Pramāṇa · Search · About · API

Viyahapannatti 965

Viyāhapannatti: ṭīkānusārī vivecana 965

Language
Gujarati

965

‘ભગવતી’ સૂત્ર-૬૩૮ :– [૧૫/–/૬૩૮]
ત્યારે શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે– હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્‌ કહેવડાવતો વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર જે ગૌતમ ગોત્રના હતા, યાવત્‌ નિરંતર છઠ્ઠ-છઠ્ઠ તપ કરતા૦ એ પ્રમાણે જેમ બીજા શતકમાં નિર્ગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યું છે યાવત્‌ ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દોને સાંભળે છે. ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્‌ કહેતો વિચરે છે, તે કેમ માનવું?
ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો પાસે આ વાત સાંભળી, અવધારી યાવત્‌ જાતશ્રદ્ધ યાવત્‌ ભોજન-પાન દેખાડીને યાવત્‌ પર્યુપાસના કરતા આમ કહ્યું – એ પ્રમાણે હે ભગવન્‌! હું ભ્રમણ કરતો હતો ત્યારે ઈત્યાદિ બધું કહેવું યાવત્‌ જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. તો હે ભગવન્‌! આ વાત કેમ માનવી? તેથી હે ભગવન્‌! હું ગોશાળા મંખલિપુત્રના ઉત્થાન-પરિયાણ આપ કહો તેમ ઈચ્છું છું.
ગૌતમાદિને સંબોધીને શ્રમણ ભગવન્‌ મહાવીરે ગૌતમસ્વામીને આમ કહ્યું – જે તે ઘણાં લોકો પરસ્પર એમ કહે છે-પ્રરૂપે છે - ખરેખર, ગોશાળો જિન, જિનપ્રલાપી યાવત્‌ કહેતો વિચરે છે. તે મિથ્યા છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે –
– ખરેખર, આ ગોશાલક મંખલિપુત્રના ‘મંખલિ’ નામે મંખ પિતા હતા. તે મંખલિ મંખને ભદ્રા નામે સુકુમાલ યાવત્‌ પ્રતિરૂપ પત્ની હતી, ત્યારે તે ભદ્રા પત્ની અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ.
તે કાળે, તે સમયે શરવણ નામે સંનિવેશ હતું. તે ઋદ્ધિમય, સ્તિમિત યાવત્‌ દેવલોક સમાન પ્રકાશવાળું, પ્રાસાદીય આદિ હતું. તે શરવણ સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો, તે આઢ્ય યાવત્‌ સંપરિભૂત, ઋગ્વેદ યાવત્‌ સુપરિનિષ્ઠિત હતો. ગોબહુલ ‘બ્રાહ્મણની ગોશાળા’ હતી. ત્યારે તે મંખલી મંખ અન્ય કોઈ દિવસે ગર્ભિણી પત્ની ભદ્રા સાથે હાથમાં ચિત્રફલક લઈને મંખપણાથી પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો ગામ-ગામ વિચરતો જ્યાં શરવણ સંનિવેશ હતું, જ્યાં ગોબહુલ બ્રાહ્મણની ગોશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં ભાંડાદિ રાખ્યા. રાખીને શરવણ સંનિવેશના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાએ ભટકતો વસતિમાં ચોતરફ માર્ગ ગવેષણા કરતો, વસતિમાં ચોતરફ બધે માર્ગ ગવેષણા કરવા છતાં બીજે વસતિ પ્રાપ્ત ન થતાં તે ગોબહુલબ્રાહ્મણની ગોશાળામાં એક ખૂણામાં નિવાસ કરી રહ્યો.
ત્યારે તે ભદ્રા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ યાવત્‌ પ્રતિરૂપ બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે બાળકના માતાપિતાએ અગીયારમો દિવસ વીત્યા પછી યાવત્‌ બારમે દિવસે આ - આવા પ્રકારે ગૌણ-ગુણનિષ્પન્ન નામ કર્યુ - જેથી અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોશાળો-ગોશાલક થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગોશાલક નામ રાખ્યું.
ત્યારપછી તે ગોશાલક બાળક બાળભાવથી મુક્ત થયો, તેને વિજ્ઞાન પરિણમ્યું. યૌવનને પામ્યો. સ્વયં સ્વતંત્રપણે એક ચિત્રફલક કર્યુ, સ્વયં ચિત્રફલકને હાથમાં લઈ મંખપણે પોતાને ભાવિત કરતો વિચર્યો.

Linked texts (1)