Pramāṇa · Search · About · API

Viyahapannatti 94

Viyāhapannatti: ṭīkānusārī vivecana 94

Language
Gujarati

94

‘ભગવતી’ સૂત્ર-૬૩ :– [૧/૫/૬૩]
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસમાં નૈરયિકોના અવગાહના સ્થાન કેટલા છે? ગૌતમ! અસંખ્યાત અવગાહના સ્થાનો છે. તે આ – જઘન્ય અવગાહના, પ્રદેશાધિક જઘન્ય અવગાહના, દ્વિપ્રદેશાધિક જઘન્ય અવગાહના યાવત્‌ અસંખ્યાત પ્રદેશાધિક જઘન્યાવગાહના, તેને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નરકાવાસમાં જઘન્યાવગાહનામાં વર્તતો નૈરયિક શું ક્રોધોપયુક્ત છે? ગૌતમ! અહીં ૮૦ ભંગ જાણવા એ પ્રમાણે યાવત્‌ સંખ્યેયપ્રદેશાધિક જઘન્ય અવગાહના, અસંખ્યેય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તદુચિત ઉત્કૃષ્ટ અવગાહના વડે વર્તતા નૈરયિકોના અર્થાત્‌ તે બંનેના ૨૭ ભંગ જાણવા.
ભગવન્‌! આ રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નરકાવાસમાં વસતા નૈરયિકોને કેટલાં શરીરો કહ્યા છે? ગૌતમ! ત્રણ શરીર કહ્યા છે – વૈક્રિય, તૈજસ, કાર્મણ.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નરકવાસમાં વસતા અને વૈક્રિયશરીર નૈરયિક શું ક્રોધ ઉપયુક્ત છે? ગૌતમ! અહીં ૨૭-ભંગ કહેવા. આ જ ગમ વડે ત્રણ શરીરો કહેવા.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્‌ વસતા નૈરયિકોના શરીરનું કયું સંઘયણ છે? ગૌતમ! તેઓને છ માંથી એક પણ સંઘયણ નથી, તેમને શિરો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનોમ છે, તે પુદ્ગલો તેમના શરીર સંઘાતપણે પરિણમે છે.
ભગવન્‌! રત્નપ્રભામાં વસતા અને અસંઘયણી એવા નૈરયિક શું ક્રોધોપયુક્ત છે? ગૌતમ! શરીર બે ભેદે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. જે ભવધારણીય છે તે હુંડક સંસ્થાનવાળા છે અને જે ઉત્તરવૈક્રિય પણ હુંડક સંસ્થાન છે
ભગવન્‌! આ રત્નપ્રભામાં યાવત્‌ હુંડક સંસ્થાનવાળા નૈરયિક શું ક્રોધોપયુક્ત છે? ગૌતમ! અહીં ૨૭ ભંગ.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની કેટલી લેશ્યાઓ છે? ગૌતમ! એક કાપોતલેશ્યા...
ભગવન્‌! આ રત્નપ્રભામાં યાવત્‌ કાપોતલેશ્યાવાળા ક્રોધોપયુક્ત છે? - ૨૭ ભંગ.

Linked texts (1)