Pramāṇa · Search · About · API

Viyahapannatti 762

Viyāhapannatti: ṭīkānusārī vivecana 762

Language
Gujarati

762

વિવેચન :–૫૧૦
દ્રવ્યલોક-આગમથી, નોઆગમથી, તેમાં આગમથી દ્રવ્યલોક, લોકશબ્દાર્થને જાણે, પણ તેમાં અનુપયુક્ત - X - ‘મંગલ’ને આશ્રીને દ્રવ્યનું લક્ષણ કહે છે – આગમથી મંગલશબ્દાનુ વાસિત અનુપયુક્ત વક્તા, તેના જ્ઞાનની લબ્ધિથી યુક્ત હોવા છતાં અનુપયુક્ત તે દ્રવ્ય નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે. તેમાં લોકશબ્દાર્થજ્ઞનું શરીર જ્ઞાન અપેક્ષાથી ભૂતલોક પર્યાયતાથી મૃતાવસ્થ છે. - X - તે જ્ઞશરીરરૂપ દ્રવ્યભૂત લોક તે જ્ઞશરીર દ્રવ્યલોક, નો શબ્દ અહીં સર્વનિષેધમાં છે. તથાલોક શબ્દાર્થને જે જાણશે, તેનું શરીર સચેતન ભાવિલોક ભાવત્વથી મધુના ઘડા માફક ભવ્યશરીર દ્રવ્યલોક છે. નો શબ્દ અહીતં પણ સર્વનિષેધમાં જ છે. જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યલોક દ્રવ્યો ધર્માસ્તિકાયાદિ.
– કહ્યું છે કે જીવ-અજીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ. નિત્ય-અનિત્ય જે દ્રવ્યો, તેને દ્રવ્યલોક જાણવો. અહીં પણ નો શબ્દ સર્વ નિષેધમાં છે કેમકે આગમ શબ્દવાચ્યના જ્ઞાનનો સર્વથા નિષેધ છે.
ક્ષેત્રરૂપ લોક તે ક્ષેત્રલોક. કહ્યું છે કે – આકાશના પ્રદેશો ઉર્ધ્વ, અધો, તિર્છાલોકમાં છે, તેને જિનેશ્વરે અનંત ક્ષેત્રલોક ઉપદેશ્યો છે, તેમ તું જાણ.
કાળલોક - કાળ એટલે સમયાદિ, તદ્‌રૂપ જે લોક તે કાલલોક. કહ્યું છે કે – સમય, આવલી, મુહૂર્ત્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત્ત (કાળલોક છે.)
ભાવલોક - બે પ્રકારે છે. આગમથી, નોઆગમથી. તેમાં આગમથી લોકશબ્દાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભાવરૂપલોક તે ભાવલોક. નોઆગમથી ભાવ-ઔદારિકાદિ, તદ્‌રૂપલોક તે ભાવલોક. કહ્યું છે કે – ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ ભેદે ભાવલોક જાણવો. અહીં નો શબ્દ સર્વનિષેધમાં અથવા મિશ્રવચન છે. આગમના જ્ઞાનપણાથી ક્ષાયિક, ક્ષાયોપશમિક જ્ઞાનસ્વરૂપ ભાવ વિશેષથી અને મિશ્રત્વથી ઔદયિકાદિ ભાવલોક.
અધોલોકરૂપ ક્ષેત્રલોક તે અધોલોક ક્ષેત્રલોક. આ આઠ પ્રદેશ રૂચક, તેના અધસ્તન પ્રતરની નીચે ૯૦૦ યોજન યાવત્‌ તિર્છા લોક છે, તેનાથી પછી નીચે સ્થિત હોવાથી અધોલોક છે, તે સાત રાજ પ્રમાણ છે... તિર્છાલોક ક્ષેત્રલોક - રૂચકની અપેક્ષાએ નીચે અને ઉપરના ૯૦૦-૯૦૦ યોજન પ્રમાણ તિર્છારૂપપણાથી તિર્છાલોક છે, તે રૂપ જે ક્ષેત્રલોક, તે તિર્છાલોક ક્ષેત્રલોક કહેવાય છે.
ઉર્ધ્વલોક ક્ષેત્રલોક-તિર્છાલોકની ઉપર કંઈક ન્યૂન સાત રાજપ્રમાણ, ઉર્ધ્વભાગવર્તિત્વથી ઉર્ધ્વલોક, તદ્‌રૂપ ક્ષેત્રલોક તે ઉર્ધ્વલોક ક્ષેત્રલોક છે. અથવા નીચે - અશુભ પરિણામની બહુલતાથી ક્ષેત્રના અનુભાવથી જે લોકમાં દ્રવ્યો છે, તે અધોલોક છે. તિર્યક્‌-મધ્યમ અનુભાવ ક્ષેત્ર - અતિ શુભ નહીં, અતિ અશુભ નહીં, તદ્‌રૂપ જે લોક, તે તિર્છાલોક તથા શુભપરિણામ બાહુલ્યથી જેમાં દ્રવ્યો છે, તે ઉર્ધ્વલોક. કહ્યું છે – ક્ષેત્રના અનુભાવથી જ્યાં અધો પરિણામ છે, દ્રવ્યો અશુભ છે, તે કારણે તે અધોલોક કહેવાય છે ઈત્યાદિ.
ત્રપાકાર સંસ્થિત - અધોલોક ક્ષેત્રલોક શરાવલાકારે છે. ઝલ્લરી સંસ્થિત - ઉંચાઈથી અલ્પ, પણ વિસ્તારથી મોટો છે માટે તિર્છાલોક ક્ષેત્રલોક ઝલ્લરી આકારે છે. ઉર્ધ્વમુખ એવું જે મૃદંગ, તેના આકારે રહેલ જે છે, તે તથા શરાવ સંપુટાકાર તે ઉર્ધ્વલોક ક્ષેત્રલોક. સુપ્રતિષ્ઠક - X - તથાવિધ લોક સાદૃશ્ય ઉપપત્તિથી. યાવત્‌ શબ્દથી આ પ્રમાણે - ઉપર વિશાળ, નીચે પલ્યંક સંસ્થાન સંસ્થિત, મધ્યે ઉત્તમ વજ્ર વિગ્રહિક, ઉપર ઉર્ધ્વ મૃદંગાકાર સંસ્થિત, એવા શાશ્વતલોકમાં નીચે વિસ્તીર્ણ - X -
ઉત્પન્ન જ્ઞાન-દર્શન ધારક અરહંત, જિન, કેવલી જે જીવને પણ જાણે છે, અજીવને પણ જાણે છે, ત્યારપછી સિદ્ધ-બુદ્ધ થશે ઈત્યાદિ. પોલા ગોળા આકારે - વચ્ચે પોલા ગોળા આકારે છે, કેમકે અલોકમાં ‘લોક’ પોલાણ જેવો લાગે છે.
અધોલોક ક્ષેત્રલોકમાં - જેમ ઐન્દ્રી દિશા, તેમ સંપૂર્ણ કહેવું. તે શતક-૧૦-ના ઉદ્દેશા-૧-માં જેમ ઐન્દ્રી દિશા કહી, તેમ અધોલોકનું સ્વરૂપ સંપૂર્ણ કહેવું. તે આ રીતે - ભગવન્‌! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવો, જીવ દેશો, જીવપ્રદેશો, અજીવો, અજીવદેશો, અજીવ પ્રદેશો છે?
ગૌતમ! જીવ પણ છે, જીવના દેશ અને પ્રદેશ પણ છે. અજીવ પણ છે, અજીવના દેશ અને પ્રદેશો પણ છે ઈત્યાદિ. અધોલોક, તિર્છાલોકમાં પૂર્વે સાત પ્રકારે અરૂપી કહ્યા – ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને પ્રકાશનો સદ્ભાવ છે. તેથી (પહેલામાં) છ ભેદ જ કહ્યા.
લોકમાં - જેમ બીજા શતકમાં ‘અસ્તિ’ ઉદ્દેશક છે, તેમ કહેવું લોકાકાશમાં વિષયભૂત જીવાદિ કહ્યા, તેમ અહીં પણ કહેવા. કેવળ આટલું વિશેષ છે કે – ત્યાં અરૂપી પાંચ ભેદે કહ્યા, અહીં સાત ભેદે કહેવા. ત્યાં લોકાકાશને આધારપણે વિવક્ષા કરી, તેથી આકાશના ભેદ ત્યાં કહ્યા નથી. અહીં લોક અસ્તિકાયસમુદાયરૂપ આધારપણે વિવક્ષિત છે, તેથી આકાશભેદ પણ કહેવા જોઈએ, તેથી સાત ભેદ છે. તે આ રીતે –
લોકમાં પરિપૂર્ણ વિદ્યમાન હોવાથી ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાયના દેશ હોતા નથી, કેમકે ધર્માસ્તિકાયનો તેમાં સદ્ભાવ છે. ધર્માસ્તિકાયના તદ્‌ રૂપત્વથી ધર્માસ્તિકાયના પ્રદેશો તેમાં હોય છે, તેથી બે ભેદ થયા. એ રીતે અધર્માસ્તિકાયના પણ બે ભેદ એટલે કુલ-૪. આકાશાસ્તિકાય નથી, કેમકે લોકનું આ દેશત્વપણું છે. આકાશના દેશ હોય છે, કેમકે તે લોકના અંશત્વ રૂપ છે, લોકના પ્રદેશ હોય છે, કાળ હોય છે. તેથી-૭.
અલોકમાં - અહીં અતિદેશ છે. તે આ રીતે - ભગવન્‌! અલોકમાં જીવ, જીવદેશ યાવત્‌ અજીવ પ્રદેશ છે? ગૌતમ! જીવદેશ, અજીવદેશ કે અજીવ પ્રદેશ નથી, એક અજીવ દ્રવ્યદેશમાં અનંત અગુરુ લઘુ ગુણથી સંયુક્ત સર્વાકાશ અનંત ભાગન્યૂન છે. અર્થાત્‌ લોક લક્ષણથી સમસ્ત આકાશના અનંત ભાગથી ન્યૂન છે.
અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં જીવો નથી, કેમકે એક પ્રદેશમાં તેનું અવગાહન નથી. ઘણાં જીવોના દેશ અને પ્રદેશનું અવગાહન છે. જો કે ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્ય એકત્ર આકાશ પ્રદેશને અવગાહતું નથી, તો પણ પરમાણુકાદિ દ્રવ્યોના કાળદ્રવ્યના અવગાહનના થકી અજીવો પણ છે, તેમ કહ્યું. દ્વિઅણુકાદિ સ્કંધ દેશોનું અવગાહનત્વ હોવાથી ‘અજીવદેશો’ પણ છે, તેમ કહ્યું. ધર્મ-અધર્માસ્તિ-કાયના પ્રદેશો અને પુદ્ગલ દ્રવ્યપ્રદેશોના અવગાહનત્વથી ‘અજીવપ્રદેશો’ છે, તેમ પણ કહ્યું. મધ્યના ભંગરહિત - તે શતક દશમાં કહેલ ભંગત્રિકમાં - ‘અથવા એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશો’ રૂપ જે મધ્યમ ભંગ, તેનાથી રહિત આ ભંગ કહેવા. અર્થાત્‌ સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા, મધ્યમ ભંગ અહીં અસંભવ હોવાથી ન કહેવો. બેઈન્દ્રિયના એકત્ર આકાશ પ્રદેશમાં ઘણાં દેશો હોતા નથી, માત્ર એક જ દેશ હોય છે.
આઈલ્લ વિરહિઓ - અથવા ‘એકેન્દ્રિયના પ્રદેશો અને બેઈન્દ્રિયના પ્રદેશો’ - એ સ્વરૂપના આદ્ય ભંગ વિરહિત ત્રણ ભંગ. સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા. પહેલો ભંગ અહીં અસંભવ છે. એક આકાશપ્રદેશમાં કેવલિ સમુદ્ઘાત વિના એક જીવના એક પ્રદેશનો સંભવ નથી. - - અણિંદિએસુ તિયભંગો - અનિન્દ્રિયોમાં ઉક્ત ત્રણે ભંગ પણ સંભવે છે, તે પ્રમાણે કહેવું. - X - X -
નો ધમ્મત્થિકાય - ધર્માસ્તિકાય એકત્ર આકાશપ્રદેશમાં ન સંભવે. કેમકે અસંખ્યાત પ્રદેશો અવગાહેલા હોય છે. - X - X - X - એ પ્રમાણે અધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ છે, એ પ્રમાણે કહેવું. અધ્ધાસમય નથી. ઉર્ધ્વલોકમાં અદ્ધાસમય નથી, તે અરૂપી ચાર ભેદે - ધર્માસ્તિકાયદેશ આદિ, ઉર્ધ્વલોકમાં એકત્ર આકાશ પ્રદેશમાં સંભવે છે.
‘લોક’ના જેમ અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશપ્રદેશમાં જે વક્તવ્યતા કહી, તે વક્તવ્યતા લોકના પણ એકત્ર આકાશપ્રદેશમાં કહેવી. તે આ છે - ભગવન્‌! લોકના એક આકાશપ્રદેશમાં શું જીવો છે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ! ‘જીવ નથી’ ઈત્યાદિ પૂર્વવત્‌ કહેવું. અધોલોક ક્ષેત્રલોકમાં અનંતા વર્ણપર્યવા એકગુણ કાળા આદિના અનંતગુણ કાળા આદિ સુધીના પુદ્ગલો ત્યાં હોય છે, એ ભાવ છે. અલોક સૂત્રમાં અગુરુલઘુ પર્યવયુક્ત દ્રવ્યોના પુદ્ગલાદિનો અભાવ છે.

Linked texts (1)