Pramāṇa · Search · About · API

Viyahapannatti 75

Viyāhapannatti: ṭīkānusārī vivecana 75

Language
Gujarati

75

વિવેચન :–૪૩
સ્વયં જ જીવ, આ સૂત્રથી કર્મના બંધાદિમાં મુખ્યતાએ જીવનો જ અધિકાર છે, બીજાનો નહીં. ‘બીજા પદાર્થ નિમિત્તે જીવને જરાપણ કર્મબંધ કહ્યો નથી.’ ઉદીરે છે એટલે ભાવિકાળે વેદવાના કર્મને તેનો નાશ કરવા કરણ વિશેષથી ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો... ગરહઈ - કર્મના સ્વરૂપને જાણવાથી કે તેના કારણની ગર્હા દ્વારા બોધ પામીને કર્મને આત્મા વડે જ ગર્હે છે અર્થાત્‌ ભૂતકાળમાં કરેલ કર્મને નિંદે છે... સંવરઈ - સ્વરૂપથી કે તેના હેતુને અટકાવવાથી વર્તમાનકાળના કર્મને અટકાવે છે - કરતો નથી. જો કે ગર્હા આદિમાં ગુરૂ આદિ પણ સહકારિરૂપે હોય છે. તો પણ તેની પ્રધાનતા નથી. કેમ કે તેમાં જીવનું વીર્યત્વ મુખ્ય છે.
હવે ઉદીરણાને આશ્રીને કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ કે – સૂત્રકારે ઉદીર્ણ સાથે ઉદીરેઈ જોડ્યું તેમ ગરહેઈ, સંવરેઈ પદ કેમ ન જોડ્યા? ઉદીરણાદિમાં કર્મવિશેષણ ચતુષ્ટયમાં ઉદીરણાને આશ્રીને વિશેષણોનો સદ્‌ભાવ છે, પણ બીજા પદો સાથે નથી માટે.
જો એમ છે તો ઉદ્દેશ સૂત્રમાં ગર્હિતે, સંવૃણોતિ એ બે પદ કેમ લીધાં? ગર્હણ અને સંવરણ બંને ઉદીરણાના સાધન છે એમ જણાવવા માટે. આ પ્રમાણે આગળ પણ સમજવું.
- X - ઉદીર્ણને ઉદીરતો નથી, કેમ કે (૧) ઉદીર્ણનું ફરીથી ઉદીરણ કરવાથી ઉદીરણાનો પાર આવશે નહીં. (૨) જે કર્મની ઉદીરણા ઘણી મોડી થવાની છે અથવા નથી થવાની તે અનુદીર્ણ કર્મ સંબંધી ઉદીરણા વર્તમાન કે ભાવિકાલે થતી નથી માટે. (૩) જે સ્વરૂપથી અનુદીર્ણ છે, તો પણ તુરંતમાં જ ઉદીરણા યોગ્ય છે તે ઉદીરણાભાવિ કહેવાય, તેને ઉદીરે છે કેમ કે તે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત છે. જેની ઉદીરણા થવાની હોય તે ઉદીરણાભવિક કહેવાય. જે કર્મ ઉદીરણા યોગ્ય હોય તે ઉદીરણાભવ્ય કહેવાય. (૪) જે કર્મ ઉદયમાં આવી ગયેલ હોય તેને પણ ઉદીરતો નથી કેમ કે તે અતીતરૂપ છે.
જો કે અહીં ઉદીરણાદિમાં કાળ, સ્વભાવાદિ કારણત્વ છે તો પણ પ્રધાનપણે તો જીવનું વીર્ય જ કારણ છે, તે દર્શાવે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉત્થાનાદિ વડે ઉદીરે છે એમ કહ્યું. તેનો સાર એ કે – ઉદીરણ ઉત્થાનાદિથી સાધ્ય છે, બાકી બધું તેમજ છે.
કાંક્ષા મોહનીયની ઉદીરણા કહી, હવે તેનું ઉપશમન કહે છે – ઉપશમન તો મોહનીયનું જ હોય. - X - X - ઉપશમ - ઉદીર્ણનો ક્ષય અને અનુદીર્ણનું વિપાક અને પ્રદેશથી ન અનુભવવું. ઉદીર્ણનું અવશ્ય વેદન હોવાથી તેના ઉપશમનનો અભાવ છે. ઉદીર્ણ કર્મ વેદાય છે. તેથી વેદન સૂત્ર કહે છે – ઉદીર્ણ વેદાય છે. તેથી અનુદીર્ણના વેદનનો અભાવ છે. જો અનુદીર્ણ પણ વેદાય તો ઉદીર્ણ-અનુદીર્ણમાં શો ભેદ રહે? વેદાતુ કર્મ નિર્જરે છે, માટે નિર્જરા સૂત્ર કહે છે –
ઉદયમાં આવેલ કર્મ જીવ પ્રદેશથી ખરી પડે છે, બીજું નહીં. કેમ કે બીજા કર્મનો રસ વેદાયો નથી. ઉદીરણ-ઉપશમન-વેદન-નિર્જરણ સૂત્રોક્ત અર્થ સંગ્રહ ગાથા – ‘ત્રીજામાં ઉદીરે છે, બીજામાં ઉપશમાવે છે, પહેલા અને ચોથામાં સર્વ જીવો વેદે છે અને નિર્જરે છે.’ હવે કાંક્ષા મોહનીયના વેદનાદિ સૂત્રો ૨૪-દંડકોમાં યોજે છે –

Linked texts (1)