Pramāṇa · Search · About · API

Viyahapannatti 536

Viyāhapannatti: ṭīkānusārī vivecana 536

Language
Gujarati

536

‘ભગવતી’ સૂત્ર-૩૭૨ :– [૭/૯/૩૭૨]
અર્હન્તે જાણ્યું છે, અર્હન્તે પ્રત્યક્ષ કર્યુ છે, અર્હન્તે વિશેષે જાણ્યું છે કે – મહાશિલાકંટક નામે સંગ્રામ છે – ભગવન્‌! મહાશિલા-કંટક સંગ્રામ ચાલતો હતો, તેમાં કોણ જય પામ્યું? ગૌતમ! વજ્જી, વિદેહ પુત્ર (કોણિક) જય પામ્યો, નવમલ્લકી, નવ લેચ્છકી, કાશી કોશલ ૧૮-ગણ રાજાઓ પરાજય પામ્યા. ત્યારે તે કોણિક રાજા મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણીને કૌટુંબિક પુરુષને બોલાવીને એમ કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી ઉદાયી હસ્તિરાજને તૈયાર કરો, ઘોડા-હાથી-રથ-યોદ્ધા સહિતની ચતુરંગિણિ સેના તૈયાર કરો, કરીને મારી આ આજ્ઞા જલ્દી પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો, કોણિક રાજાએ એમ કહેતા હર્ષિત-તુષ્ટ થઈને યાવત્‌ અંજલિ કરીને હે સ્વામી! ‘જેવી આજ્ઞા’ કહી, તેમની આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકારીને, નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીક્ષ્ણ બુદ્ધિના સુનિપુણ વિકલ્પોથી યુક્ત તથા જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં ભીમ સંગ્રામને યોગ્ય ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યો, કરીને જ્યાં કૂણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત્‌ કૂણિક રાજાની તે આજ્ઞા પાછી સોંપે છે. [આજ્ઞાનુસાર કાર્ય થયાનું જણાવે છે.]
ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે. ત્યાં આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને સ્નાન કર્યુ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા, સર્વાલંકારથી વિભૂષિત થઈ, લોહકવચ ધારણ કર્યુ, વળેલા ધનુર્દંડને લીધું, ડોકમાં આભુષણ પહેરી, ઉત્તમોત્તમ ચિહ્નપટ્ટ બાંધી, આયુધ-પ્રહરણ ધારણ કરી, કોરંટક પુષ્પોની માળા સહિતનું છત્ર ધારણ કરીને, તેની ચાર તરફ ચાર ચામર ઢોળવા લાગ્યા. લોકોએ મંગલ-જય શબ્દો કર્યા, એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ યાવત્‌ ઉદાયી હાથી પર બેઠો.
ત્યારે તે કોણિક રાજા, હારથી આચ્છાદિત વક્ષઃસ્થળવાળો, ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ શ્વેત ચામરથી વિંઝાતો, ઘોડા-હાથી-રથ-પ્રવરયોદ્ધા યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવરેલો, મહાન્‌ સુભટોના વિસ્તીર્ણ સમૂહથી વ્યાપ્ત. જ્યાં મહાશિલા કંટક સંગ્રામ હતો, ત્યાં આવ્યો, આવીને મહાશિલા કંટક સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહા અભેદ કવચ-વજ્ર પ્રતિરૂપક વિકુર્વીને ઉભો રહ્યો. એ પ્રમાણે બે ઈન્દ્રો સંગ્રામ કરવા લાગ્યા – દેવેન્દ્ર અને મનુજેન્દ્ર. કૂણિક રાજા કેવલ એક હાથી વડે પણ [શત્રુ સેનાને] પરાજિત કરવા સમર્થ થયો.
ત્યારપછી તે કૂણિક રાજા મહાશિલાકંટક સંગ્રામ કરતો એવો નવમલ્લકી, નવ લેચ્છવિ, કાશી-કોશલના ૧૮ ગણરાજા. તેમના પ્રવરવીરા યોદ્ધાઓને હાથ-મથિત કર્યા, નષ્ટ કર્યા, તેમના ચિન્હ, ધ્વજાપતાકા પાડી દીધી, તેમના પ્રાણ સંકટમાં પડી ગયા, દશે દિશામાં ભાગી ગયા.
ભગવન્‌! તે મહાશિલાકંટક સંગ્રામ કેમ કહેવાય છે? ગૌતમ! મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે, તેમાં જે હાથી, ઘોડા, યોદ્ધા, સારથીઓ તૃણ, પત્ર, કાષ્ઠ, કંકરથી આહત થતા હતાં, તે બધાં એવું અનુભવતા હતા કે અમે મહાશિલાથી હણાઈ રહ્યા છીએ. તેથી તે મહાશિલા૦ કહેવાય છે.
ભગવન્‌! મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલાં લાખ મનુષ્ય માર્યા ગયા? ગૌતમ! ૮૪ લાખ મનુષ્યો મર્યા. ભગવન્‌! તે મનુષ્યો શીલરહિત યાવત્‌ પ્રત્યાખ્યાનપૌષધોપવાસ રહિત, રોષિત, પરિકુપિત, યુદ્ધમાં ઘાયલ, અનુપશાંત, કાળ માસે કાળ કરી ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા? ગૌતમ! પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં.

Linked texts (1)