Pramāṇa · Search · About · API

Viyahapannatti 515

Viyāhapannatti: ṭīkānusārī vivecana 515

Language
Gujarati

515

‘ભગવતી’ સૂત્ર-૩૫૯ :– [૭/૬/૩૫૯]
ભગવન્‌! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં દૂષમ દૂષમકાળમાં, ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ પ્રત્યાવતાર થશે? ગૌતમ! તે કાળ (આવો) થશે –
હાહાભૂત, ભંભાભૂત, કોલાહલભૂત, સમયના અનુભાવથી અતિ ખર-કઠોર ધૂળથી મલિન, અસહ્ય, વ્યાકુળ ભયંકર વાયુ, સંવર્તક વાયુ વાશે. અહીં વારંવાર ધૂળ ઉડવાથી ચારે દિશા રજવાળી, રેતથી કલુષિત, અંધકાર પટલયુક્ત નિરાલોક થશે. સમયની રૂક્ષતાથી ચંદ્ર અતિ શીતતા ફેંકશે, સૂર્ય અધિક તપશે, પછી વારંવાર ઘણો અરસ-વિરસ-ખાર-ખટ્ટ-અગ્નિ-વિદ્યુત્‌-વિષ-અશનિ મેઘ, ન પીવા યોગ્ય જળ, વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિણામી જળ, અમનોજ્ઞ જળ, પ્રચંડ વાયુના આઘાત થકી તીક્ષ્ણ ધારાથી પડતી પ્રચુર વર્ષા થશે - - જેનાથી ભરત ક્ષેત્રના –
– ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ આદિમાં રહેનાર જનસમૂહ, ચતુષ્પદ ગવેલગ, ખેચર પક્ષી સંઘ, ગામ અને જંગલમાં સંચાર રત ત્રસ પ્રાણી, અનેક પ્રકારના વૃક્ષ, ગુલ્મ, લતા, વેલ, ઘાસ, પર્વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુરાદિ તૃણ વનસ્પતિ વિનષ્ટ થશે. વૈતાઢ્યગિરિને છોડીને બધાં પર્વત, નાના પહાડ, ટીલા, ડુંગર, સ્થળ, રેગિસ્તાનાદિ બધાંનો વિનાશ થશે. ગંગા અને સિંધુ નદીને છોડીને બધી નદી, ઝરણાં આદિ નષ્ટ થશે. દુર્ગમ અને વિષમભૂમિમાં રહેલ બધાં સ્થળ સમતલ ક્ષેત્ર થઈ જશે.
ભગવન્‌! તે સમયે ભરતક્ષેત્રની ભૂમિનો આકાર, ભાવોનો આવિર્ભાવ કેવો થશે? ગૌતમ! તેની ભૂમિ અંગાર-છારિય-મુર્મુર-તપ્તક વેલક-તપ્ત સમ જ્યોતિરૂપ, ઘણી જ ધૂળ-રેતી-કાદવ-શેવાળ-ચલણિ-ધરણિગોચર થઈ જશે. જીવોને ચાલવું દુષ્કર થઈ જશે.

Linked texts (1)