Pramāṇa · Search · About · API

Viyahapannatti 654

Viyāhapannatti: ṭīkānusārī vivecana 654

Language
Gujarati

654

વિવેચન :–૪૪૪
‘દાહિણિલ્લ’ શબ્દ ઉત્તર તરફના દ્વીપોના વ્યવચ્છેદાર્થે છે. એ પ્રમાણે ‘જીવાભિગમાનુસાર’ તેમાં આ પ્રમાણે સૂત્ર છે - લઘુ હિમવંત વર્ષધર પર્વતનો ઉત્તર દિશાના ચરમાંતથી લવણસમુદ્ર ૩૦૦ યોજન અવગાહ્યા પછી તેની દક્ષિણ દિશામાં એકોરુક મનુષ્યોનો એકોરુક નામક દ્વીપ કહ્યો છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન છે અને પરિક્ષેપથી કિંચિત્‌ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન છે. તે એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. અહીં વેદિકા, વનખંડ, કલ્પવૃક્ષ, મનુષ્ય, માનુષીનું વર્ણન જાણવું. તે મનુષ્યોને ચતુર્થભક્તે આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ પૃથ્વી રસ, પુષ્પ, ફળના આહારી છે.
– તે પૃથ્વી રસથી ખાંડ આદિ સમાન છે. તે મનુષ્ય વૃક્ષના ઘરવાળા છે. કેમકે ત્યાં ઘરનો અભાવ છે. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના સંખ્યાત ભાગ પ્રમાણ છે. તેમનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે તે એક યુગલને જન્મ આપે છે. તેઓ આ સંતાન યુગલને ૮૧-દિવસ પાલન કરે છે. ઉચ્છ્‌વાસ મૂકતા આ મનુષ્યો મૃત્યુ પામી દેવરૂપે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પદાર્થો જણાવેલા છે.
વાચનાંતરે આ પ્રમાણે દેખાય છે – એ પ્રમાણે જીવાભિગમ અનુસાર ઉત્તરકુરુ વક્તવ્યતાથી જાણવું. ૮૦૦ ધનુષ્‌ની ઉંચાઈ, ૬૪ પીઠ કરંડક ઈત્યાદિ. તેનો અર્થ આ છે – ઉત્તરકુરુના મનુષ્યોની ઉંચાઈ ૩૦૦ ગાઉ કહી છે. અહીં ૮૦૦ ધનુષ્‌ છે. તથા તેના મનુષ્યોને ૨૫૬ પૃષ્ઠ કરંડક કહેલા છે, અહીં ૬૪ કહ્યા છે. તથા - ભગવન્‌! ઉત્તરકુરુમાં કેટલા પ્રકારના મનુષ્યો અનુસજ્જ છે? ગૌતમ! છ પ્રકારના મનુષ્યો છે. તે આ પ્રમાણે – પદ્મગંધા, મૃગગંધા, અમમા, તેતલી, સહા, શનૈશ્ચારી, આ પ્રમાણે મનુષ્યોની અનુસંજના ત્યાં કહી, અહીં તે નથી. કેમકે તથાવિધ મનુષ્યોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે અહીં ત્રણ વૈવિધ્ય સ્થાનો કહ્યા. જો કે અન્યાન્ય સ્થિતિ આદિ પણ છે. પરંતુ તે જાણીને ભાવવા. આ એકોરુક દ્વીપનો ત્રીજો ઉદ્દેશો છે.
હવે પ્રકૃત વાચનાને અનુસરીને કહે છે – જીવાભિગમના આ સૂત્રના અંત માટે આમ કહેવું. જાવ૦ ઈત્યાદિ. શુદ્ધદંત નામના ૨૮-માં અંતર્દ્વીપની વક્તવ્યતા સુધી કહેવું. તે ક્યાં સુધી કહેવી? તે કહે છે – ‘દેવલોક પરિગ્રહ’ સુધી. જેઓને દેવલોક પરિગ્રહ છે, તે. અર્થાત્‌ દેવગતિ ગામી. અહીં એક-એક અંતર્દ્વીપનો એક-એક ઉદ્દેશો છે. તેમાં એકોરુકદ્વીપ ઉદ્દેશક પછી આભાસિકદ્વીપ ઉદ્દેશક છે.
– તેમાં આ સૂત્ર છે - ભગવન્‌! દક્ષિણદિશાવર્ત આભાસિક મનુષ્યોનો આભાસિક નામક દ્વીપ ક્યાં આવેલો છે? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ-પૂર્વ દિશાવર્તી ચરમાંતથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન સુધી ગયા પછી, એની દક્ષિણ દિશાએ ‘આભાસિક’ નામનો દ્વીપ કહ્યો છે. બાકીનું વર્ણન એકોરુકદ્વીપ અનુસાર જાણવું. આ ચોથો ઉદ્દેશો કહ્યો.
એ પ્રમાણે વૈષાણિક દ્વીપ ઉદ્દેશો છે. વિશેષ એ કે તે દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી કહેવો. આ પાંચમો ઉદ્દેશો કહ્યો. આ પ્રમાણે લાંગૂલિક દ્વીપ-ઉદ્દેશો પણ છે. પણ તે પશ્ચિમ-ઉત્તર ચરમાંતથી છે. આ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો.
[આ રીતે ચાર દ્વીપ કહ્યા – એકોરુકથી લાંગૂલિક.]
[હવે પાંચથી આઠ કહે છે – હયકર્ણથી શષ્કુલિકર્ણ–] એ પ્રમાણે ‘હયકર્ણદ્વીપ’ ઉદ્દેશો. ‘એકોરુક’ની ઉત્તર-પૂર્વના ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો હયકર્ણદ્વીપ છે. આ સાતમો ઉદ્દેશો. - - એ પ્રમાણે ગજકર્ણદ્વીપ ઉદ્દેશો છે. વિશેષ આ - ગજકર્ણદ્વીપ આભાસિકદ્વીપના દક્ષિણ-પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી આવે છે. આ આઠમો ઉદ્દેશો છે. એ રીતે ગોકર્ણદ્વીપ પણ છે. તે વૈષાણિક દ્વીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી છે. આ નવમો ઉદ્દેશો છે. એ રીતે શષ્કુલીકર્ણદ્વીપ પણ છે. તે લાંગૂલિક દ્વીપની ઉત્તર પશ્ચિમ ચરમાંતથી છે. આ દશમો ઉદ્દેશો છે.
[હવે ઉદ્દેશા-૧૧-થી ૧૪-માં આદર્શમુખદ્વીપથી ગોમુખદ્વીપ બતાવે છે–] એ પ્રમાણે આદર્શમુખદ્વીપ, મેંઢ્રમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખ દ્વીપ હયકર્ણાદિથી ઈશાનાદિ ચારના ચરમાંતથી ૫૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી આવે છે. તે લંબાઈ અને પહોળાઈથી ૫૦૦ યોજન પ્રમાણ છે. તત્પ્રતિપાદક ચાર ઉદ્દેશા.
આ જ પ્રમાણે આદર્શમુખ આદિના ઈશાન ચરમાંતથી ૬૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈ વાળા ક્રમથી [૧૩ થી ૧૬ અંતર્દ્વીપ] અશ્વમુખ દ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાઘ્રમુખદ્વીપ છે. તે ૧૫ થી ૧૮ ઉદ્દેશામાં કહ્યા.
આ પ્રમાણે જ પૂર્વવત્‌ અશ્વમુખાદિથી ૭૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૭૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળા અશ્વકર્ણ, હસ્તિકર્ણ, કર્ણ પ્રાવરણ, પ્રાવરણ નામે [૧૭ થી ૨૦] ચાર અંતર્દ્વીપ છે. તેને [૧૯ થી ૨૨] ચાર ઉદ્દેશામાં કહેલ છે.
આ પ્રમાણે જ અશ્વકર્ણાદિથી પૂર્વવત્‌ ૮૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૮૦૦ યોજનની લંબાઈ-પહોળાઈવાળા ચાર અંતર્દ્વીપ [૨૧ થી ૨૪] ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુન્મુખ, વિદ્યુદ્દન્ત નામે છે. તે [૨૩ થી ૨૬] ચાર ઉદ્દેશામાં કહેલા છે.
આ પ્રમાણે જ ઉલ્કામુખ દ્વીપાદિથી પૂર્વવત્‌ ૯૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈથી ઘનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે [૨૫ થી ૨૮] ચાર અંતર્દ્વીપ છે. તે [૨૭ થી ૩૦] ચાર ઉદ્દેશામાં કહેવાયેલ છે.

Linked texts (1)