Pramāṇa · Search · About · API

Viyahapannatti 700

Viyāhapannatti: ṭīkānusārī vivecana 700

Language
Gujarati

700

‘ભગવતી’ સૂત્ર-૪૬૫ :– [૯/૩૩/૪૬૫]
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી ક્ષત્રિય કુંડગ્રામ નગરને અંદર અને બહારથી સિંચિત્‌, સંમાર્જિત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાઈ સૂત્ર મુજબ યાવત્‌ પાછી સોંપી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી જમાલી ક્ષત્રિયકુમારના મહાર્થ, મહાર્ઘ, મહાર્હ વિપુલ એવા નિષ્ક્રમણ અભિષેકની તૈયારી કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કર્યુ યાવત્‌ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તે જમાલીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ કરી બેસાડ્યો, બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશ ઈત્યાદિ જેમ રાયપ્પસેણઈયમાં છે તે મુજબ યાવત્‌ ૧૦૮ માટીના કળશોમાં સર્વ ઋદ્ધિ સાથે યાવત્‌ મહા શબ્દ સાથે નિષ્ક્રમણાભિષેક વડે અભિસિંચિત કર્યો, કરીને બે હાથ જોડી યાવત્‌ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! શું આપીએ? શું સહયોગ દઈએ? તમારે શાનું પ્રયોજન છે?
ત્યારે તે જમાલીક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા! હું કૃત્રિકાપણાથી રજોહરણ અને પાત્ર મંગાવવા ઈચ્છું છું, તથા કાશ્યપ (વાણંદ)ને બોલાવવા ઈચ્છું છું.
ત્યારે જમાલીના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલ્દીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવીને, બે લાખ મુદ્રા વડે કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્ર લાવો તથા એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવી લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોને જમાલીના પિતાએ આ પ્રમાણે કહેતા તેઓ હર્ષિત, સંતુષ્ટ થયા. બે હાથ જોડી યાવત્‌ વચન સ્વીકારીને જલ્દીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવી યાવત્‌ વાણંદને બોલાવ્યો.
ત્યારે તે વાણંદ, જમાલીના પિતાના કૌટુંબિક પુરુષોએ બોલાવતા હર્ષિત, સંતુષ્ટ થઈને સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ યાવત્‌ શરીરને અલંકારીને જ્યાં જમાલીના પિતા હતા, ત્યાં આવ્યો, આવીને, બે હાથ જોડી જમાલીના પિતાને જય-વિજય વડે વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! જે મારે કરવા યોગ્ય છે, તેનો આદેશ આપો. ત્યારે જમાલીના પિતાએ તે વાણંદને આમ કહ્યું –
હે દેવાનુપ્રિય! જમાલી ક્ષત્રિયકુમારના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને અતિ પ્રયત્નપૂર્વક કાપી દે.
ત્યારે તે વાણંદ, જમાલી ક્ષત્રિયકુમારના પિતા પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને યાવત્‌ બોલ્યો – હે સ્વામી! આપની આજ્ઞા શીરોધાર્ય છે. તેમના આજ્ઞા વચન વિનયપૂર્વક સ્વીકારીને સુગંધી ગંધોદક વડે હાથ-પગ ધોયા, પછી આઠ પડવાળા શુદ્ધવસ્ત્રથી મુખબાંધ્યુ, મુખ બાંધીને જમાલીક્ષત્રિયકુમારના નિષ્ક્રમણયોગ્ય અગ્રકેશ અતિપ્રયત્નપૂર્વક ચારઅંગુલ છોડીને કાપ્યા.
ત્યારે તે જમાલીની માતાએ હંસલક્ષણ પટશાટકમાં તે અગ્રકેશને ગ્રહણ કર્યા, કરીને સુગંધી ગંધોદક વડે ધોયા. ધોઈને પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ અને માળા દ્વારા તેની પૂજા કરી. કરીને શુદ્ધ વસ્ત્ર વડે બાંધ્યા, બાંધીને રત્નકરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલીની માતા હાર, જલધારા, સિંદુવારના પુષ્પો અને ટૂટેલા મોતીની માળા સમાન, પુત્રના દુઃસહ વિયોગને કારણે આંસુ વહાવતી એવી આ પ્રમાણે કહે છે – આ (વાળ) અમારા માટે ઘણી તિથિઓ, પર્વો, ઉત્સવો, યજ્ઞો અને ક્ષણોમાં અંતિમ દર્શન રૂપ થશે. એમ વિચારીને તે વાળને પોતાના ઓશીકાની નીચે મૂક્યા.
ત્યારપછી તે જમાલીના માતા-પિતા બીજી વખત ઉત્તર દિશાભિમુખ સિંહાસન રખાવ્યુ, રખાવીને બીજી વખત જમાલી ક્ષત્રિય-કુમારને શ્વેત-પિત (ચાંદી-સોના)ના કળશોથી સ્નાન કરાવ્યુ, કરાવીને પદ્મ જેવા સુકોમળ સુગંધી કાષાયિક વસ્ત્રથી જમાલીના શરીરને લૂછ્યુ, લૂછીને સરસ ગોશીર્ષ ચંદન વડે શરીરને અનુલેપન કર્યુ, કરીને, નાકના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય તેવા બારીક, નયનરમ્ય, વર્ણ અને સ્પર્શથી યુક્ત, ઘોડાની લાળથી પણ કોમળ, શ્વેત, સોનાના તારથી જોડેલ, મહાર્હ, હંસલક્ષણ પટશાટક પહેરાવ્યુ. પહેરાવીને હાર અને અર્ધહાર પહેરાવ્યો. એ પ્રમાણે જેમ સૂર્યાભના અલંકારોનું વર્ણન છે, તેવું અહીં પણ જાણવું યાવત્‌ વિચિત્ર રત્નોથી જડીત મુગટ પહેરાવ્યો. કેટલું વર્ણન કરીએ? ગ્રંથિમ-વેષ્ટિમ-પૂરિમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓથી કલ્પવૃક્ષ સમાન તે જમાલી અલંકૃત્‌ અને વિભૂષિત કરાયો.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી, અનેકશત સ્તંભ વડે રચાયેલ, લીલા કરતી શાલભંજિકાથી યુક્ત ઈત્યાદિ જેમ રાયપ્પસેણઈયમાં વિમાનનું વર્ણન યાવત્‌ મણિરત્ન ઘંટિકાજાલથી ઘેરાયેલી, હજાર પુરુષો વડે વહન કરાતી શીબીકાને ઉપસ્થાપિત કરો, કરીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવત્‌ તેમ કર્યુ.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર કેશ-અલંકારથી, વસ્ત્રાલંકારથી, માલ્યાલંકાર અને આભરણાલંકારથી એમ ચતુર્વિધ અલંકારથી અલંકૃત કરાયેલા, પ્રતીપૂર્ણાલંકારથી સિંહાસનથી ઉભા થયા, થઈને શીબીકાને અનુ-પ્રદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે જમાલી ક્ષત્રિય-કુમારની માતાએ સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ, યાવત્‌ શરીરે હંસલક્ષણ પટશાટક ધારણ કરીને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થઈ, થઈને જમાલીની જમણી બાજુ ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની ધાવમાતા સ્નાન કરીને યાવત્‌ અલંકૃત્‌ શરીરને રજોહરણ, પાત્ર લઈને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકા ઉપર આરૂઢ થઈ, આરૂઢ થઈને જમાલીના ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી–
– ત્યારપછી જમાલીના પાછળના ભાગે શૃંગારના ઘર સમાન, સુંદર વેષવાળી, સુંદર ગતિવાળી યાવત્‌ રૂપ-યૌવન-વિલાસ યુક્ત, સુંદર સ્તન, જઘન આદિ યુક્ત હિમ, રજત, કુમુદ, કુંદપુષ્પ અને ચંદ્રમા સમાન, કોરંટક પુષ્પની માળાથી યુક્ત, શ્વેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઉભી. ત્યારે તે જમાલીના બંને પડખે બે સુંદર તરુણીઓ શૃંગારના ગૃહ સમાન, સુંદર યાવત્‌ યૌવનયુક્ત હતી, તે વિવિધ મણિકનક-રત્ન, વિમલ મહાર્હ સુવર્ણના ઉજ્જવલ વિચિત્ર દંડવાળા ચમચમતા અને શંખ-અંક-કુંદ-ચંદ્ર-જલબિંદુ-મથિત અમૃતના ફીણ સમાન શ્વેત ચામર લઈને લીલા સહિત વીંઝતી-વીંઝતી ઉભી રહી –
– ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારની ઈશાન દિશામાં એક સુંદર તરુણી શૃંગારગૃહ સમાન યાવત્‌ યૌવનયુક્ત, પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મહામુખના આકાર સમાન શ્વેત રજતનિર્મિત કળશને હાથમાં લઈને ઉભી. ત્યારપછી તે જમાલીની અગ્નિ દિશામાં એક સુંદર તરુણી શૃંગારના ઘર સમાન યાવત્‌ યૌવનથી યુક્ત હતી, તે વિચિત્ર સુવર્ણ દંડવાળા વીંઝણને લઈને ઉભી રહી.
– ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો! સમાનવય-સમાનત્વચા-સમાન દેખાવ-સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોથી યુક્ત એવા, એક સમાન આભરણ-વસ્ત્ર-પરિકર ધારણ કરેલા ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવત્‌ તે સ્વીકારીને જલ્દીથી એકસરખા દેખાતા, સમાન ત્વચાવાળા યાવત્‌ તરુણોને બોલાવ્યા.
જમાલી ક્ષત્રિયકુમારના પિતાના આદેશથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ (૧૦૦૦ તરુણો) હર્ષિત, તુષ્ટિત થયેલા, સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને એક સમાન આભરણ, વસ્ત્ર, પરિકર યુક્ત થઈને જ્યાં જમાલી ક્ષત્રિયકુમારના પિતા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્‌ વધાવીને આ પ્રમાણે બોલ્યા – હે દેવાનુપ્રિયો! આજ્ઞા આપો કે જે અમારે કરવા યોગ્ય હોય.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક સુંદર તરુણ હજાર પુરુષોને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્‌ નિયોગને ગ્રહણ કરીને જમાલી ક્ષત્રિયકુમારની શિબિકાનું પરિવહન કરો.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની સહસ્રપુરુષવાહિની શિબિકાને વહન કરે છે. ત્યારે તે જમાલી ક્ષત્રિય-કુમારની સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થયા ત્યારે તે શિબિકાની આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલો અનુક્રમથી ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દ્યાવર્ત્ત, વર્ધમાનક, ભદ્રાસન યાવત્‌ દર્પણ. ત્યારપછી પૂર્ણ કળશ-ભૃંગાર ચાલ્યો, ઈત્યાદિ જે પ્રમાણે ‘ઉવવાઈ’ સૂત્રમાં છે તે મુજબ યાવત્‌ ગગનતલચુંબિની ધજા આગળ અનુક્રમથી ચાલી. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’માં છે, તે પ્રમાણે કહેવું યાવત્‌ આલોક કરતા, જય-જય શબ્દનું ઉચ્ચારણ કરતા અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં ઉગ્રો, ભોગો ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યું તેમ યાવત્‌ મહાપુરુષોના વર્ગથી પરિવૃત્ત જમાલીક્ષત્રિયકુમારની આગળ, પાછળ, આસપાસ અનુક્રમે ચાલવા લાગ્યા
ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના પિતા સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્‌ વિભૂષિત થઈને ઉત્તમ હાથીના કંધા ઉપર ચડ્યા, કોરંટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરી, શ્વેત ચામર વડે વીંઝાતા-વીંઝાતા, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાથી યુક્ત એવી ચાતુરંગિણી સેનાની સાથે સંપરિવૃત મહા સુભટ, ચડગર યાવત્‌ પરિવૃત થઈને જમાલી ક્ષત્રિયકુમારની પાછળ-પાછળ ચાલ્યા.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અશ્વો અને અસવારો તેમની આગળ, બંને પડખે હાથી અને મહાવતો, પાછળ રથ અને રથસમૂહ ચાલ્યા.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમાર સર્વ ઋદ્ધિ સહિત યાવત્‌ વાદ્ય આદિની સાથે ચાલ્યા, તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લીધેલા પુરુષો ચાલતા હતા. તેના મસ્તકે શ્વેતછત્ર ધારણ કરેલ હતું, તેમની બંને બાજુ શ્વેત ચામર અને પંખા વીંઝાતા હતા. તેમની પાછળ ઘણાં લાઠીધારી, ભાલાધારી યાવત્‌ પુસ્તકધારી યાવત્‌ વીણાધારી, તેમની પાછળ ૧૦૮ હાથી, ૧૦૮ ઘોડા, ૧૦૮ રથ, તેમની પાછળ હાથમાં લાઠી-તલવાર કે ભાલાને લીધેલ ઘણાં પદાતીઓ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્‌ સાર્થવાહ આદિ આગળ ચાલ્યા યાવત્‌ વાજિંત્રાદિના અવાજો સાથે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની વચ્ચોવચ્ચથી જ્યાં બ્રાહ્મણકુંડ ગ્રામનગર, જ્યાં બહુશાલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં, તે તરફ જવાને લાગ્યા.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર, ક્ષત્રિયકુંડ ગ્રામનગરના મધ્યમાંથી થઈને જઈ રહ્યા હતા. ત્યારે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક યાવત્‌ પથમાં ઘણાં અર્થાર્થી ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ’માં કહ્યું છે તેમ યાવત્‌ અભિનંદતા, અભિસ્તવતા આ પ્રમાણે બોલ્યા–હે નંદ! ધર્મ દ્વારા તમારો જય થાઓ-જય થાઓ, હે નંદ! તપ દ્વારા તમારો જય થાઓ, જય થાઓ, હે નંદ! તમારું કલ્યાણ થાઓ. તમે અભગ્ન એવા ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે ન જિતેલાને જીતો, ઈન્દ્રિયોને જીતો, શ્રમણ ધર્મનું પાલન કરો, વિઘ્નોને પણ જીતો અને સિદ્ધિમાં જઈને વસો.
હે દેવ! તપ વડે ધૈર્યરૂપી કચ્છને અત્યંત દૃઢતાપૂર્વક બાંધીને, રાગ-દ્વેષરૂપી મલ્લને પછાડો. ઉત્તમ શુક્લધ્યાન દ્વારા આઠ કર્મશત્રુઓનું મર્દન કરો. હે ધીર! અપ્રમત્ત થઈને ત્રૈલોક્યના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને ફરકાવો. અંધકાર રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિ માર્ગ ઉપર ચાલીને પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો, પરીષહ સેનાને નષ્ટ કરો, ઈન્દ્રિય ગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધર્માચરણ નિર્વિઘ્ન થાઓ. આ પ્રમાણે અભિનંદતા, અભિસ્તવતા હતા.
ત્યારે તે ક્ષત્રિયકુમાર જમાલી હજારો નયનમાલા વડે જોવાતા-જોવાતા, ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કૂણિકમાં કહ્યું તેમ યાવત્‌ નીકળે છે, નીકળીને જ્યાં બ્રાહ્મણકુંડ ગ્રામનગર, જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને છત્રાદિ તીર્થંકર અતિશયને જુએ છે, જોઈને સહસ્રપુરુષવાહિની શિબિકાને સ્થાપે છે, સ્થાપીને સહસ્રપુરુષવાહિની શિબિકાથી ઉતરે છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્‌ નમન કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્‌! જમાલી અમારો એકમાત્ર પુત્ર છે, અમને ઈષ્ટ, કાંત યાવત્‌ તેનું દર્શન દુર્લભ હોય, તેમાં કહેવાનું જ શું હોય? જેમ કોઈ કમલ, પદ્મ યાવત્‌ સહસ્ર દલકમલ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં વૃદ્ધિ પામીને પણ પંકરજથી લિપ્ત થતું નથી કે જલકણથી લિપ્ત થતું નથી, તેમ જમાલી ક્ષત્રિયકુમાર કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ કામરજથી ન લેપાયો, ભોગરજથી ન લેપાયો, મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિ-જનથી ન લેપાયો. હે દેવાનુપ્રિય! આ સંસારભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ-મરણના ભયથી ભયભીત થયો છે
તેથી હે દેવાનુપ્રિય! આપની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અનગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ રહ્યો છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને આ શિષ્યભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપ્રિય! આ શિષ્યરૂપ ભિક્ષા સ્વીકાર કરો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે જમાલી-ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીરે આવું કહ્યું ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્‌ નમસ્કાર કરીને ઈશાન દિશા ભાગમાં ગયો, જઈને પોતાની મેળે જ આભરણ અલંકાર ઉતાર્યા. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ હંસલક્ષણ પટશાટકમાં આભરણ અલંકારને ગ્રહણ કર્યા, કરીને હાર, જલધારા ઈત્યાદિ સમાન આંસુ પાડતી જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે બોલી – હે પુત્ર! સંયમમાં પ્રવૃત્તિ કરજે, હે પુત્ર! સંયમમાં યત્ન કરજે, સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાણ કરતો નહીં.
આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, કરીને જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે સ્વયં જ પંચમુષ્ટી લોચ કર્યો, કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને જે પ્રમાણે ઋષભદત્તમાં કહ્યું, તે પ્રમાણે દીક્ષા લીધી. વિશેષ એ કે - ૫૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી. તે પ્રમાણે જ સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યો. ભણીને ઘણાં ચતુર્થ-છઠ્ઠ-અઠ્ઠમ યાવત્‌ માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિ વિવિધ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.

Linked texts (1)