Pramāṇa · Search · About · API

Viyahapannatti 763

Viyāhapannatti: ṭīkānusārī vivecana 763

Language
Gujarati

763

‘ભગવતી’ સૂત્ર-૫૧૧ થી ૫૧૩ :– [૧૧/૧૦/૫૧૧ થી ૫૧૩]
[૫૧૧] ભગવન્‌! લોક કેટલો મોટો છે? ગૌતમ! આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપોથી યાવત્‌ પરિધિથી છે.
તે કાળે, તે સમયે છ મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવો, જંબૂદ્વીપના મેરુ પર્વતની મેરુ ચૂલિકાની ચોતરફ ઊભા રહ્યા. નીચે ચાર દિક્‌કુમારી મહત્તરિકાઓ ચાર બલિપિંડ લઈને જંબૂદ્વીપની ચારે દિશામાં બહારની તરફ મુખ રાખીને ઊભી રહી. તે ચારે બલિપિંડ યમક-શમકની બાહ્યાભિમુખ ફેંક્યા. હે ગૌતમ! ત્યારે તે દેવોમાંથી એક-એક દેવ, ચારે બલિપિંડોને પૃથ્વીતલ ઉપર પહોંચ્યા પહેલા, જલ્દીથી ગ્રહણ કરવામાં સમર્થ હોય. તેવા તે દેવોમાંથી એક દેવ, હે ગૌતમ! તે ઉત્કૃષ્ટ યાવત્‌ દેવગતિથી પૂર્વમાં જાય, એ પ્રમાણે એક દક્ષિણમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં જાય, એ રીતે એક દેવ ઉર્ધ્વમાં અને એક દેવ અધોભિમુખ જાય.
તે જ કાળે, તે સમયે ૧૦૦૦ વર્ષના આયુવાળા એક બાળકે જન્મ લીધો. ત્યારે તે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા. (તેટલા સમયમાં) તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારપછી તે બાળક પણ આયુ પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પામી શકતો નથી. ત્યારપછી તે બાળકના હાડ-માંસ પણ ક્ષીણ થઈ જાય, તો પણ તે દેવો લોકના અંતને પામી શકતો નથી. તે બાળકની સાતમી પેઢી સુધીનો કુળ-વંશ ક્ષીણ થઈ ગયો, તો પણ તે દેવો લોકાંત પામી ન શક્યા, ત્યારપછી તે બાળકના નામ ગોત્ર પણ ક્ષીણ થઈ ગયા તો પણ તે દેવો લોકના અંતને પામી ન શક્યા.
ભગવન્‌ ! તે દેવોનું ગતક્ષેત્ર અધિક છે કે, અગત ક્ષેત્ર? ગૌતમ! ગતક્ષેત્ર અધિક છે, અગત ક્ષેત્ર બહુ નથી. અગત ક્ષેત્ર ગતક્ષેત્રના અસંખ્યાતમાં ભાગે છે, અગત ક્ષેત્રથી ગતક્ષેત્ર અસંખ્યાતગણું છે. હે ગૌતમ! લોક, આટલો વિશાળ કહેલ છે.
ભગવન્‌! અલોક કેટલો મોટો છે? ગૌતમ! આ સમયક્ષેત્ર ૪૫ લાખ યોજન લંબાઈ-પહોળાઈથી છે. એ પ્રમાણે સ્કંદકમાં કહ્યા મુજબ યાવત્‌ પરિધિથી છે.
તે કાળે, તે સમયે મહર્દ્ધિક એવા દશ દેવો પૂર્વવત્‌ યાવત્‌ ચોતરફથી ઘેરીને ઉભા રહે. નીચે આઠ દિક્‌ કુમારી મહત્તરિકાઓ આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતની ચારે દિશામાં, ચારે વિદિશામાં બાહ્યાભિમુખ રહીને આઠ બલિપિંડ લઈને માનુષોત્તર પર્વતના બહારની તરફ એક સાથે ફેંકે, ત્યારે તે દેવોમાંથી પ્રત્યેક દેવ તે આઠ બલિપિંડને ધરણિતલે પહોંચ્યા પહેલા જલ્દીથી ગ્રહણ કરવાને સમર્થ થાય. એવી શીઘ્ર, ઉત્કૃષ્ટ યાવત્‌ દેવગતિથી તે દશે દેવ, લોકના અંતમાં ઊભા રહીને, તેમાં એક પૂર્વ અભિમુખ જાય, એક દેવ દક્ષિણપૂર્વમાં જાય યાવત્‌ એક ઉત્તર-પૂર્વમાં જાય, એક દેવ ઉર્ધ્વમાં, એક દેવ નીચેની દિશામાં જાય.
તે કાળે, તે સમયે એક લાખ વર્ષના આયુવાળા બાળકનો જન્મ થાય, ત્યારપછી તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તે દેવો અલોકના અંતને ન પામે. ઈત્યાદિ પૂર્વવત્‌. તે દેવોનું ગતક્ષેત્ર વધારે છે કે અગતક્ષેત્ર વધારે છે? ગૌતમ! ગતક્ષેત્ર વધુ નથી, અગતક્ષેત્ર ઘણું છે. ગતક્ષેત્રથી અગત ક્ષેત્ર અનંતગુણ છે, અગત ક્ષેત્રથી ગત ક્ષેત્ર અનંત ભાગ છે. ગૌતમ! અલોક આટલો મોટો કહ્યો છે.
[૫૧૨] ભગવન્‌! લોકના એક આકાશપ્રદેશમાં એકેન્દ્રિય જીવોના જે પ્રદેશ છે યાવત્‌ પંચેન્દ્રિયના જે પ્રદેશ છે, અનિન્દ્રિય પ્રદેશો છે, શું તે બધાં અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પૃષ્ટ યાવત્‌ અન્યોન્ય સંબદ્ધ છે? ભગવન્‌! શું તે પરસ્પર એકબીજાને આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે છે? અથવા શું તે તેના અવયવોનું છેદન કરે છે?
ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! એમ કેમ કહો છો કે લોકના એક આકાશપ્રદેશમાં એકેન્દ્રિયાદિ જીવપ્રદેશ યાવત્‌ પરસ્પર બાધા પહોંચાડતા નથી.
ગૌતમ! જેમ કોઈ નર્તકી હોય, તેણી શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી યાવત્‌ કલિત, સેંકડો-લાખો લોકોથી પરિપૂર્ણ રંગસ્થલીમાં બત્રીસ પ્રકારના નાટ્યમાંથી કોઈ એક નાટ્ય દેખાડતી હોય તો, - હે ગૌતમ! તે પ્રેક્ષકગણ, તે નર્તકીને અનમેષ દૃષ્ટિથી ચોતરફથી જુએ છે કે નહીં? હા, જુએ છે.
હે ગૌતમ! તે દર્શકોની દૃષ્ટિ, તે નર્તકી પર ચોતરફથી પડે છે કે નહીં? હા, પડે છે.
હે ગૌતમ! તે દૃષ્ટિઓ, તે નર્તકીને કંઈ પણ થોડી કે ઝાઝી પીડા પહોંચાડે છે? કે તેણીના અવયવોનું છેદન કરે છે? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે નર્તકી તે દૃષ્ટિને કંઈ થોડી કે ઝાઝી પીડા પહોંચાડી શકે કે તેના અવયવોનું છેદન કરે? ના, તે અર્થ સમર્થ નથી. અથવા તે દૃષ્ટિઓ પરસ્પર દૃષ્ટિને થોડી કે વધુ પીડા પહોંચાડી શકે કે અવયવ છેદ કરી શકે? ના, તે અર્થ સમર્થ નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – પૂર્વવત્‌ યાવત્‌ અવયવોનું છેદન ન કરે.
[૫૧૩] ભગવન્‌! લોકના એક આકાશપ્રદેશમાં જઘન્ય પદમાં રહેલ જીવપ્રદેશો, ઉત્કૃષ્ટ પદમાં રહેલ જીવપ્રદેશ અને સમસ્ત જીવોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે?
ગૌતમ! સૌથી થોડા લોકના એક આકાશપ્રદેશમાં જઘન્યપદમાં રહેલ જીવપ્રદેશ છે. સર્વ જીવો તેથી અસંખ્યાતગણા છે, ઉત્કૃષ્ટપદમાં રહેલ જીવપ્રદેશો વિશેષાધિક છે. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)