Viyahapannatti 620
Viyāhapannatti: ṭīkānusārī vivecana 620
- Language
- Gujarati
620
‘ભગવતી’ સૂત્ર-૪૨૪ :– [૮/૯/૪૨૪]
તે પ્રયોગબંધ શું છે? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ – અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિત છે, તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદિ૦ છે. તેમાં જે સાદિ અપર્યવસિત છે તે સિદ્ધોને હોય છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે ચાર ભેદે છે, તે આ – આલાપન બંધ, અલ્લિકાપન બંધ, શરીરબંધ, શરીર પ્રયોગ બંધ.
તે આલાપન બંધ શું છે? જે તૃણનો, કાષ્ઠનો, પાંદડાનો, પલાલનો, વેલનો ભાર છે તેને વેલલતા, છાલ, વસ્ત્રા, રજ્જુ, વેલ, કુશ અને ડાભ આદિથી બાંધવાથી આલાપનબંધ સમુત્પન્ન થાય છે. આ બંધ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યેયકાળ સુધી રહે છે.
તે આલીનબંધ શું છે? આલીન બંધ ચાર ભેદે છે. તે આ – શ્લેષણા બંધ, ઉચ્ચય બંધ, સમુચ્ચય બંધ અને સંહનન બંધ.
તે શ્લેષણા બંધ શું છે? જે ભીંતોનો, કુટ્ટિઓનો, સ્તંભોનો, પ્રાસાદોનો, કાષ્ઠોનો, ચર્મોનો, ઘડોનો, વસ્ત્રોનો, ચટાઈઓનો ચૂડા, કાદવ શ્લેષ, લાખ, મીણ આદિ શ્લેષણ દ્રવ્યોથી બંધ સંપન્ન થાય છે તે શ્લેષણા બંધ. જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ.
તે ઉચ્ચ બંધ શું છે? જે તૃણ, કાષ્ઠ, પત્ર, તુસ, ભુસા, છાણ કે કચરાનો ઢગલો, તેનો ઉંચા ઢગલારૂપથી જે બંધ સંપન્ન થાય તે. જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે.
તે સમુચ્ચય બંધ શું છે? જે કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીર્ઘિકા, ગુંજાલિકા, સર, સરપંક્તિ, સરસર પંક્તિ, બિલ પંક્તિ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઈ, પરિખા, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણસ્થાન, લયન, આપણ, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ આદિના ચૂના, કાદવ શ્લષ સમુચ્ચયથી જે બંધ, તે સમુચ્ચયબંધ છે. જે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળનો છે. તે સમુચ્ચયબંધ છે.
તે સંહનન બંધ શું છે? સંહનન બંધ બે ભેદે કહ્યો છે - દેશ સંહનન બંધ, સર્વ સંહનન બંધ. તે દેશ સંહનન બંધ શું છે? જે શકટ, રથ, યાન, યુગ્ય, ત્રિલ્લિ, થિલ્લિ, સીય, સ્પંદમાનીય, લોઢી, લોઢીની કડાઈ, કડછો, આસન, શયન, સ્તંભ, ભાંડ-માત્ર ઉપકરણાદિ વડે દેશ સંહનન બંધ ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ હોય છે. તે આ દેશ સંહનન બંધ છે.
તે સર્વ સંહનન બંધ શું છે? તે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જવું તે. તે સર્વ સંહનન બંધ કહ્યો, તે આલીન બંધ કહ્યો.
તે શરીરબંધ શું છે? શરીર બંધ બે ભેદે છે. તે આ – પૂર્વ પ્રયોગ પ્રત્યયિક, પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક. તે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શું છે? જે કારણે સમુદ્ઘાત કરતા નૈરયિક જીવ અને સંસારસ્થ સર્વે જીવોને ત્યાં ત્યાં જીવ પ્રદેશોનો જે બંધ સંપન્ન થાય છે, તે પૂર્વપ્રયોગ પ્રત્યયિક બંધ કહેવાય છે. આ છે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ.
તે પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યય શું છે? જે કેવલી સમુદ્ઘાત દ્વારા સમુદ્ઘાત કરતા અને તેનાથી પ્રતિનિવૃત્ત થતા વચ્ચેના માર્ગે રહેલ કેવલજ્ઞાની અણગારના તૈજસ અને કાર્મણ શરીરનો જે બંધ સંપન્ન થાય છે, તેને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કહે છે. તે સમયે પ્રદેશ એકત્રીકૃત્ થાય છે, જેનાથી બંધ થાય છે. આ છે શરીરબંધ.
તે શરીર પ્રયોગબંધ શું છે? શરીરપ્રયોગબંધ પાંચ ભેદે કહ્યો છે. તે આ – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ-શરીર પ્રયોગ બંધ. - - ભગવન્! ઔદારિક શરીરપ્રયોગ બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – એકેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગ બંધ યાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.
ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! પાંચ ભેદે કહ્યો છે. તે આ – પૃથ્વીકાયિક એકેન્દ્રિય૦ એ પ્રમાણે આ અભિલાપ વડે જેમ ‘અવગાહના સંસ્થાન’માં ઔદારિક શરીરના ભેદો કહ્યા, તેમ અહીં પણ કહેવા - યાવત્ - પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય૦ યાવત્ બંધ. (સુધી કહેવું.)
ભગવન્! ઔદારિક શરીર પ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? ગૌતમ! વીર્ય, સંયોગ, સદ્દ્રવ્યતા પ્રમાદને કારણે કર્મ, યોગ, ભવ, આયુને આશ્રીને ઔદારિક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીરપ્રયોગ બંધ થાય છે.
ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? પૂર્વવત્ જાણવું. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગબંધ પણ એ પ્રમાણે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકને જાણવા.
ભગવન્! પંચેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? એ જ પ્રમાણે જાણવું. - - ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય? ગૌતમ! વીર્ય, સંયોગ, સદ્દ્રવ્યતા તથા પ્રમાદના કારણે યાવત્ આયુની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીર-પ્રયોગ બંધ થાય છે.
ભગવન્! ઔદારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે. - - ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ એ દેશબંધ છે કે સર્વબંધ? પૂર્વવત્. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એમ જ યાવત્ મનુષ્ય પંચેન્દ્રિય શરીર પ્રયોગ બંધ? ગૌતમ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે.
ભગવન્! ઔદારિક શરીર પ્રયોગ બંધ કાલથી કેટલો હોય? ગૌતમ! સર્વ બંધ એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન પલ્યોપમકાળ. -ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમ! સર્વબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. -પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! સર્વબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. એ પ્રમાણે બધાંનો સર્વબંધ એક સમય, દેશબંધ, જેને વૈક્રિય શરીર નથી તેને ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન રહે છે, જેને વૈક્રિયશરીર છે, તેને દેશબંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન કહેવો. યાવત્ મનુષ્યનો દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સમયન્યૂન ત્રણ પલ્યોપમ.
ભગવન્! ઔદારિક શરીરના બંધનો અંતરકાળ કેટલો છે? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને સમયાધિક પૂર્વ કોડિ, દેશબંધ અંતર. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક ૩૩-સાગરોપમ છે. એકેન્દ્રિય ઔદારિક પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સમયાધિક ૨૨,૦૦૦ વર્ષ, દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ અંતર, એકેન્દ્રિયવત્ કહેવું. દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. જેમ પૃથ્વીકાયનું તેમ યાવત્ ચઉરિન્દ્રિયનું, વાયુકાયને વર્જીને કહેવું. વિશેષ આ – સર્વ બંધ અંતર ઉત્કૃષ્ટથી જેની જેવી સ્થિતિ, તે સમયાધિક કહેવી. વાયુકાયનું સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક ૩૦૦૦ વર્ષ, દેશબંધ અંતર, જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઔદારિક પૃચ્છા, સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોડી, દેશબંધ અંતર જેમ એકેન્દ્રિયનું છે, તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકનું કહ્યું, એ પ્રમાણે મનુષ્યનું પણ સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત છે. [ત્યાં સુધી કહેવું.]
ભગવન્! એકેન્દ્રિયત્વ જીવ નોએકેન્દ્રિયત્વમાં રહીને ફરી એકેન્દ્રિયત્વમાં આવે, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અંતર કાળથી કેટલું થાય? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ અને સંખ્યાત વર્ષાધિક. દેશબંધ અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષાધિક બે હજાર સાગરોપમ. ભગવન્! પૃથ્વીકાયિકત્વ સ્થિત જીવ નોપૃથ્વીકાયિકત્વમાં રહીને ફરી પૃથ્વીકાયિકત્વમાં આવે તો પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપ્રયોગ બંધ અંતર કાળથી કેટલું થાય?
ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગ છે. દેશબંધ અંતર જઘન્યથી સમય અધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ આવલિકાનો અસંખ્યાત ભાગ. પૃથ્વીકાયિકની માફક વનસ્પતિકાયિકને વર્જીને યાવત્ મનુષ્ય સુધી કહેવું. વનસ્પતિકાયનું ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ કાળ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક, એ રીતે દેશબંધ અંતર પણ ઉત્કૃષ્ટથી પૃથ્વીકાળ છે.
ભગવન્! ઔદારિક શરીરના આ દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સર્વબંધક છે, અબંધક જીવ તેથી વિશેષાધિક છે, દેશબંધક જીવ તેનાથી અસંખ્યાતગુણા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit