્ષાએ ઊલટા કહેવા. તે જ કહે છે – જે પૂર્વોત્પન્ન નારક છે, તે ઓછા કર્મવાળા, શુદ્ધ વર્ણવાળા, શુભતર લેશ્યાવાળા છે, એમ કહ્યું. પૂર્વોત્પન્ન અસુરો મહાકર્મી આદિ છે. કેમ કે પૂર્વોત્પન્ન અસુરો અતિકંદર્પ અને દર્પયુક્ત હોવાથી અનેક પ્રકારની યાતના વડે નારકોને પીડતા અતિ અશુભકર્મ એકઠું કરે છે. માટે મહાકર્મી છે. અથવા ભાવિ ગતિમાં તિર્યંચાદિને યોગ્ય કર્મ બાંધેલ હોવાથી મહાકર્મી છે. તથા પૂર્વોત્પન્નના શુભકર્મ ક્ષીણ થવાથી શુભવર્ણ, શુભ લેશ્યા ઘટે છે માટે અશુદ્ધ વર્ણાદિ છે. પશ્ચાદુત્પન્ન અસુરો અબદ્ધાયુ હોવાથી અલ્પકર્મી છે. તેમનું શુભ કર્મ ક્ષીણ ન હોવાથી શુભ વર્ણ અને શુભ લેશ્યાવાળા છે.
જો કે અસુરોનું વેદના સૂત્ર નારકોની માફક છે, તો પણ વિશેષ એ છે કે - સંજ્ઞીભૂત છે તેઓને ચારિત્ર વિરાધનાજન્ય ચિત્ત સંતાપથી મહાવેદના છે. અથવા સંજ્ઞીભૂત એટલે પૂર્વે સંજ્ઞીરૂપ હતા તે કે પર્યાપ્તા, તેઓ શુભ વેદના અપેક્ષાએ મહાવેદનાવાળા છે, અસંજ્ઞીભૂત અસુરો અલ્પવેદનાવાળા છે. એ રીતે નાગકુમારાદિ પણ કહેવા.
પૃથ્વીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, લેશ્યા ચારે નારક સૂત્રવત્ કહેવા. માત્ર આહાર સૂત્રમાં પૃથ્વીકાયિકો અંગુલના અસંખ્યાત ભાગ માત્ર શરીરત્વથી અલ્પશરીરી, મહાશરીરી છે. આગમવચન છે – પૃથ્વીકાયિકો અવગાહનાર્થથી ચાર સ્થાનવાળા છે મહાશરીરી તેઓ લોમાહારથી ઘણાં પુદ્ગલોને આહારે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે. અલ્પશરીરી અલ્પ આહાર અને થોડો ઉચ્છ્વાસ લે છે. તે બંનેનું કદાચિત્પણું પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાને આશ્રીને જાણવું. કર્માદિ સૂત્રોમાં પૂર્વોત્પન્ન અને પશ્ચાદુત્પન્ન પૃથ્વીકાયિકોમાં કર્મ, વર્ણ, લેશ્યા વિભાગ નારકવત્ છે. વેદના અને ક્રિયામાં વિશેષતા છે, તે કહે છે –
અસંજ્ઞી- મિથ્યાદૃષ્ટિ કે અમનસ્ક. અસંજ્ઞીભૂત કે અસંજ્ઞીને જે વેદના થાય છે - અનિર્ધારણતાથી વેદનાને અનુભવે છે, અર્થાત્ વેદનાને અનુભવવા છતાં નથી જાણતાં કે આ પૂર્વોપાત્ત અશુભ કર્મની પરિણતિ છે. કેમ કે મિથ્યાદૃષ્ટિ કે વિમનસ્ક હોય છે. પ્રાયઃ માયાવીઓ તેમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે – ઉન્માર્ગદેશક, માર્ગનાશક, ગૂઢહૃદય, માયાવી, શઠ સ્વભાવી, શલ્યવાન્ જીવ તિર્યંચાયુ બાંધે છે. તેથી તેઓ માયાવી કહેવાય. અથવા માયાવી અનંતાનુબંધી કષાયવાળા છે. મિથ્યાદૃષ્ટિ તેઓને પાંચે ક્રિયાઓ હોય છે. પણ ત્રણ કે ચાર ક્રિયા ન હોય.
જાવ ચઉરિન્દ્રિય૦ અહીં મહાશરીર-લઘુશરીરત્વ સ્વસ્વ અવગાહનાથી જાણવું. બેઈન્દ્રિયાદિનો આહાર કવલરૂપ જાણવો.
પંચેન્દ્રિયતિર્યંચ યોનિકને નૈરયિકવત્ જાણવા, તે સ્પષ્ટ છે. વિશેષ આ – ‘મહાશરીરી વારંવાર આહાર અને ઉચ્છ્વાસ લે છે.’ એવું જે કહ્યું તે સંખ્યાતવર્ષાયુવાળા માટે જાણવું, અસંખ્યાત વર્ષઆયુવાળા માટે નહીં કેમ કે તેમનો પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહ્યો છે. લોમાહાર અપેક્ષાએ તો બધાંને પણ વારંવાર આહાર ઘટે જ છે. અલ્પ શરીરીને કદાચિત્પણું અપર્યાપ્તપણામાં લોમાહાર અને ઉચ્છ્વાસ ન થવાથી અને પર્યાપ્તપણામાં તે બંને થવાથી કહ્યું છે.
કર્મસૂત્રમાં પૂર્વોત્પન્નનું અલ્પ કર્મત્વ, પશ્ચાદુત્પન્નું મહાકર્મત્વ કહ્યું, તે તેના આયુના તદ્ભવવેદ્ય કર્માપેક્ષાએ કહ્યું છે.
વર્ણ અને લેશ્યા સૂત્રમાં પૂર્વોત્પન્નનું શુભ વર્ણાદિ કહ્યું તે તારુણ્ય અપેક્ષાએ અને પશ્ચાદુત્પન્નનું અશુભ વર્ણાદિ બાલ્યત્વથી છે.
સંયતાસંયત - દેશવિરત, સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત હોવાથી સંયત અને બીજાથી નિવૃત્ત ન હોવાથી અસંયત છે.
મનુષ્યોને નૈરયિક માફક કહેવા એ ગમ્ય છે. તેમાં ભેદ આ છે.- X -મનુષ્યો બે ભેદે - મહાશરીરી, અલ્પ-શરીરી. તેમાં મહાશરીરી છે તે ઘણાં પુદ્ગલો આહારે, તેમજ પરિણમાવે છે, શ્વાસોચ્છ્વાસ કરે છે. આ સ્થાને નારક સૂત્રમાં વારંવાર આહાર કરે છે કહ્યું અહીં કદાચિત્ કરે તેમ કહેવું. મહાશરીરી યુગલિકો કદાચિત્ જ કવલથી આહારે.
અલ્પશરીરી અલ્પ પણ વારંવાર ખાય છે. બાળકોમાં તેવું જોવાય છે. અલ્પશરીરી સંમૂર્ચ્છિમ મનુષ્યોને નિરંતરાહાર સંભવે છે. પૂર્વોત્પન્નોનું શુભવર્ણાદિ તારુણ્ય કે સંમૂર્ચ્છિમ અપેક્ષાએ જાણવું.
સરાગસંયત - જેઓના કષાય ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. વીતરાગસંયત - જેઓના કષાય ક્ષીણ કે ક્ષીણ થયા છે. તે અક્રિય - ક્રિયારહિત, અપ્રમત્ત સંયતોને એક જ માયાપ્રત્યયા ક્રિયા હોય કેમ કે તેઓ અક્ષીણ કષાય છે. પ્રમત્ત સંયતોને આરંભિકી અને કષાય ક્ષીણ ન થયા હોવાથી ‘માયાપ્રત્યયા’ ક્રિયા છે.
વાણમંતર, જ્યોતિષ્કોનું શરીરનું નાના-મોટાપણું તેમની અવગાહનાનુસાર જાણવું. અસુરકુમારોની વેદના સંજ્ઞીને મહા અને અસંજ્ઞીને અલ્પ છે. વ્યંતરોને પણ તેમજ જાણવા. કેમ કે અસુરથી વ્યંતરમાં અસંજ્ઞીઓ ઉત્પન્ન થાય છે. કેમ કે અહીં જ આગળ કહેશે કે – અસંજ્ઞીઓ જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી વ્યંતરમાં ઉપજે. તેઓ અલ્પવેદનાવાળા છે તેમ જાણવું. સંજ્ઞી - સમ્યગ્દૃષ્ટિ, અસંજ્ઞી - મિથ્યાદૃષ્ટિ, જ્યોતિષ્કો, વૈમાનિકો અસંજ્ઞીમાં ઉત્પન્ન ન થાય. તે માટે વેદનાપદમાં કહે છે કે – માયી મિથ્યાદૃષ્ટિ અલ્પ વેદનાવાળા છે.
હવે લેશ્યાદિ ભેદ વિશેષથી ૨૪ દંડકને આહારાદિ પદોથી નિરૂપતા પહેલા સાત દંડક કહે છે. સલેસ્સા સૂત્રથી આહાર, શરીર, ઉચ્છ્વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયા, ઉપપાત નામે પૂર્વોક્ત નવ પદથી નારકાદિ ૨૪ પદનો દંડક લેશ્યા પદથી સૂચવ્યો. - X - X - એ રીતે સાત દંડક સંબંધી સૂત્રના સંક્ષેપ માટે જે દંડક કહેવાનો છે, તેને દર્શાવતા કહે છે કે –
ઔઘિક - નિર્વિશેષણ નારકાદિનો, અધિકૃત્ સલેશ્યકોનો અને સપ્તમ દંડકથી શુક્લ લેશ્યાવાળાનો, એ ત્રણેનો સરખો પાઠ છે. માત્ર લેશ્યાવાળા અને શુક્લ લેશ્યાવાળા એવો જ વિશેષણ ભેદ છે. - X - તેથી અહીં પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્યો, વૈમાનિક કહેવા, પણ નારકો ન કહેવા કેમ કે તેમને શુક્લ લેશ્યાનો અભાવ છે. કૃષ્ણ અને નીલ લેશ્યાવાળાનો એક જ - ઔઘિક પાઠ છે. વિશેષ એ - કૃષ્ણ અને નીલ લેશ્યા દંડકમાં વેદના સૂત્રમાં સંજ્ઞી, અસંજ્ઞી નૈરયિકો ઔઘિક દંડકમાં કહ્યા છે તે ન કહેવું. કેમ કે અસંજ્ઞીની ઉત્પત્તિ પહેલી પૃથ્વીમાં જ થાય છે. - X - પહેલીમાં કૃષ્ણ, નીલ લેશ્યાનો અભાવ છે. તો તેને બદલે શું કહેવું? માયિ મિથ્યાદૃષ્ટિ મહાવેદનાવાળા છે. કેમ કે તેઓ સર્વથી વિશેષ અશુભ સ્થિતિને ઉત્પન્ન કરે છે. બીજાને તો ઓછી વેદના હોય છે. - - મનુષ્યપદમાં ક્રિયા સૂત્રમાં ઔઘિક દંડકમાં મનુષ્યો ત્રણ પ્રકારે કહ્યા - તેમાં સંયત બે ભેદે - સરાગ અને વીતરાગ. સરાગસંયત બે ભેદે - પ્રમત્ત, અપ્રમત્ત.
– તો પણ અહીં કૃષ્ણ, નીલ લેશ્યા દંડકમાં તે ન કહેવું કેમ કે કૃષ્ણ, નીલલેશ્યા ઉદયે સંયમનો અસંભવ છે. કેમ કે કૃષ્ણાદિ દ્રવ્યની સમીપતાથી ઉત્પન્ન ભાવલેશ્યામાં સંયમ હોતો નથી. વળી કહે છે – કાપોતલેશ્યા દંડક નીલાદિ લેશ્યા દંડકવત્ જાણવો. વિશેષ એ કે – નારક પદના વેદના સૂત્રમાં નારકો ઔઘિક દંડ માફક કહેવા. તે આ રીતે - નારકો બે ભેદે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. અસંજ્ઞી પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થતા હોવાથી તેમને કાપોતલેશ્યાનો સંભવ છે.
ઔઘિકદંડ માફક તેજો, પદ્મલેશ્યાવાળાને બે દંડક કહેવા. જીવોને લેશ્યા આ પ્રમાણે –નારક, વિકલેન્દ્રિય, વાયુને પ્રથમની ત્રણ લેશ્યા જ છે. ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વ્યંતરોને પહેલી ચાર લેશ્યા છે. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યોને છ લેશ્યા છે. જ્યોતિષ્કોને તેજોલેશ્યા અને વૈમાનિકોને ત્રણ પ્રશસ્ત લેશ્યા છે.
કહ્યું છે – ભવનપતિ, વ્યંતરોને કૃષ્ણાદિ ચાર લેશ્યા છે, જ્યોતિષ્ક, પહેલા-બીજા કલ્પે તેજોલેશ્યા જાણવી. ત્રીજાથી પાંચમાં કલ્પે પદ્મલેશ્યા અને પછીનાને શુક્લ લેશ્યા જાણવી. - તથા -
પૃથ્વી, પાણી, બાદર તથા પ્રત્યેક વનસ્પતિમાં ચાર લેશ્યા અને ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યને છ, બીજાને ત્રણ લેશ્યા હોય. માત્ર ઔઘિક દંડકમાં ક્રિયાસૂત્રમાં સરાગ, વીતરાગ મનુષ્યો કહ્યા તે અહીં ન કહેવા. કેમ કે તેજો અને પદ્મમાં વીતરાગત્વ ન સંભવે. પ્રમત્ત અને અપ્રમત્ત મનુષ્યો તો કહેવાના છે, તે માટે સંગ્રહગાથા કહી છે તેનો અર્થ કહેવાયો છે છતાં સુખ બોધાર્થે કહે છે –
[૨૮] દુઃખ અને આયુ ઉદીર્ણ વેદાય છે, તે એકવચન બહુવચનથી ચાર દંડક તથા નૈરયિકો શું સમાહારા છે આદિ પ્રશ્નો. અહીં નારકો સલેશ્ય કહ્યા, હવે લેશ્યાનું નિરૂપણ કરે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit