Pramāṇa · Search · About · API

Viyahapannatti 578

Viyāhapannatti: ṭīkānusārī vivecana 578

Language
Gujarati

578

વિવેચન :–૩૯૫, ૩૯૬
કેટલો ગ્રાહ્ય અર્થ છે? તે ભેદ પરિમાણથી કહે છે –આભિનિબોધિક જ્ઞાનનો વિષય અથવા આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ભેદ દ્વારા ચાર પ્રકારે છે - દ્રવ્ય - ધર્માસ્તિકાયાદિ આશ્રીને, ક્ષેત્ર - દ્રવ્યના આધારરૂપ આકાશ માત્ર ક્ષેત્રને આશ્રીને, કાલ - દ્રવ્યપર્યાય અવસ્થિતિ આશ્રીને, ભાવ - ઔદાયિકાદિ ભાવ કે દ્રવ્યપર્યાયોને આશ્રીને. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાનવિષય દ્રવ્ય, તેમાં આદેશ-પ્રકાર, સામાન્ય-વિશેષરૂપ, તેમાં સામાન્યથી માત્ર દ્રવ્યથી, પણ તેમાં રહેલ સર્વગત વિશેષાપેક્ષાથી નહીં, અથવા શ્રુતપરિકર્મતતાથી ધર્માસ્તિકાયાદિ અપાય, ધારણા અપેક્ષાએ જાણે છે. કેમકે જ્ઞાનનું અપાય, ધારણા રૂપત્વ છે અને અવગ્રહ, ઈહા અપેક્ષાથી જાણે તેને પશ્યતિ કહ્યું છે. ભાષ્યકારે કહ્યું છે – અપાય, ધારણા તે જ્ઞાન, અવગ્રહ, ઈહા તે દર્શન, તત્ત્વરૂચિ તે સમ્યક્‌ત્વ, જેનાથી રુચે તે જ્ઞાન તથા જે સામાન્ય ગ્રહણ તે દર્શન, જે વિશેષ ગ્રહણ તે જ્ઞાન, અવગ્રહ ...
ઈહા સામાન્ય અર્થગ્રહણરૂપ છે, અપાય-ધારણા વિશેષ ગ્રહણરૂપ છે. (શંકા) ૨૮ ભેદે આભિનિબોધિક કહેવાય છે, તેનું શું? કેમકે આભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિ કહી છે - આ વ્યાખ્યાનમાં શ્રોત્રાદિ ભેદથી છ ભેદે અપાય-ધારણાનું ૧૨ ભેદે મતિજ્ઞાન પ્રાપ્ત છે. તથા શ્રોત્રાદિ ભેદથી જ છ ભેદ વડે અર્થાવગ્રહ-ઈહા તથા વ્યંજનાવગ્રહથી ચાર ભેદે એમ ૧૬ ભેદે ચક્ષુ આદિ દર્શન પ્રાપ્ત છે. તો તેમાં વિરોધ કેમ નથી? સત્ય છે. પણ વિવક્ષાથી મતિજ્ઞાન અને ચક્ષુ આદિ દર્શનમાં ભેદ છે. પૂજ્યો મતિજ્ઞાનને ૨૮-ભેદે કહે છે.
ક્ષેત્રને આશ્રીને આભિનિબોધિક જ્ઞાન વિષય, તેમાં ઓઘથી શ્રુતપરિકર્મિતતાથી લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર જાણે. એમ કાળ અને ભાવથી છે ભાષ્યકાર કહે છે – સામાન્ય દેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વભાવથી નહીં, લોકાલક ક્ષેત્ર, સર્વ અથવા ત્રિવિધકાળ, ઔદયિકાદિ પાંચ ભાવ આટલું જાણે. અથવા આદેશ એટલે શ્રુત, શ્રુતોપલબ્ધોમાં તે મતિજ્ઞાન પ્રસરે છે. આ સૂત્ર ‘નંદી’માં વાચનાંતરે ન પાસઈ એવો પાઠ છે, તેની ટીકામાં પણ કહે છે – દ્રવ્ય જાતિ સામાન્યદેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે, વિશેષથી પણ ધર્માસ્તિકાય, તેનો દેશ આદિને જાણે પણ સર્વે ધર્માસ્તિકાયાદિને ન જુએ. ઈત્યાદિ - X - X -
ધર્માસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોને જાણે, શ્રુતજ્ઞાનના તે સ્વરૂપ થકી વિશેષથી જાણે, શ્રુતાનુવર્તી માનસથી અચક્ષુર્દર્શનથી જુએ. સર્વે દ્રવ્યોને અભિલાપથી જ જાણે. (પરંતુ) અભિન્ન દશપૂર્વધરાદિ શ્રુતકેવલી તેને જુએ. તેની નજીકનાને ભજના, તે મતિવિશેષથી જાણવું. વૃદ્ધોએ વળી જુએ છે એમ કહ્યું–કઈ રીતે જુએ? સકલગોચર દર્શનયોગ કેમ નથી? કહે છે–‘પ્રજ્ઞાપના’માં શ્રુતજ્ઞાનપશ્યતામાં પ્રતિપાદિતપણાથી અનુત્તર વિમાનાદિ ના આલેખ કરણથી સર્વથા અદૃષ્ટનું આલેખન ન થવાથી એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ વિચારવું. વળી કોઈ ન પાસઈ કહે છે. (શંકા) ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવે જાણે? વળી શ્રુત, ચારિત્રમાં સર્વે પર્યાયો નથી, તેની સાથે કેમ વિરોધ ન આવે? (સમાધાન) આ સૂત્રમાં સર્વના ગ્રહણથી પાંચ ઔદયિકાદિ ભાવો કહ્યા છે. તેને સર્વને જાણે છે અથવા જે અભિલાપ્ય ભાવોનો અનંત ભાગ જ શ્રુતનિબદ્ધ છે, તો પણ પ્રસંગ-અનુપ્રસંગથી સર્વે અભિલાપ્ય-શ્રુતવિષયો કહેવાય છે. તેથી તે અપેક્ષાએ સર્વેભાવોને જાણે છે તેમ કહ્યું. અનભિલાપ્ય ભાવાપેક્ષાએ ન જાણે.
અવધિજ્ઞાની રૂપિદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યો, તે જઘન્યથી અનંત છે. તૈજસભાષા દ્રવ્યોના અપાંતરાલવર્ત્તી હોવાથી, તેને જાણે. ઉત્કૃષ્ટથી સર્વે બાદર, સૂક્ષ્મ ભેદ ભિન્નને વિશેષાકારથી જ્ઞાનત્વપણાથી જાણે છે. સામાન્યાકારથી અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે તેથી જુએ છે. (શંકા) પહેલા દર્શન અને પછી જ્ઞાનનો ક્રમ હોવા છતાં અહીં ઉલટું કેમ કહ્યું? અહીં અવધિજ્ઞાનાધિકારથી પ્રાધાન્ય જણાવવા માટે પહેલાં ‘જાણે’ એમ કહ્યું. અવધિદર્શનનું અવધિ અને વિભંગના સાધારણત્વથી અપ્રધાનપણાને લીધે પછી ‘જુએ છે’ તેમ કહ્યું. અથવા બધી જ લબ્ધિ સાકારો-પયુક્તને ઉપજે છે, અવધિલબ્ધિ પણ સાકારોપયોગ ઉપયુક્તને હોય, આ અર્થને જણાવવા સાકારોપયોગ એવા જાનાતિ શબ્દને પહેલા મૂક્યો પછી પશ્યતિ કહ્યું.
જેમ ‘નંદી’માં, ત્યાં આ સૂત્ર છે – ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યભાગે જાણે છે, જુએ છે ઈત્યાદિ. વ્યાખ્યા આ રીતે - ક્ષેત્રથી અવધિજ્ઞાની, જઘન્યથી અંગુલનો અસંખ્યભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકમાં શક્તિ અપેક્ષાએ લોક પ્રમાણ ખંડોને જાણે જુએ. કાળથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અતીત-અનાગતને જાણે-જુએ. તેમાં રહેલ રૂપીદ્રવ્યોને આશ્રીને. ક્યાં સુધી કહેવું? ભાવના અધિકાર સુધી. તે આ છે - ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવોના આધાર દ્રવ્ય અનંતપણાથી જાણે, જુએ, પણ પ્રત્યેક દ્રવ્ય નહીં. ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જાણે અને જુએ. તે પણ ઉત્કૃષ્ટપદે સર્વે પર્યાયોનો અનંતભાગ, એ પ્રમાણે છે.
મનન તે મતિ. ઋજ્વી - સામાન્યગ્રાહિણી. તે ઋજુમતિ. ‘આણે ઘટ વિશે વિચાર્યુ’ તેવા અધ્યવસાયને જાણે છે અથવા જે ઋજુ મતિવાળો છે તે. અનંત-અપરિમિત, અનંતપએસિઅ - અનંત પરમાણુ રૂપ. જહા નંદિએ - સૂત્ર આ પ્રમાણે - વિશિષ્ટ એક પરિણામ પરિણત સ્કંધને જાણે, જુએ. તે પર્યાપ્તક સંજ્ઞી પ્રાણી વડે, જે અઢીદ્વીપ-બે સમુદ્રવર્તી હોય તેને મનપણે પરિણામિત ભાવોને, મનઃપર્યાય જ્ઞાનાવરણ ક્ષયોપશમથી, પટુત્વથી સાક્ષાત્‌રૂપે વિશેષ પરિચ્છેદથી જાણે, તેમ કહેવાય.- X - X -ભાષ્યકારે કહ્યું છે કે બાહ્ય અનુમાનથી જાણે.- X-
મૂર્ત દ્રવ્ય આલંબનથી આ જાણે, મતાંતરે અમૂર્ત છતાં પણ ધર્માસ્તિકાયાદિને માને છે. જો કે તેને સાક્ષાત્‌ કરવાને સમર્થ નથી. તથા ચક્ષુર્દર્શનાદિ ચારે દર્શનને ભિન્ન આલંબનથી આ જાણે. તેથી દર્શનના સંભવથી જુએ તેમ કહે, તેમાં કંઈ દોષ નથી. - વિસ્તારની જરૂર નથી.
તેને જ વિપુલમતિ અધિકપણાએ, વિતિમિરપણાએ, વિશુદ્ધપણાએ જાણે અને જુએ. તે જ સ્કંધોને વિશેષથી ગ્રહણ કરનારી મતિ, તે વિપુલમતિ. આણે ઘટ વિશે વિચાર્યુ, તે સોનાનો, પાટલિપુત્રકમાં હમણાં બનેલો ઈત્યાદિ જાણે. અથવા જેની મતિ વિપુલ છે તે વિપુલમતિ.
અભ્યધિકતર - ઋજુમતિ દૃષ્ટ સ્કંધની અપેક્ષાએ દ્રવ્યાર્થતા અને વર્ણાદિ વડે ઘણું વધારે. વિતિમિરતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું, તેથી જ વિતિમિરતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું તેથી જ વિશુદ્ધતરક - અતિ સ્પષ્ટપણે જાણે અને જુએ. ૦ ક્ષેત્રથી - ઋજુમતિ૦ નીચે-નીચે યાવત્‌ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધીના મનોગત ભાવોને જાણે છે, જુએ છે. તેમાં રુચક નામે, તિર્છાલોકના મધ્યથી નીચે ૯૦૦ યોજન સુધી આ રત્નપ્રભાના ઉપરનું ક્ષુલ્લક પ્રતર છે, તેનું ક્ષુલ્લકત્વ અધોલોકના પ્રતરની અપેક્ષાએ છે. તેનાથી પણ જે નીચે તે અધોલોકગ્રામ છે. તે ક્ષુલ્લક પ્રતરથી ઉપર જ્યોતિષ્‌ ચક્રના ઉપરિતલ સુધી અને તિર્છુ મનુષ્યક્ષેત્રના અંત સુધી એમ જાણવું. તેને વિભાગથી કહે છે – અઢીદ્વીપ-સમુદ્રમાં ૧૫ કર્મભૂમિમાં, ૫૬ અંતર્દ્વીપમાં પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણે અને જુએ. જ્યારે તેને વિપુલમતિ અઢી અંગુલથી વિશેષ અધિકપણે, વિપુલપણે, વિશુદ્ધપણે, વિતિમિરપણે જાણે અને જુએ.
અહીં ક્ષેત્રાધિકાર પ્રાધાન્યથી મનોલબ્ધિ સમન્વિત જીવના આધારરૂપ ક્ષેત્ર ગ્રહણ કરાય છે. તેનાથી અધિક લંબાઈ, વિષ્કંભને આશ્રીને વિપુલતર, બાહલ્યને આશ્રીને વિશુદ્ધતર, અંધકાર સમાન, તેના આવરક કર્મના વિશિષ્ટતર ક્ષયોપશમ સદ્ભાવથી જુએ.
તથા કાલઓ - ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યભાગ અનીત અને અનાગતને જાણે અને જુએ તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિરતર જાણે અને જુએ. - - ‘નંદીસૂત્ર’નો પાઠ ક્યાં સુધી કહેવો? ‘ભાવસૂત્ર’ સુધી. - ભાવથી ઋજુમતિ અનંતભાવે જાણે, જુએ. સર્વભાવોને અનંત ભાગે જાણે, જુએ. તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિરતર જાણે અને જુએ. એ પ્રમાણે ઉક્ત ન્યાયે કેવલજ્ઞાન વિષય કહેવો – ‘નંદીસૂત્ર’માં આમ કહ્યું છે - ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર જાણે, જુએ. અહીતં ધર્માસ્તિકાયાદિ બધાં દ્રવ્યના ગ્રહણથી આકાશદ્રવ્યના ગ્રહણ છતાં, જે ફરી લીધું, તે તેના ક્ષેત્રત્વના રૂઢપણાથી છે. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે, જુએ. ભાવથી સર્વ ભાવને જાણે, જુએ.
મતિઅજ્ઞાનથી - મિથ્યાદર્શન યુક્તતાથી અવગ્રહાદિ અને ઔત્પાતિકી આદિ વડે વિષયીકૃત જે હોય તે તથા અપાયાદિ વડે જાણે અને અવગ્રહાદિ વડે જુએ. યાવત્‌ શબ્દથી-ક્ષેત્રથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિગત ક્ષેત્રને જાણે, જુએ. કાળથી મતિ અજ્ઞાની, મતિ અજ્ઞાન પરિગત કાળને જાણે, જુએ. - - શ્રુતઅજ્ઞાન-મિથ્યાદૃષ્ટિ પરિગૃહીત સમ્યક્‌શ્રુત, લૌકિક શ્રુત કે કુપ્રાવચનિક શ્રુત વડે જે વિષયી કૃત કરાયેલ હોય તેને તથા આઘવેઈ - કહે, અર્થ કરે, આગ્રાહે આદિ, પ્રજ્ઞાપયતિ - ભેદપૂર્વક કહે. પ્રરૂપયતિ - ઉપપત્તિ પૂર્વક કહે – પ્રરૂપે. વાચનાંતરે આટલું અધિક છે - દંસેઈ - દેખાડે ઉપમા માત્ર વડે, જેમકે ગાય તેવું ગવય આદિ. નિદંસેઈ - હેતુ, દૃષ્ટાંત, ઉપન્યાસ વડે નિર્દેશે. ઉવદંસેઈ - ઉપનય, નિગમન વડે મતાંતર દર્શનપૂર્વક દર્શાવે.
દ્રવ્યથી વિભંગજ્ઞાન વડે જાણે, અવધિદર્શનથી જુએ.
કાલદ્વાર - અહીં પહેલા કેવળી અને પછી મતિ આદિવાળા કહ્યા છે. તેમાં ‘કેવલીને’ સાદી અપર્યવસિત શબ્દથી કાળ જણાવ્યો છે. મતિ આદિવાળાને બે ભેદથી કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત. તે પહેલા બે જ્ઞાનને આશ્રીને કહ્યું, કેમકે તે બે જ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત માત્ર હોય. ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, જે કહ્યું, તે પહેલા ત્રણ જ્ઞાનને આશ્રીને કહ્યું છે. તેમની જ ઉત્કૃષ્ટથી તેટલી સ્થિતિ છે. તે આ રીતે – વિજયાદિમાં બે વખત જાય કે અચ્યુતે ત્રણ વખત જાય, તેમાં મનુષ્યભવ અતિરેકથી આ કાળ કહ્યો છે - X -
આભિનિબોધિકમાં આ રીતે જાણવું – ભગવન્‌! આભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલો કાળ હોય? તેનો અર્થ આ છે - આભિણિબોહિએ૦ આદિ સૂત્રક્રમથી જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાનીનો અવસ્થિતિ કાળ જેમ કાયસ્થિતિમાં અર્થાત્‌ ‘પ્રજ્ઞાપના’ના ૧૮-માં પદમાં કહ્યો, તેમ કહેવો. તેમાં જ્ઞાનીનો પૂર્વે કહ્યો, તે જ અવસ્થિતિકાળ. - X - આભિનિબોધિક આદિ બે જ્ઞાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, અવધિજ્ઞાનનો પણ એ જ કાળ છે. પણ જઘન્યકાળમાં ભેદ છે. અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. કઈ રીતે? જો વિભંગજ્ઞાની સમ્યક્ત્વ પામે, ત્યારે પહેલા સમયે વિભંગ અવધિજ્ઞાન હોય, ત્યારપછી તે પડે છે, ત્યારે એક સમય અવધિ કહેવાય.
મનઃપર્યવજ્ઞાની વિશે પૃચ્છા-જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વકોટિ. કઈ રીતે? અપ્રમત્ત કાળમાં વર્તતા સંયતને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય, ક્યારે ઉત્પત્તિ સમયે સમ અંતરે જ વિનાશ પામે તો એક સમય. તથા ચારિત્રકાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટી છે, દીક્ષાના ગ્રહણથી તુરંત જ જો મનઃપર્યવજ્ઞાન પામે અને આ જન્મ અનુવર્તે, ત્યારે મનઃપર્યવજ્ઞાન દેશોન પૂર્વકોટી થાય.
કેવળજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ! સાદિ અપર્યવસિત.
અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ ભેદે છે – અભવ્યોને અનાદિ અપર્યવસિત, ભવ્યોને અનાદિ સપર્યવસિત, સમ્યગ્દર્શનથી પડેલાને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત - X - ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી દેશન્યૂન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત. સમ્યક્‌ત્વથી ભ્રષ્ટને વનસ્પતિ આદિમાં અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી ગયા પછી પુનઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
વિભંગજ્ઞાની વિશે પૃચ્છા - ગૌતમ! જઘન્યથી એક સમય ઉત્પત્તિ પછી એક જ સમયમાં પડે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ. કેમકે મનુષ્યમાં તેટલું આયુ ભોગવી સાતમી નરકે જાય.
અંતરદ્વાર-પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું અંતર બધું જ જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્‌! આભિનિબોધિક જ્ઞાનનું અંતર, કાળથી કેટલું છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્‌ દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત્ત શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાનીનું એ જ પ્રમાણે છે.
કેવળજ્ઞાનીની પૃચ્છા – ગૌતમ! અંતર નથી. - - મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. - - વિભંગજ્ઞાનીની પૃચ્છા-ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
અલ્પબહુત્વદ્વાર - જ્ઞાનીનું, અજ્ઞાનીનું, જ્ઞાની-અજ્ઞાની ત્રણેનું પરસ્પર અલ્પબહુત્વ ‘પ્રજ્ઞાપના’ સૂત્રથી કહેવું. તે આ છે - ભગવન્‌! આ આભિનિબોધિક જ્ઞાની આદિ જીવોમાં કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! બધાંથી થોડા જીવો મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અસંખ્યગુણા, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, કેવળજ્ઞાની અનંતગુણા છે - (૧)
ભગવન્‌! આ મતિઅજ્ઞાની આદિમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછા વિભંગજ્ઞાની, મતિ અજ્ઞાની-શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે - (૨)
ભગવન્‌! આ આભિનિબોધિકાદિ પાંચ જ્ઞાની અને મતિ આદિ ત્રણ અજ્ઞાનીમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! મનઃપર્યવ જ્ઞાની સૌથી થોડા, અવધિજ્ઞાની અસંખ્યગણા, આભિનિબોધિક જ્ઞાની-શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, વિભંગજ્ઞાની અસંખ્યાતગણા, કેવલજ્ઞાની અનંતગણા, મતિ અને શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે. ઋદ્ધિ પ્રાપ્ત સંયતને જ મનઃપર્યવજ્ઞાન થાય માટે સૌથી થોડાં છે. અવધિજ્ઞાન ચારે ગતિમાં હોય તેથી અસંખ્યાતગણા. પહેલા બે જ્ઞાનવાળા તુલ્ય અને વિશેષાધિક કહ્યા. કેમકે તે અવધિ અને મનઃપર્યવજ્ઞાનીને તથા તેનાથી રહિત પંચેન્દ્રિયને અને સાસ્વાદન સમ્યક્ત્વ સદ્ભાવે વિકલેન્દ્રિયને પણ થાય છે અને કેવલજ્ઞાનીને અનંતગુણા કહ્યા, કેમકે સિદ્ધો અનંતા છે.
અજ્ઞાની સૂત્રમાં વિભંગજ્ઞાની થોડા છે, કેમકે તે પંચેન્દ્રિયોને જ થાય છે, તેનાથી અનંતગણા મતિ-શ્રુતઅજ્ઞાની છે, કેમકે બંને અજ્ઞાન એકેન્દ્રિયોને પણ હોય, તેથી અનંતગુણ કહ્યા. મિશ્રસૂત્રમાં મનઃપર્યવજ્ઞાની થોડાં કહ્યા. અવધિજ્ઞાની તેનાથી અસંખ્યાતગણા કહ્યા. મતિ-શ્રુતવાળા તેનાથી વિશેષાધિક કહ્યા, તે પૂર્વવત્‌ સમજવું. મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્યગણા કહ્યા. કઈ રીતે? સમ્યગ્‌દૃષ્ટિ દેવ-નારકથી મિથ્યાદૃષ્ટિ દેવનારક અસંખ્યાતગણા કહ્યા છે, તેથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણા કહ્યા. વિભંગજ્ઞાનીથી કેવળજ્ઞાની અનંત-ગણા છે. કેમકે એકેન્દ્રિય સિવાયના સર્વે જીવોથી સિદ્ધો અનંતગણા છે. મતિ-શ્રુત અજ્ઞાની પરસ્પર તુલ્ય છે. કેવલજ્ઞાનીથી અનંતગણા છે, કેમકે વનસ્પતિમાં પણ તેમનો સંભવ છે. એકેન્દ્રો સિદ્ધોથી પણ અનંતગણા છે.
પર્યાયદ્વાર-આભિનિબોધિક જ્ઞાનના પર્યવો-વિશેષ ધર્મો તે આભિનિબોધિક પર્યવો. તે સ્વ-પર પર્યાય ભેદથી બે પ્રકારે છે. તેમાં જે અવગ્રહ આદિ મતિ વિશેષ, ક્ષયોપશમની વૈચિત્ર્યથી છે તે સ્વ પર્યાયા, તે અનંતગણા છે. કઈ રીતે? એકાદ અવગ્રહથી અન્ય અવગ્રહાદિ અનંતભાગવૃદ્ધિથી વિશેષ છે, બીજા અસંખ્યેય ભાગ વૃદ્ધિથી, અપર સંખ્યેયભાગ વૃદ્ધિથી, અન્યતર સંખ્યેયગુણ વૃદ્ધિથી, તદ્‌અન્ય સંખ્યેયગુણ વૃદ્ધિથી, અપર અનંતગુણ વૃદ્ધિથી. એ પ્રમાણે સંખ્યાતના સંખ્યાત ભેદથી, અસંખ્યાતના અસંખ્યાત ભેદથી, અનંત ભેદત્વથી અનંતા વિશેષ છે અથવા તેના જ્ઞેયના અનંતપણાથી અને પ્રતિજ્ઞેયના તેનાથી ભેદાવાપણાથી અથવા મતિજ્ઞાનને અવિભાગ પરિચ્છેદ બુદ્ધિથી છેદતા અનંતખંડ થવાથી, તેના પર્યવો અનંત છે. તથા જે બીજા પદાર્થના પર્યાયો તે તેના પર પર્યાય છે. તે પરનું અનંતગુણપણું હોવાથી, સ્વપર્યાયથી અનંતગણા છે. - X - X - X - X - X ઈત્યાદિ.....
કેવઈયા ણં ભંતે સુયનાણે૦ ઈત્યાદિ-અનંતા શ્રુતજ્ઞાન પર્યાયો કહ્યા છે. તે સ્વપર્યાય અને પરપર્યાય છે. તેમાં શ્રુતજ્ઞાનના જે સ્વપર્યાય છે, તે પોતે અક્ષરશ્રુત આદિ ભેદવાળા, અનંતા છે. કેમકે ક્ષયોપશમના વૈચિત્ર્ય વિષય અનંતા છે, શ્રુતાનુસારી બોધનું અનંતત્વ છે, અવિભાગ પલિચ્છેદનું અનંતપણું છે. પરપર્યાયો પણ અનંતા છે, સર્વભાવોના પ્રસિદ્ધ છે. અથવા શ્રુત-ગ્રંથાનુસારી જ્ઞાન, તે શ્રુતજ્ઞાન, શ્રુતગ્રંથ અક્ષરાત્મક છે, અક્ષરો ‘અ’કાર આદિ છે, તેમાંનો એક-એક અક્ષર યથાયોગ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત ભેદથી છે, સાનુનાસિક-નિરનુનાસિક ભેદથી છે, અલ્પ પ્રયત્ન-મહાપ્રયત્ન ભેદાદિથી છે, સંયુક્ત સંયોગ-અસંયુક્ત સંયોગ ભેદથી છે, દ્વયાદિ સંયોગ ભેદથી અનંત છે અને ભેદાતા પણ અનંત ભેદ થાય છે. તે તેના સ્વપર્યાય છે. અન્ય પરપર્યાય છે,તે અનંતા જ છે
એ પ્રમાણે તે અનંતપર્યાય છે. કહ્યું છે કે – તેનો એક-એક અક્ષર સ્વપર્યાય ભેદથી ભિન્ન છે, તે વળી સર્વદ્રવ્ય-પર્યાય રાશિ પ્રમાણ જાણવો. જે એકલો ‘અ’કાર પર્યાય પ્રાપ્ત થાય છે, તે સ-વર્ણસહિત તેના સ્વપર્યાયો છે, બાકીના તેના પરપર્યાયો છે. એ પ્રમાણે અક્ષરાત્મકત્વથી અક્ષર પર્યાય સહિતપણાથી શ્રુતજ્ઞાનના પર્યાયો અનંત છે. એ પ્રમાણે ‘યાવત્‌’થી આમ જાણવું –
ભગવન્‌! અવધિજ્ઞાન પર્યાયો કેટલા છે? ગૌતમ! અવધિજ્ઞાનના પર્યાયો અનંત છે.ભગવન્‌! મનઃપર્યવ-જ્ઞાનના પર્યાયો કેટલા છે? ગૌતમ! અનંત. ભગવન્‌! કેવળજ્ઞાનના પર્યાયો કેટલા છે? ગૌતમ! અનંતા પર્યાયો છે.
– તેમાં અવધિજ્ઞાનના સ્વપર્યાયો, જે અવધિજ્ઞાનના ભેદો - ભવપ્રત્યય અને ક્ષાયોપશમિક ભેદથી, નારક, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપ તેના સ્વામીના ભેદથી, અસંખ્યાત ભેદ તેના વિષયભૂત ક્ષેત્ર-કાળ ભેદથી, અનંતભેદ તેના વિષય દ્રવ્યપર્યાય ભેદથી, અવિભાગ પલિચ્છેદથી તે અનંતા છે. મનઃપર્યાયજ્ઞાનના અને કેવળ-જ્ઞાનના જે સ્વપર્યાયો સ્વામી આદિ ભેદથી સ્વગત વિશેષ્ય તે અનંતા, અનંતદ્રવ્ય પર્યાય પરિચ્છેદ અપેક્ષાથી કે અવિભાગ પલિચ્છેદ અપેક્ષાએ છે - - એ પ્રમાણે મતિ અજ્ઞાનાદિ ત્રણમાં પણ અનંત પર્યાયત્વ કહેવું.
હવે પર્યાયોનું અલ્પબહુત્વ નિરૂપવા કહે છે - અહીં સ્વપર્યાય અપેક્ષાએ જ આ અલ્પબહુત્વ જાણવું, કેમકે સ્વપર પર્યાય અપેક્ષાએ બધાંનું તુલ્ય પર્યાયત્વ છે. તેમાં સૌથી થોડાં મનઃપર્યાય જ્ઞાનના પર્યાયો છે, કેમકે તેમનો વિષય માત્ર મન છે. તેનાથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે, કેમકે મનઃપર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો દ્રવ્યપર્યાયથી અનંતગુણ વિષય છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણા છે, કેમકે તેનો રૂપી-અરૂપી દ્રવ્ય વિષયત્વથી અનંતગુણ વિષયત્વ છે. તેનાથી આભિનિબોધિકજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, કેમકે તેના અભિલાપ્ય - અનભિલાપ્ય દ્રવ્યાદિ વિષયત્વથી અનંતગુણ વિષય છે. તેનાથી કેવલજ્ઞાન પર્યાય અનંતગુણા છે, કેમકે તે સર્વ દ્રવ્ય-પર્યાય વિષયત્વ છે.
એ પ્રમાણે અજ્ઞાન સૂત્રમાં અલ્પ બહુત્વ કારણ સૂત્રાનુસાર જાણવું. મિશ્ર સૂત્રમાં સૌથી થોડાં મનઃપર્યાયજ્ઞાન પર્યાયો છે. અહીં ઉપપત્તિ પૂર્વવત્‌ જાણવી. તેનાથી વિભંગજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. કેમકે મનઃપર્યવજ્ઞાનની અપેક્ષાએ વિભંગજ્ઞાનનો વિષય મોટો છે. કહ્યું છે – વિભંગજ્ઞાન ઉર્ધ્વ-અધો ઉપરિમ ગ્રૈવેયકથી આરંભીને સાતમી પૃથ્વીના અંત સુધી, તિર્છુ અસંખ્યાત દ્વીપસમુદ્રરૂપ ક્ષેત્રમાં જે રૂપી દ્રવ્યો છે, તેને કેટલાંકને જાણે અને કેટલાંકના પર્યાયો જાણે. તે મનઃપર્યવજ્ઞાન વિષયની અપેક્ષાએ અનંતગુણ છે.
– તેનાથી અવધિજ્ઞાનપર્યાયો અનંતગુણ છે. કેમકે અવધિ સકલરૂપી દ્રવ્ય-પ્રતિદ્રવ્ય અસંખ્યાત પર્યાય વિષયત્વથી વિભંગની અપેક્ષાએ અનંતગુણ છે. તેનાથી શ્રુતઅજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. શ્રુતઅજ્ઞાન સમસ્ત મૂર્ત્ત-અમૂર્ત્ત દ્રવ્ય, સર્વ પર્યાય વિષયથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણવિષય છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો વિશેષાધિક છે, કેટલાંક શ્રુતઅજ્ઞાન અવિષયીકૃત પર્યાયોને વિષયીકરણથી છે. તેનાથી મતિઅજ્ઞાન પર્યાયો અનંતગુણ છે, કેમકે શ્રુતઅજ્ઞાન અભિલાપ્ય વસ્તુ વિષયક છે, મતિ અજ્ઞાન તેનાથી અનંતગુણ અનભિલાપ્ય વસ્તુ વિષયક પણ છે. તેનાથી મતિજ્ઞાન પર્યાયો વિશેષાધિક છે, કેટલાંક મતિ અજ્ઞાન અવિષયીકૃત ભાવોને વિષયીકરણથી. - X - તેનાથી કેવલજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. કેમકે સર્વકાળ ભાવિ સમસ્ત દ્રવ્યપર્યાયોના અનન્ય સાધારણને જાણે છે (માટે અનંતગુણ કહ્યા છે.)

Linked texts (1)