Viyahapannatti 698
Viyāhapannatti: ṭīkānusārī vivecana 698
- Language
- Gujarati
698
‘ભગવતી’ સૂત્ર-૪૬૪ :– [૯/૩૩/૪૬૪]
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને, તે જ ચાતુર્ઘંટ અશ્વરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરીને મહાન્ ભટ્ટ, ચડગર યાવત્ પરિવરીને જ્યાં ક્ષત્રિયકુંડ ગ્રામનગર છે, ત્યાં આવે છે. આવીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી જ્યાં પોતાનું ઘર છે. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે. ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. સ્થાપીને રથમાંથી ઉતરે છે, ઉતરીને જ્યાં અભ્યંતર ઉપસ્થાન શાળા છે, જ્યાં માતાપિતા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને માતા-પિતાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું –
નિશ્ચયથી હે માતા-પિતા! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ, પ્રતિષ્ટ, અભિરુચિકર લાગ્યો. ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના માતા-પિતા આમ બોલ્યા – હે પુત્ર! તને ધન્ય છે, તું કૃતાર્થ છે, તું કૃતપુન્ય છે, તું કૃતલક્ષણ છે, જે તેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઈષ્ટ, પ્રતિષ્ટ, રુચિકર લાગ્યો છે.
ત્યારે જમાલિ ક્ષત્રિયકુમાર, માતાપિતાને બીજી વખત પણ આમ કહ્યું કે – નિશ્ચયથી મેં ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, યાવત્ મને રુચેલ છે. તેથી હે માતાપિતા! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભયભીત થયો છું, તેથી હે માતા-પિતા! હું તમારી અનુજ્ઞા પામીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા, તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ વાણી સાંભળી, સમજીને, રોમ-કૂપથી વહેતા પસીનાથી તેણીનું શરીર ભીંજાઈ ગયું, શોકના ભારથી તેણીના અંગે અંગ કાંપવા લાગ્યા, નિસ્તેજ, દીન-વિમનસ્ક વચના, હથેળીથી મસળેલ કમળ માળાની જેમ તેનું શરીર મુરઝાઈ ગયું. દુર્બળ થઈ ગયું, તેણી લાવણ્ય શૂન્ય, કાંતિરહિત, શોભાહીન થઈ ગઈ. આભૂષણ ઢીલા થઈ ગયા, હાથની શ્વેત ચૂડીઓ નીચે પડી ભાંગી ગઈ, ઉત્તરીય વસ્ત્ર શરીરથી હટી ગયું. મૂર્ચ્છાવશ તેણીની ચેતના નાશ પામી. તેણીનો સુકોમળ કેશરાશિ વિખરાઈ ગયો, કુહાડીથી છેદેલ ચંપકલતા માફક અને મહોત્સવ પૂરો થયા પછીના ઈન્દ્રદંડની માફક શોભાહીન થઈ. તેણીના સંધિબંધન ઢીલા થઈ ગયા, ધસ કરતી સર્વાંગસહિત પડી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા સંભ્રતપૂર્વક અહીં-તહીં પડતી એવી માતા ઉપર દાસીઓએ જલ્દ સ્વર્ણકળશના મુખથી નીકળતી શીતળ, નિર્મલ જલધારા સિંચીને શરીરને સ્વસ્થ કર્યુ. પછી પંખા અને તાલપત્રના બનેલા પંખાથી જલકણ સહિત હવા નાંખી પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આશ્વસ્ત કરી. તેણી રોતી-ક્રંદન કરતી - શોક કરતી - વિલાપ કરતી જમાલી ક્ષત્રિયકુમારને આમ બોલી –
હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, આધારભૂત, વિશ્વાસ્ય, સંમત, બહુમત, અનુમત, આભુષણોના પટારા સમાન, રત્ન, રત્નભૂત, જીવિત સમાન, હૃદયને આનંદ દેનાર, ઉંબરના પુષ્પ સમાન, (તારું નામ શ્રવણ) પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવાનું?
તેથી હે પુત્ર! અમે તારો ક્ષણમાત્ર વિયોગ પણ ઈચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી તું અહીં જ રહે. ત્યારપછી અમારા મૃત્યુ બાદ, પરિપક્વ વયે, કુલવંશ કાર્યની વૃદ્ધિ થયા પછી, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા લેજે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા! હમણાં જે તમે કહ્યું કે – હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ છે યાવત્ દીક્ષા લેજે. પણ હે માતાપિતા! આ મનુષ્યભવ, અનેક જાતિ-જરા-મરણ-રોગ-શારીરિક માનસિક અનેક દુઃખોની વેદના, સેંકડો ઉપદ્રવોથી વ્યાપ્ત છે. અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સંધ્યાના રંગ સદૃશ, પાણીના કણીયા સમાન, તૃણના અગ્રભાગે રહેલા જળબિંદુ સમાન, સ્વપ્ન દર્શનની ઉપમાવાળું, વિદ્યુત્ લતા જેમ ચંચળ, અનિત્ય, સડણ-પડણ-વિધ્વંસણ ધર્મા, પૂર્વે કે પછી તેને અવશ્ય છોડવું પડશે. વળી હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલાં કોણ જશે, પછી કોણ જશે? તેથી હે માતાપિતા! હું આપની અનુજ્ઞા પામીને ભગવંત મહાવીર પાસે યાવત્ દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ કહ્યું – હે પુત્ર! તારું શરીર વિશિષ્ટ રૂપ, લક્ષણ, વ્યંજન, ગુણથી યુક્ત છે. ઉત્તમ બળ, વીર્ય, સત્વ યુક્ત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ, સૌભાગ્ય ગુણથી ઉન્નત્ત, કુલીન, મહાસમર્થ, વિવિધ વ્યાધિરોગ રહિત, નિરુપહત ઉદાત્ત, લષ્ટ, પંચેન્દ્રિય પટુ, પ્રથમ યૌવનસ્થ, અનેક ઉત્તમ ગુણથી સંયુક્ત છે. તેથી હે પુત્ર! જ્યાં સુધી તું તેને અનુભવ. પછી અમારા મૃત્યુ બાદ, તું પરીપક્વ થઈને, કુલવંશની વૃદ્ધિ કરીને, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા સ્વીકાર.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું – હે માતાપિતા! તમે જે મને એમ કહો છો કે – હે પુત્ર! તારું આ શરીર ઉત્તમ છે યાવત્ પ્રવ્રજ્યા લેજે. નિશ્ચયથી હે માતાપિતા! મનુષ્યનું શરીર દુઃખના આયતનરૂપ, વિવિધ સેંકડો વ્યાધિના નિકેતરૂપ, અસ્થિ રૂપ કાષ્ઠ ઉપર રહેલ છે, નાડી-સ્નાયુના જાળથી વેષ્ટિત છે, માટીના વાસણ જેવું દુર્બળ છે, અશુચિથી સંક્લિષ્ટ છે, તેને ટકાવી રાખવા, હંમેશાં તેની સંભાળ રાખવી પડે છે. આ સડેલા મડદાની સમાન, જીર્ણ ઘર સરખું છે, સડવું-પડવું-ગળવું તે તેનો સ્વભાવ છે. પહેલા કે પછી અવશ્ય છોડવાનું છે. હે માતાપિતા! કોણ જાણે છે કે પહેલા કોણ જવાનું અને પછી કોણ જવાનું છે? યાવત્ હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારને માતાપિતાએ આમ કહ્યું – હે પુત્ર! આ તારી ગુણ વલ્લભા, નિત્ય તારામાં ભાવાનુરક્ત, સર્વાંગસુંદરી આઠ પત્નીઓ છે, જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવયૌવન, સદૃશ ત્વચા-વય-લાવણ્ય-રૂપ-યૌવન-ગુણોથી યુક્ત છે. ઉત્તમ સદૃશ કુળમાંથી આણેલી છે. કળા-કુશળ-સર્વકાળ લાલિત્ય સુખ ઉચિત, માર્દવગુણયુક્ત, નિપુણ, વિનય-ઉપચારમાં કુશળ, વિલક્ષણ છે. મંજુલ-મિત-રમણીય-વિપ્રેક્ષિત ગતિ-વિશાળ ચેષ્ટા વિશારદ છે. નિર્દોષ કુળ, શીલથી શોભિત છે, વિશુદ્ધ કુળ-વંશ-સંતાન તંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે, મનોનુકૂલ અને હૃદયને ઈષ્ટ છે. હે પુત્ર! તું તેને ભોગવ. આમની સાથે વિપુલ માનુષ્ય કામભોગ ભોગવી, પછી ભુકત ભોગી થઈ, વિષય-વિકારમાં તારું કુતૂહલ સમાપ્ત થઈ જાય, અમે મૃત્યુ પામીએ પછી યાવત્ દીક્ષા સ્વીકાર.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું કે – હે માતાપિતા! તમે જે મને એમ કહો છો કે આ તારી પત્નીઓ વિપુલ કુલની છે યાવત્ પછી દીક્ષા લે. હે માતા-પિતા! આ માનુષી કામભોગો અશુચિ, અશાશ્વત, વમન-પિત્ત-કફ-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, મળ-મૂત્ર-નાકનો મેલ-વમન-પિત્ત-શુક્ર-શોણિત યુક્ત છે. અમનોજ્ઞ, દુરૂપ, મૂત્ર-મળ આદિથી પૂર્ણ, મૃતક સમાન ગંધવાળા ઉચ્છ્વાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉદ્વેગજનક, બીભત્સ, અલ્પકાલિક, તુચ્છ સ્વભાવી, કલમલના સ્થાનરૂપ, દુઃખરૂપ, બહુજન સાધારણ, પરિક્લેશ યુક્ત દુઃખ સંજ્ઞા, અજ્ઞાની લોકો દ્વારા સેવિત, સદા સાધુઓ દ્વારા નિંદ્ય, અનંત સંસાર વર્ધક, કટુ ફળ વિપાક દેનાર, આગ સમાન, ન મૂકી શકાય તેવું અને દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિઘ્નરૂપ છે. હે માતાપિતા! કોણ જાણે છે કે કોણ પહેલા જશે અને કોણ પછી જશે? તેથી હે માતા-પિતા! યાવત્ હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારને માતા-પિતાએ આમ કહ્યું – હે પુત્ર! તારા પિતા, દાદા, દાદામહથી પ્રાપ્ત ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન કનક યાવત્ સારરૂપ દ્રવ્ય છે. આટલું દ્રવ્ય યાવત્ સાત પેઢી સુધી પ્રચૂરપણે દેતા-ભોગવતા-ભાગ કરતા પણ ખતમ થાય તેમ નથી. હે પુત્ર! વિપુલ માનુષ્ય ઋદ્ધિ સત્કાર સમુદયને અનુભવીને પછી કલ્યાણ પામીને, કુલતંતુની વૃદ્ધિ કરીને યાવત્ દીક્ષા સ્વીકાર.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતાપિતાને આમ કહ્યું – હે માતા-પિતા! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર! આ પિતા, દાદા આદિની (સંપત્તિ ભોગવી) યાવત્ દીક્ષા લે. હે માતાપિતા! આ હિરણ્ય, સુવર્ણ યાવત્ દ્રવ્ય, અગ્નિ-ચોર-રાજા-મૃત્યુ-દાયાદ-અગ્નિ આદિને સ્વાધીન છે, વળી તે અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. કોણ જાણે છે કે પહેલા કોણ જશે? યાવત્ દીક્ષા લેવી છે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતા જ્યારે વિષયને અનુકૂળ ઘણી વિજ્ઞપ્તિ, પ્રજ્ઞપ્તિ, સંજ્ઞપ્તિ, વિનવણી વડે કહેવા, બતાડવા, સમજાવવા કે વિનવવામાં સફળ ન થયા, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ પ્રતિ ભય, ઉદ્વેગજનક પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતા આ પ્રમાણે કહ્યું –
હે પુત્ર! નિશ્ચયથી નિર્ગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, સંપૂર્ણ જેમ આવશ્યકમાં કહ્યું છે તેમ યાવત્ સર્વ દુઃખાંતકર છે. પણ તે સર્પની માફક એકાંતદૃષ્ટિ, અસ્ત્રા જેવું એકધારવાળું, લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળીયા જેવું સ્વાદરહિત, ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં ગમન કરવા જેવું, મહાસમુદ્રને ભૂજાથી તરવા સમાન, તિક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવું, મહાશીલા ઉપાડવા જેવું, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! વળી નિર્ગ્રન્થ શ્રમણોને આટલી બાબત અકલ્પ્ય છે –
આધાકર્મિક, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિક, ક્રીત, પ્રામીત્ય, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અભ્યા-હૃત, કાંતારભક્ત, દુર્ભિક્ષ-ભક્ત, ગ્લાનભક્ત, વર્દલિકાભક્ત, પ્રાધુર્ણકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂળ-ભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન, ખાવું કે પીવું કલ્પતું નથી. હે પુત્ર! તું સુખ સમુચિત છે, દુઃખ સમુચિત નથી.
તું શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ચોર, વ્યાલ, દંસ, મસગ, વાત-પિત્ત-કફ-સંનિપાત, વિવિધ રોગાંતક રૂપ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગ સહન કરવાને સમર્થ નથી, તેથી હે પુત્ર! અમે ઈચ્છતા નથી કે તારો વિયોગ ક્ષણને માટે પણ થાય, માટે હે પુત્ર! યાવત્ અમે જીવીએ છીએ ત્યાં સુધી તું ઘેર રહે. પછીથી યાવત્ તું પ્રવ્રજ્યા લેજે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતાપિતાને આમ કહ્યું – હે માતા-પિતા! તમે જે મને એમ કહ્યું કે હે પુત્ર! નિર્ગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર છે યાવત્ પછી દીક્ષા લેજે. પરંતુ હે માતાપિતા! નિર્ગ્રન્થ પ્રવચન, કલીબ-કાયર-કાપુરુષ-આલોક પ્રતિબદ્ધ-પરલોકથી પરાંગમુખ વિષય તૃષ્ણાવાળા સાધારણ લોકોને માટે આચરવું દુષ્કર છે. પરંતુ ધીર, કૃતનિશ્ચયી, ઉપાયમાં પ્રવૃત્તને ખરેખર આમાંનું કંઈપણ કરવું દુષ્કર નથી. તેથી હે માતા-પિતા! હું આપની આજ્ઞાથી શ્રમણ ભગવંત મહાવીરની પાસે યાવત્ દીક્ષા લેવાને ઈચ્છું છું.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતા જ્યારે તેને વિષય અનુકૂળ કે વિષય પ્રતિકૂળ એવી ઘણી કથના, પ્રજ્ઞાપનાદિથી સમજાવવા યાવત્ વિનવણીમાં સફળ ન થયા, ત્યારે અનિચ્છાએ જમાલી ક્ષત્રિયકુમારને દીક્ષા માટે અનુમતી આપી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit