Pramāṇa · Search · About · API

Viyahapannatti 61

Viyāhapannatti: ṭīkānusārī vivecana 61

Language
Gujarati

61

વિવેચન :–૩૫, ૩૬
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – ભૂતકાળે કર્યુ? હા. કર્યા છે. જો નથી કર્યા કહો તો અનાદિ સંસારનો અભાવ થાય. એ રીતે હાલ કરે છે, ભવિષ્યકાળમાં કરશે. કરેલ કર્મનો ચયાદિ થાય, તે કહે છે –
‘ચય’ આદિ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પ્રદેશ અને અનુભાગનું વધવું તે ચય. તેનું પુનઃ પુનઃ વધવું તે ઉપચય. બીજા કહે છે. માત્ર કર્મ પુદ્ગલોનું ગ્રહણ તે ચય. અબાધાકાળ સિવાયના કાળે ગ્રહેલ કર્મોને વેદવા માટેનું નિષેચન તે ઉપચય. નિષેક આ રીતે –
પ્રથમ સ્થિતિમાં બહુતર કર્મદલિકને નિષેચે છે. પછી બીજી સ્થિતિમાં વિશેષહીન, એ પ્રમાણે યાવત્‌ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેચે છે. - X - ‘ઉદીરણ’ - અનુદિતને કરણ વિશેષથી ઉદયમાં લાવવું.. વેદન - અનુભવવું. નિર્જરણ - જીવ પ્રદેશોથી કર્મ પ્રદેશોનું ખરી જવું... અહીં સૂત્ર સંબંધી સંગ્રહ ગાથા છે –
ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - કૃત્‌, ચિત, ઉપચિત એ ત્રણેમાં ચાર જાતનો કાળ કહેવો. તેમાં સામાન્ય ક્રિયા કાળ અને ત્રણે ક્રિયાનો કાળ જુદો જુદો કહ્યો છે. ઉદિરિત, વેદિત, નિર્જીર્ણ એ ત્રણેમાં સામાન્ય ક્રિયા કાળ રહિત ત્રણ ભેદવાળો કાળ કહ્યો છે.
[શંકા] આદ્યના ત્રણ સૂત્રોમાં ક્રિયાસૂચક કૃત્‌, ચિત અને ઉપચિત ત્રણ પદો કહ્યા. પાછળના સૂત્રોમાં સામાન્ય ક્રિયા દર્શક ઉદીરિત, વેદિત, નિર્જીર્ણ એ ત્રણ પદો કેમ ન કહ્યા? [સમાધાન] કૃત, ચિત, ઉપચિત ત્રણે કર્મ, લાંબો કાળ રહે છે, માટે સામાન્ય ક્રિયા કાળનો પણ સમાવેશ કર્યો છે. ઉદિરણાદિનું અવસ્થાન લાંબો કાળ નથી માટે ત્યાં સામાન્ય કાળ ન દર્શાવતા ત્રણ કાળની ક્રિયા કહી.
જીવો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે તેમ કહ્યું, તેના કારણો –

Linked texts (1)