Viyahapannatti 517
Viyāhapannatti: ṭīkānusārī vivecana 517
- Language
- Gujarati
517
‘ભગવતી’ સૂત્ર-૩૬૦ :– [૭/૬/૩૬૦]
ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર, ભાવપ્રત્યાવતાર કેવા હશે? ગૌતમ! મનુષ્યો કુરુપ, કુવર્ણ, દુર્ગંધી, કુરસ, કુસ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત યાવત્ અમણામ, હીન-દીન-અનિષ્ટ યાવત્ અમણામ સ્વરવાળા, અનાદેય-અપ્રીતિયુક્ત વચનવાળા, નિર્લજ્જ, કૂડ-કપટ-કલહ-વધ-બંધ-વૈરમાં રત, મર્યાદા ઉલ્લંઘવામાં પ્રધાન, અકાર્યમાં ઉદ્યત, ગુરુનિયોગ-વિનયરહિત, વિકલ રૂપવાળા, વધેલા નખ-કેશ-શ્મશ્રૂ-રોમવાળા, કાળા, કઠોર-ખર-શ્યામવર્ણા, કુટ્ટ સિરા, પીળા-સફેદ વાળ વાળા, ઘણી નસોથી સંપન્ન દુર્દર્શનીય રૂપવાળા, સંકુચિત વલી તરંગોથી પરિવેષ્ટિત, જરા પરિણત વૃદ્ધ જેવા, પ્રવિરલ, પરિશટિત દંત શ્રેણી, ઉદ્ભટ ઘટ મુખવાળા, વિષમચક્ષુ, વાંકુ નાક, વાંકા વળેલા વિગત ભેસણ મુખવાળા, ભયંકર ખુજલીવાળા, કઠોર-તીક્ષ્ણ નખો વડે ખણવાને કારણે વિકૃત બનેલ શરીરી, દાદ-કોઢ-સિધ્મ, ફાટેલ, કઠોર ચામડીવાળા, વિચિત્ર અંગવાળા, ઉંટ ગતિ, વિષમ સંધિ બંધન, ઉંચી-નીચી હડ્ડી, વિભક્ત-દુર્બળ-કુસંઘયણ-કુપ્રમાણ-કુસંસ્થિત-કુરૂપ-કુસ્થાનાસન-કુશય્યા-કુભોજી-અશુચિ-અનેક વ્યાધિથી પીડિત અંગ, સ્ખલિત-વેજ્ઝલ ગતિ, નિરુત્સાહી, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળા, નષ્ટતેજા, વારંવાર શીત-ઉષ્ણ-ખર-કઠોર-વાત વ્યાપ્ત, મલિન-રજાદિ યુક્ત અંગવાળા, અતિ ક્રોધ-માન-માયા-લોભવાળા અસુખ દુઃખ ભોગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ, ઉત્કૃષ્ટ એક હાથ માત્ર, ૧૬ થી ૨૦ વર્ષના અધિકાયુવાળા, ઘણાં પુત્ર પૌત્રાદિ પરિવારવાળા, તેના પર સ્નેહવાળા હશે. તેમના ૭૨ કુટુંબો બીજભૂત, બીજ માત્ર હશે. તેઓ ગંગા, સિંધુ નદીના બિલોમાં અને વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં આશ્રય લઈને નિવાસ કરશે.
ભગવન્! તે મનુષ્યો કેવો આહાર કરશે? ગૌતમ! તે કાળે, તે સમયે ગંગા, સિંધુ મહાનદી રથ-પથ વિસ્તારવાળી હશે. તેમાં રથની ધુરીના પ્રવેશવાના છિદ્ર જેટલા ભાગમાં આવી શકે તેટલું પાણી વહેશે. તે પાણીમાં ઘણાં મત્સ્ય, કાચબાદિ હશે. પાણી વધુ નહીં હોય. તે મનુષ્યો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એક મુહૂર્ત્ત બિલની બહાર નીકળશે. નીકળીને માછલી, કાચબાદિ પકડીને જમીનમાં ગાડશે. એવા મચ્છ-કચ્છપ ઠંડી અને ગરમીથી સુકાઈ જશે. એ રીતે તેઓ ૨૧,૦૦૦ વર્ષ સુધી આજીવિકા ચલાવતા વિચરશે.
ભગવન્! તે મનુષ્યો નિઃશીલ, નિર્ગુણ, નિર્મર્યાદ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ રહિત, પ્રાયઃ માંસાહારી, મત્સ્યાહારી, ક્ષુદ્રાહારી, કુણિમાહારી, કાળ માસે કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! પ્રાયઃ નરક, તિર્યંચ યોનિમાં ઉપજશે. - ભગવન્! સિંહ, વાઘ, વૃક, દ્વીપિક, રીંઝ, તરક્ષ, શરભાદિ પણ નિઃશીલા તે પ્રમાણે જ યાવત્ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! પ્રાયઃ નરક, નિર્યંચ યોનિમાં ઉપજશે. - ભગવન્! તે કાળે ઢંક, કંક, વિલક, મદુક, શિખી પણ નિઃશીલા, તે જ પ્રમાણે પ્રાયઃ નરક, તિર્યંચ ગતિમાં ઉપજશે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit