Viyahapannatti 569
Viyāhapannatti: ṭīkānusārī vivecana 569
- Language
- Gujarati
569
‘ભગવતી’ સૂત્ર-૩૯૧ :– [૮/૨/૩૯૧]
ભગવન્! જ્ઞાન કેટલા ભેદે છે? પાંચ ભેદે - આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. તે આભિ-નિબોધિક જ્ઞાન શું છે? તે ચાર ભેદે છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ રીતે જેમ રાયપ્પસેણઈયમાં જ્ઞાનના ભેદો કહ્યા છે, તેમ અહીં પણ કહેવા. યાવત્ તે આ કેવલજ્ઞાન.
ભગવન્! અજ્ઞાન કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે - મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
તે મતિઅજ્ઞાન શું છે? ચાર ભેદે છે – અવગ્રહ યાવત્ ધારણા. તે અવગ્રહ શું છે? બે ભેદે છે - અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે જેમ આભિનિબોધિક જ્ઞાન, તે પ્રમાણે અહીં જાણવું. વિશેષ આ – એકાર્થિક શબ્દોને છોડીને યાવત્ નોઈન્દ્રિય ધારણા સુધી, તે આ ધારણા છે, તે આ મતિઅજ્ઞાન છે.
તે શ્રુત અજ્ઞાન શું છે? જે રીતે નંદીસૂત્રમાં કહ્યું – જે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ દ્વારા પ્રરૂપિત છે, યાવત્ સાંગોપાંગ ચાર વેદ. તે શ્રુતાજ્ઞાન.
તે વિભંગજ્ઞાન શું છે? તે અનેક ભેદે છે – ગામ સંસ્થિત, નગર સંસ્થિત યાવત્ સંનિવેશ સંસ્થિત, દ્વીપ-સમુદ્ર-વર્ષ-વર્ષધર-પર્વત-વૃક્ષ-સ્તૂપ-અશ્વ-હાથી-નર-કિંનર-કિંપુરિષ-મહોરગ ગંધર્વ-વૃષભસંસ્થિત તથા પશુ-પશય-પક્ષી-વાનરસંસ્થાન સંસ્થિત.
જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે જ્ઞાનવાળા છે, કોઈ ત્રણ કોઈ ચાર કોઈ એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા - તે આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા-તે આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાની છે અથવા આભિનિબોધિક, શ્રુત, મનઃપર્યવજ્ઞાની છે. જે ચતુર્જ્ઞાની છે તે આભિનિબોધિક, શ્રુત, અવધિ, મનઃપર્યવજ્ઞાની છે. જે એક જ્ઞાની છે તે નિયમા કેવલજ્ઞાની છે. - - જે અજ્ઞાની છે. તે કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. બે અજ્ઞાનવાળા તે મતિ-શ્રુત અજ્ઞાની. ત્રણવાળા તે મતિ-શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની.
ભગવન્! નૈરયિકો, જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બંને. જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાનવાળા છે – આભિનિબોધિક, શ્રુત અને અવધિ. જે અજ્ઞાની છે, તે કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. એ રીતે ત્રણ અજ્ઞાન ભજનાએ છે. - - ભગવન્! અસુર-કુમારો જ્ઞાની છે કે અજ્ઞાની? નૈરયિકની માફક જાણવા. ત્રણ જ્ઞાનો નિયમા હોય, ત્રણ અજ્ઞાન વિકલ્પે. એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવા.
ભગવન્! પૃથ્વીકાયિક જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિયમથી મતિ અને શ્રુત બે અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. - - બેઈન્દ્રિય વિશે પૃચ્છા-ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બંને. જ્ઞાની હોય તે નિયમા મતિ-શ્રુતજ્ઞાની. અજ્ઞાની હોય તે નિયમા મતિ-શ્રુત અજ્ઞાની. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવા. - - પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિશે પૃચ્છા–
ગૌતમ! તે જ્ઞાની, અજ્ઞાની બંને છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે, કોઈ ત્રણ જ્ઞાનવાળા છે. એ રીતે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલ્પે છે. મનુષ્યોને જીવની માફક પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે છે. વ્યંતરો, નૈરયિક માફક જાણવા. જ્યોતિષ્ક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા હોય. સિદ્ધો વિશે પ્રશ્ન - તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમા કેવળજ્ઞાન-એક જ્ઞાનવાળા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit