Pramāṇa · Search · About · API

Viyahapannatti 928

Viyāhapannatti: ṭīkānusārī vivecana 928

Language
Gujarati

928

‘ભગવતી’ સૂત્ર-૬૧૭ :– [૧૪/૬/૬૧૭]
ભગવન્‌! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, દિવ્ય ભોગોપભોગ ભોગવવાને ઈચ્છે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે? ગૌતમ! ત્યારે તે શક્રેન્દ્ર એક મહા ચક્ર સદૃશ ગોળાકાર વિકુર્વે, તે સ્થાન લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજન હોય, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન યાવત્‌ ૧૩ll અંગુલ હોય છે. નેમિ પ્રતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિ ભાગ બહુસમ રમણીય યાવત્‌ મણીનો સ્પર્શવાળો હોય.
તે નેમિ પ્રતિરૂપકના બહુમધ્ય દેશભાગે ત્યાં એક મહાન્‌ પ્રાસાદાવતંસક વિકુર્વે, તે ઉંચાઈમાં ૫૦૦ યોજન અને ૨૫૦ યોજન પહોળો હોય, તે અત્યંત ઉંચો અને પ્રભાપુંજથી વ્યાપ્ત યાવત્‌ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો ઉપરિતલ પદ્મલતાના ચિત્રણથી યાવત્‌ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો અંદરનો ભાગ બહુસમ રમણીય યાવત્‌ મણીના સ્પર્શવાળો હોય. તેમાં વૈમાનિકની સદૃશ આઠ યોજનની મણિપીઠિકા હોય.
તે મીણપીઠિકા ઉપર એક મહાન્‌ દેવશયનીય વિકુર્વે. શય્યાનું વર્ણન યાવત્‌ પ્રતિરૂપ કરવું. તેમાં તે શક્રેન્દ્ર આઠ સપરિવાર અગ્રમહિષી સાથે, બે સૈન્ય - નાટ્યાનિક અને ગંધર્વાનિક સાથે મહા આહત, નૃત્ય યાવત્‌ દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે.
જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય (ભોગ ભોગવવા ઈચ્છે) જેમ શક્રેન્દ્રમાં કહ્યું. તેમ બધું જ ઈશાનેન્દ્રમાં પણ કહેવું. એ પ્રમાણે સનત્કુમારમાં પણ કહેવું. વિશેષ એ કે - પ્રાસાદાવતંસક ૬૦૦ યોજન ઊંચો, ૩૦૦ યોજન પહોળો કહેવો, મણિપીઠિકા તે જ પ્રમાણે આઠ યોજનની કહેવી. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન વિકુર્વે તે સપરિવાર કહેવું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ૭૨,૦૦૦ સામાનિકો યાવત્‌ ૨,૮૮,૦૦૦ આત્મરક્ષક દેવો અને ઘણાં સનત્કુમાર કલ્પવાસી વૈમાનિક દેવ-દેવીઓ સાથે પરિવરીને યાવત્‌ (ભોગ ભોગવતો) વિચરે છે.
આ પ્રમાણે સનત્કુમારની માફક યાવત્‌ પ્રાણત, અચ્યુત (ઈન્દ્રો) કહેવા. વિશેષ એ કે – જેનો જેટલો પરિવાર, તે તેને કહેવો. પ્રાસાદ ઉચ્ચત્વ જે સ્વ-સ્વ કલ્પમાં વિમાનોનું ઉચ્ચત્વ છે, તેનાથી અડધો-અડધો વિસ્તાર યાવત્‌ અચ્યુતના ૯૦૦ યોજન ઉચ્ચત્વ અને ૪૫૦ યોજનનો વિસ્તાર છે. ત્યાં હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ અચ્યુત ૧૦,૦૦૦ સામાનિક યાવત્‌ (ભોગ ભોગવતો) વિચરે છે. બાકી પૂર્વવત્‌ ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)