Pramāṇa · Search · About · API

Viyahapannatti 87

Viyāhapannatti: ṭīkānusārī vivecana 87

Language
Gujarati

87

‘ભગવતી’ સૂત્ર-૫૦, ૫૧ :– [૧/૪/૫૦, ૫૧]
[૫૦] ભગવન્‌! પુદ્ગલ અતીત, અનંત અને શાશ્વતકાળે હતું તેમ કહેવાય? હા, ગૌતમ! આ પુદ્ગલ અતીત, અનંત, શાશ્વત કાળે હતું એમ કહેવાય.
- ભગવન્‌! પુદ્ગલ વર્તમાન શાશ્વત કાળે છે, એમ કહેવાય? હા, ગૌતમ! કહેવાય.
- ભગવન્‌! એ પુદ્ગલ અનાગત અનંત શાશ્વત કાળે રહેશે એમ કહેવાય? હા, ગૌતમ! કહેવાય. એ રીતે સ્કંધ સાથે અને જીવ સાથે પણ ત્રણ-ત્રણ આલાવા કહેવા.
[૫૧] ભગવન્‌! અતીત અનંત શાશ્વત કાળમાં છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમ-સંવર-બ્રહ્મચર્ય કે પ્રવચન-માતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો - યાવત્‌ - સર્વ દુઃખોનો નાશ કરનાર થયો?
ગૌતમ! આ કથન યોગ્ય નથી. ભગવન્‌! એમ કેમ કહો છો કે યાવત્‌ અંતકર થયો નથી? - ગૌતમ! જે કોઈ અંત કરે કે અંતિમ શરીરીએ સર્વ દુઃખોનો નાશ કર્યો, કરે છે કે કરશે તે બધાં ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરિહંત જિન કેવલી થઈને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો નાશ કર્યો છે - કરે છે - કરશે. માટે હે ગૌતમ! ઉપર મુજબ કહ્યું છે. વર્તમાનકાળમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે – ‘સિદ્ધ થાય છે.’ કહેવું. ભાવિમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે – ‘સિદ્ધ થશે’ એમ કહેવું.
છદ્મસ્થ માફક આધોવધિક અને પરમાધોવધિક જાણવા. તેમના પણ ત્રણ-ત્રણ આલાપકો કહેવા.
ભગવન્‌! અતીત અનંત શાશ્વતકાળમાં કેવલીએ યાવત્‌ સર્વે દુઃખોનો નાશ કર્યો? હા, સિદ્ધ થયા યાવત્‌ સર્વે દુઃખોનો અંત કર્યો. અહીં છદ્મસ્થ માફક ત્રણ આલાપકો કહેવાય. સિદ્ધ થયા-થાય છે-થશે.
ભગવન્‌! અતીત અનંત શાશ્વતકાળમાં, વર્તમાન શાશ્વત સમયમાં, અનાગત અનંત શાશ્વતકાળમાં જે કોઈ અંતકરે, અંતિમ શરીરીએ સર્વ દુઃખોનો નાશ કર્યો - કરે છે - કરશે તેઓ ઉત્પન્ન જ્ઞાન-દર્શન-ધર અરહંત, જિન, કેવલી થઈને સિદ્ધ થાય છે. યાવત્‌ સર્વ દુઃખોનો નાશ કરશે? હા, ગૌતમ! યાવત્‌ તેઓ અંત કરશે.
ભગવન્‌! ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત જિન કેવલિ અલમસ્તુ-પૂર્ણ કહેવાય? હા, ગૌતમ! હા તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત જિન કેવલી પૂર્ણ કહેવાય. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)