Viyahapannatti 79
Viyāhapannatti: ṭīkānusārī vivecana 79
- Language
- Gujarati
79
વિવેચન :–૪૫
અસ્તિ - વિદ્યમાન છે, શ્રમણ - વ્રતવાળા. અપિ શબ્દ શ્રમણોના કાંક્ષા મોહનીયના અવેદન સંભાવનાર્થે છે. તેઓ શાક્યાદિ પણ હોઈ શકે તેથી કહે છે–નિર્ગ્રન્થ-એટલે બાહ્ય અને અભ્યંતર ગ્રંથિરહિત અર્થાત્ સાધુ. એક જ્ઞાનથી બીજું જ્ઞાન તે જ્ઞાનાંતર, તે જ્ઞાન વિશેષથી કે જ્ઞાન વિશેષમાં શંકાદિને પામેલા, વગેરે સાથે સંબંધ જોડવો
તેમાં શંકાદિ આ પ્રમાણે – પરમાણુથી લઈને બધાં રૂપી દ્રવ્યો સુધીના વિષયોને ગ્રહણ કરનાર અવધિજ્ઞાન છે તો મનઃપર્યવજ્ઞાનની શું જરૂર છે? તે મનોદ્રવ્યો અવધિજ્ઞાન વડે પણ જોઈ શકાય છે. [કહે છે –] આ જ્ઞાનાંતર શંકા છે. જો કે અવધિજ્ઞાન વડે મનોદ્રવ્યો ઉપલબ્ધ થઈ શકે છે, તો પણ મનઃપર્યવજ્ઞાન અવધિના ભેદોમાં સમાઈ શકતું નથી. કેમ કે બંનેનો ભિન્ન સ્વભાવ છે. મનઃપર્યવજ્ઞાન માત્ર મનોદ્રવ્યનું જ ગ્રાહક છે અને તે જ્ઞાનમાં પ્રથમ દર્શન હોતું નથી. કેટલુંક અવધિજ્ઞાન મન સિવાયના દ્રવ્યોનું ગ્રાહક છે તથા કેટલુંક મન અને બીજા દ્રવ્યોનું પણ ગ્રાહક છે. તે દર્શન પૂર્વક હોય છે. પણ માત્ર મનોદ્રવ્ય ગ્રાહક ન હોય. ઈત્યાદિ ઘણી વક્તવ્યતા છે, માત્ર મનઃપર્યવજ્ઞાન જુદું જ હોય છે.
દર્શન - સામાન્ય બોધ, તે ઈન્દ્રિય અને મન નિમિત્તે હોય છે - X - એક ચક્ષુર્દર્શન અને બીજું અચક્ષુર્દર્શન એવો ભેદ કેમ? અને જો ચક્ષુ આદિ ઈન્દ્રિયો લઈએ તો છ ભેદ થાય, તો અહીં બે જ ભેદ કેમ? સમાધાન-વસ્તુના સામાન્ય + વિશેષ બે ભેદ છે. અહીં ચક્ષુર્દર્શન વિશેષથી છે અને અચક્ષુર્દર્શન સામાન્યથી છે. તેના પણ પ્રાપ્યકારી, અપ્રાપ્યકારી એવા બે વિભાગ પ્રકારાંતરે છે. મન અપ્રાપ્યકારી છે, તો પણ મનને અનુસરનારી પ્રાપ્યકારી ઈન્દ્રિયો ઘણી છે, માટે મનોદર્શન અને બીજી દરેક ઈન્દ્રિયોનું દર્શન અચક્ષુર્દર્શનથી લીધું છે. - X - - અથવા -
દર્શન - સમ્યક્ત્વ - તેમાં શંકા - ક્ષાયોપશમિકનું લક્ષણ આ છે - ઉદીર્ણ થયેલ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય, અનુદીર્ણ ઉપશાંત હોય. ઔપશમિકનું સ્વરૂપ - ઉદીર્ણ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય અને બાકીનું અનુદીર્ણ હોય ત્યારે અંતર્મુહૂર્ત્ત પર્યન્ત ઔપશમિક સમ્યક્ત્વ પામે. આ રીતે બંનેમાં કોઈ તફાવત દેખાતો નથી, તો બંને જુદા કેમ?
ઉદીર્ણનો ક્ષય અને અનુદીર્ણનો વિપાકાનુભવ અપેક્ષાએ ઉપશમ હોય પણ પ્રદેશાનુભવની અપેક્ષાએ ઉદય જ હોય તે ક્ષયોપશમ જ્યારે ઉપશમમાં તો પ્રદેશાનુભવ જ નથી, તેથી બંનેમાં તફાવત છે. કહ્યું છે – ક્ષાયોપશમિક ભાવમાં વિદ્યમાન કર્મ વેદાય છે, ઉપશાંત કષાયવાળો તો સત્ કર્મને પણ વેદતો નથી.
ચારિત્ર - સામાયિક, સર્વ સાવદ્યવિરતિરૂપ છે, છેદોપસ્થાપનીય પણ મહાવ્રતરૂપ હોવાથી અવદ્ય-વિરતિરૂપ જ છે તો ભેદ શો? [સમાધાન] પહેલા જિનના સાધુ ઋજુ-જડ અને છેલ્લા જિનના વક્ર-જડ છે, તેથી તેમના આશ્વાસન માટે આ બે ભેદ કહ્યા છે. માત્ર સામાયિક ચારિત્ર હોય, તેમાં કોઈ દોષ આવે તો તેમને થાય કે અમે ભગ્ન ચારિત્રી છીએ પણ જો છેદોપસ્થાપનીયમાં વ્રતારોપણ થતાં પૂર્વે સામાયિકમાં કંઈક અશુદ્ધિ હોય તો નિવારણ થઈ જતાં તેને એમ ન થાય કે તે અશુદ્ધ છે - X -
લિંગ - સાધુવેષ, મધ્યમ જિનોના સાધુને યથાલબ્ધ વસ્ત્ર માટે અનુજ્ઞા આપી, તો પહેલા-છેલ્લા જિનના સાધુને સપ્રમાણ શ્વેત વસ્ત્રો કેમ કહ્યા? કેમ કે સર્વજ્ઞોનું વચન પરસ્પર વિરુદ્ધ ન હોય. [સમાધાન] અહીં પણ ઋજુ-જડ, વક્ર-જડ, ઋજુ-પ્રાજ્ઞ શિષ્યાશ્રિત ઉપદેશ છે.
પ્રવચન - આગમ, મધ્યમ જિનના પ્રવચનમાં ચતુર્યામ ધર્મ કહ્યો છે, તો પહેલા-છેલ્લા જિનોના પ્રવચનમાં પંચયામ ધર્મ કેમ કહ્યો? અહીં પણ સમાધાન એ છે કે – ચતુર્યામ ધર્મ પણ તત્ત્વથી પંચયામ જ છે. કેમ કે ચોથા વ્રતનો પરિગ્રહમાં સમાવેશ છે. કેમ કે સ્ત્રી અપરિગૃહિત ન ભોગવાય.
પ્રાવચનિક - પ્રવચનને ભણે કે જાણે તે. કાળ અપેક્ષાએ બહુશ્રુત પુરૂષ. એક પ્રાવચનિક આમ કરે છે, બીજા આમ? તેમાં તત્ત્વ શું? સમાધાન-ચારિત્રમોહનીય ક્ષયોપશમ વિશેષથી ઉત્સર્ગ-અપવાદને લીધે પ્રાવચનિકોની પ્રવૃત્તિ વિચિત્ર જણાય છે, તે સર્વથા પ્રમાણરૂપ નથી. આગમથી વિરુદ્ધ પ્રવૃત્તિ એ જ પ્રમાણ છે.
કલ્પ - જિનકલ્પિકાદિનો આચાર. જિનકલ્પીને નગ્નતા આદિ મહાકષ્ટવાળો કલ્પ કર્મક્ષયનું કારણ છે, તો સ્થવિરકલ્પીને વસ્ત્રાદિ પરિભોગરૂપ યથાશક્તિ કરણરૂપ અકષ્ટ સ્વભાવ કેમ કર્મક્ષય માટે થાય? [સમાધાન] બંને કલ્પો અવસ્થાભેદથી કર્મક્ષયનું કારણ છે. પણ કષ્ટ કે અકષ્ટ એ વિશિષ્ટ કર્મક્ષય પ્રતિ કારણ નથી.
માર્ગ - પૂર્વપુરૂષ ક્રમાગત સામાચારી, કોઈમાં બે ચૈત્યવંદન, અનેકવિધ કાયોત્સર્ગ કરણાદિ રૂપ છે, બીજાની સામાચારી તેવી નથી. તો તેમાં તત્ત્વ શું? [સમાધાન] તેના પ્રવર્તક અશઠ ગીતાર્થ છે. તે સામાચારી આચરિતલક્ષણ યુક્ત છે, માટે તે બધી વિરુદ્ધ નથી. અહીં આચરિત એટલે - અશઠ પુરૂષે આચરેલ, અસાવદ્ય, કોઈ સ્થળે કોઈથી પણ નિવારિત ન હોય તથા બહુમત અનુમત હોય તે આચરિત.
મત - સમાન શાસ્ત્રમાં આચાર્યોનો જુદો અભિપ્રાય. જેમકે - સિદ્ધસેન દિવાકરના મતે - કેવલીને યુગપદ્ જ્ઞાન, દર્શન હોય અન્યથા તદાવરક કર્મક્ષય નિરર્થક થાય. જ્યારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે કેવલીને ભિન્ન સમયે જ્ઞાન-દર્શન હોય કેમ કે જીવનું સ્વરૂપ એવું છે. તથા મતિ-શ્રુતાવરણનો ક્ષયોપશમ સમાન છે છતાં બંને જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે, પણ એક જ્ઞાનના ઉપયોગમાં બીજાના ક્ષયોપશમનો અભાવ હોતો નથી. કેમ કે તેમનો ક્ષયોપશમ કાળ ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ છે. તો આ બંનેમાં તત્ત્વ શું? [સમાધાન] જે મત આગમને અનુસરે તે સત્ય અને બીજાની ઉપેક્ષા કરવી. તે તો બહુશ્રુત જ જાણે. અબહુશ્રુત હોય તે આ ન જાણી શકે. આચાર્યના સંપ્રદાયથી આ મતભેદ છે. જિનોનો મત તો એક છે અને અવિરુદ્ધ છે. કેમ કે તેમને રાગાદિ દોષ નથી. - X - X
ભંગ - બે વગેરે સંયોગ ભંગ. જેમકે દ્રવ્યથી હિંસા, ભાવથી નહીં, તે એક ભંગ. એવી ચતુર્ભંગી. અહીં પહેલો પણ ભંગ યુક્ત નથી. કેમ કે દ્રવ્યહિંસા - ઈર્યા સમિતિથી જતાં કીડી વગેરેની હિંસા, તેમાં હિંસા લક્ષણ ઘટતું નથી માટે હિંસા નથી. કહ્યું છે – પ્રમત્ત પુરૂષની ક્રિયાથી જો જીવ હણાય, તો નક્કી તે પુરૂષ હિંસક છે. પ્રથમ ભંગમાં તેમ નથી તો હિંસા કેમ?
આ શંકા યુક્ત નથી. કેમ કે આ ગાથામાં કહેલ લક્ષણ દ્રવ્ય-ભાવ હિંસાને આશ્રીને છે. દ્રવ્યહિંસા તો મરણ માત્રરૂપે રૂઢ છે.
નય - દ્રવ્યાસ્તિકાદિ દ્રવ્યાસ્તિક મતે નિત્ય વસ્તુ પર્યાયાસ્તિક મતે અનિત્ય કઈ રીતે હોય? તે વિરુદ્ધ છે. આ શંકા અયુક્ત છે. દ્રવ્ય અપેક્ષાએ તેનું નિત્યપણું પર્યાય અપેક્ષાએ અનિત્યત્વ છે. એક કાળે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિરુદ્ધ ધર્મો હોઈ શકે. જેમ પિતાની અપેક્ષાએ જે પુત્ર છે, તે પુત્ર અપેક્ષાએ પિતા છે.
નિયમ - અભિગ્રહ. એક સર્વવિરતિ સામાયિક નિયમ કર્યો પછી પૌરુષિ આદિ નિયમ શા માટે? સામાયિકથી જ બધાં ગુણો પ્રાપ્ત થાય છે - - આ શંકા અયુક્ત છે. સામાયિક હોય છતાં પૌરુષિ આદિ નિયમો યુક્ત છે. કેમ કે તેથી અપ્રમાદ વૃદ્ધિનો હેતુ છે - કહ્યું છે - સર્વ સાવદ્ય ત્યાગરૂપ સામાયિક હોય તો પણ આ નિયમો ગુણકર કહ્યા છે.
પ્રમાણ - પ્રત્યક્ષાદિ. તેમાં આગમ પ્રમાણ - ભૂમિથી ઊંચે ૮૦૦ યોજને સૂર્ય સંચરે છે. જ્યારે આપણે નજરથી તો સૂર્યને હંમેશા પૃથ્વીથી નીકળતા જોઈએ છીએ. તો અહીં સત્ય શું? સમાધાન-સૂર્યને આપણે નીકળતા જોઈએ છીએ તે પ્રત્યક્ષ સત્ય નથી. કેમ કે સૂર્ય તો ઘણો દૂર હોવાથી તે સંબંધે આપણને ભ્રમ થવો સંભવે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit