Viyahapannatti 599
Viyāhapannatti: ṭīkānusārī vivecana 599
- Language
- Gujarati
599
‘ભગવતી’ સૂત્ર-૪૦૭ :– [૮/૬/૪૦૭]
ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણાર્થે પ્રવેશેલ નિર્ગ્રન્થ વડે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થયું હોય, તેને એમ થાય કે – હું અહીં જ પહેલાં આ સ્થાનને આલોચું, પ્રતિક્રમું, નિંદુ, ગર્હુ, છેદું, વિશોધુ, અકૃત્ય ન કરવા અભ્યુદ્યત થાઉં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત, તપોકર્મ સ્વીકારું, ત્યારપછી સ્થવિરો પાસે આલોચીશ યાવત્ તપકર્મ સ્વીકારીશ. (એમ વિચારી) તે જવાને રવાના થાય, સ્થવિર પાસે પહોંચતા પહેલા તે સ્થવિર ‘મૂક’ થઈ જાય, તો તે નિર્ગ્રન્થ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે.
તે નિર્ગ્રન્થ નીકળે, પહોંચ્યા પહેલા, તે પોતે જ ‘મૂક’ થઈ જાય, તો ભગવન્! તે આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિર્ગ્રન્થ, નીકળે, તે પોતે પહોંચે તે પહેલાં સ્થવિર કાળ કરી જાય, તો ભગવન્! તે નિર્ગ્રન્થ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે વિરાધક નથી.
ઉક્ત નિર્ગ્રન્થ, આલોચનાર્થે નીકળે, ત્યાં પહોંચતા પહેલાં તે પોતે કાળ કરી જાય તો આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિર્ગ્રન્થ નીકળે, પહોંચી જાય, પછી સ્થવિર મુંગા થઈ જાય તો, તે નિર્ગ્રન્થ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિર્ગ્રન્થ નીકળે, પહોંચ્યા પછી પોતે જ મુંગો થઈ જાય, ઈત્યાદિ ચાર આલાવા ‘અસંપ્રાપ્ત’ની જેમ અહીં પણ કહેવા.
બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ માટે નીકળેલ નિર્ગ્રન્થ વડે કોઈ અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય, તેને એમ થાય કે પહેલાનું જાતે જ આ સ્થાન આલોચું ઈત્યાદિ આઠ આલાવા પૂર્વવત્ કહેવા.
ગ્રામાનુગ્રામ વિચરતા નિર્ગ્રન્થ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જાય, તેને એમ થાય કે હું અહીં જ તે સ્થાનને આલોચું ઈત્યાદિ પૂર્વવત્, તેના આઠ આલાવા યાવત્ વિરાધક નથી, સુધી કહેવા.
ગૃહસ્થના કુળમાં આહાર ગ્રહણને માટે પ્રવેશેલ કોઈ સાધ્વી કોઈ અકૃત્ય સ્થાન સેવે, તેણીને એમ થાય કે હું અહીં જ આ સ્થાનને આલોચું યાવત્ તપકર્મ અંગીકાર કરું, પછી પ્રવર્તિની પાસે આલોચીશ યાવત્ સ્વીકારીશ, તે નીકળે, પહોંચે તે પહેલા પ્રવર્તિની મુંગા થઈ જાય, તો હે ભગવન્! તેણી આરાધક કે વિરાધક? ગૌતમ! આરાધક છે. તેણી નીકળે, ઈત્યાદિ નિર્ગ્રન્થમાં કહ્યું તેમ બીજા ત્રણ આલાવા સાધ્વી સંબંધે પણ કહેવા. યાવત્ તેણી આરાધક છે, વિરાધક નથી.
ભગવન્! એમ કેમ કહો છો કે – આરાધક છે, વિરાધક નહીં? ગૌતમ! જેમ કોઈ પુરુષ, એક મોટા ઘેટા-હાથી-સણ કે કપાસના રોમ કે ઘાસના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત ટુકડા કરીને અગ્નિકાયમાં નાંખે, તો હે ગૌતમ! તે ટુકડા છેદાતા છેદ્યા, ફેંકાતા ફેંક્યા, બળતા બળ્યા એમ કહેવાય? હા, ભગવન્! તેમ કહેવાય.
જો કોઈ પુરુષ નવા કે ધોયેલા કે તંતુગત વસ્ત્રને મજીઠના પાત્રમાં નાંખે તો હે ગૌતમ! તે વસ્ત્રને ઉઠાવતો હોય ત્યારે ઉઠાવ્યું, નાંખતા નાંખ્યુ, રંગાતા રંગ્યુ એમ કહેવાય? હા, ભગવન્! કહેવાય. તે પ્રમાણે હે ગૌતમ! એમ કહ્યું કે – તે આરાધક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit