Pramāṇa · Search · About · API

Viyahapannatti 967

Viyāhapannatti: ṭīkānusārī vivecana 967

Language
Gujarati

967

‘ભગવતી’ સૂત્ર-૬૩૯ :– [૧૫/–/૬૩૯]
તે કાળે, તે સમયે હે ગૌતમ! હું ૩૦-વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ ‘ભાવના’ અધ્યયનમાં કહ્યું તેમ યાવત્‌ એક દેવદૂષ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારપણે પ્રવ્રજિત થયો. ત્યારે હે ગૌતમ! હું પહેલાં વર્ષાવાસમાં પાક્ષિક-પાક્ષિક તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું રહ્યો.
બીજા વર્ષાવાસમાં માસ-માસક્ષમણ કરતો પૂર્વાનુપૂર્વી ચાલતા એક ગામથી બીજે ગામ વિચરતા જ્યાં રાજગૃહ નગર, જ્યાં નાલંદા બહાર જે તંતુવાય શાળા, ત્યાં આવ્યો. આવીને ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને - X - તે તંતુવાય શાળાના એક ભાગમાં વર્ષાવાસ સ્વીકારીને રહ્યો.
ત્યારે હે ગૌતમ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને રહેલો હતો. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર હાથમાં ચિત્રફલક લઈને મંખપણે પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો યાવત્‌ વિચરતો જ્યાં રાજગૃહનગર, જ્યાં નાલંદાની બહારની તંતુવાય શાળા, ત્યાં આવ્યો, આવીને તંતુવાય શાળાના એક ભાગમાં ભાંડાદિ મૂક્યા. મૂકીને રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ યાવત્‌ અન્યત્ર કયાંય વસતિ ન મળતાં, તે જ તંતુવાય શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો, ત્યાં હે ગૌતમ! વર્ષાવાસ સ્વીકારી રહ્યો.
ત્યારપછી હે ગૌતમ! પહેલાં માસક્ષમણના પારણામાં હું તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદાની બહારથી વચ્ચોવચ્ચ થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો, આવીને રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ યાવત્‌ ભ્રમણ કરતાં વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે વિજય ગાથાપતિ મને આવતો જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને જલ્દીથી આસનેથી ઉભો થયો, થઈને પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતર્યો. ઉતરીને એક શાટિક ઉત્તરાસંગ કર્યુ, મસ્તકે હાથની અંજલિ જોડી, મારા તરફ સાત-આઠ પગલાં સામે આવ્યો. મને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને મને વંદન-નમસ્કાર કર્યા, કરીને મને વિપુલ-અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભીશ એમ વિચારી સંતુષ્ટ થયો, પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો. પ્રતિલાભીને પણ સંતુષ્ટ થયો.
ત્યારપછી તે વિજય ગાથાપતિની તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, તપસ્વી વિશુદ્ધિ, ત્રિકરણ શુદ્ધિ, પ્રતિગ્રાહક (પાત્ર) શુદ્ધિ, ત્રિવિધ-ત્રિકરણ શુદ્ધિથી દાન વડે મને પ્રતિલાભિત કરતા દેવાયુષ્‌ બાંધ્યું, સંસાર પરિમિત કર્યો, તેના ઘરમાં આ પંચ દિવ્યો પ્રગટ થયાં, તે આ - વસુધારા વૃષ્ટિ, પંચવર્ણી પુષ્પોનો નિપાત, વસ્ત્રનો ઉત્ક્ષેપ, દેવદુંદુભીનો નાદ, તન્મધ્યે આકાશમાં ‘અહોદાનં-અહોદાનં’ ઉદ્ઘોષણા.
ત્યારે રાજગૃહનગરમાં શૃંગાટકે યાવત્‌ માર્ગમાં ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિને ધન્ય છે, વિજય ગાથાપતિ કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિનો આ લોક સફળ છે, વિજય ગાથાપીતનો મનુષ્ય જન્મ-જીવિત ફળ સુલબ્ધ છે કે જેના ઘરમાં તથારૂપ સાધુને પ્રતિલાભિત કરતાં આ પાંચ દિવ્યો પ્રગટ થયા. જેમકે - વસુધારા વૃષ્ટિ યાવત્‌ અહોદાનં-અહોદાનં ની ઉદ્ઘોષણા. તેથી તે ધન્ય, કૃતાર્થ, કૃતપુણ્ય, કૃતલક્ષણ, બંને લોક સાર્થક, સુલબ્ધ મનુષ્ય જન્મ-જીવિત ફળ તે વિજય ગાથાપતિના થયા.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને સમુત્પન્ન સંશય, સમુત્પન્ન કુતૂહલ, જ્યાં વિજય ગાથાપતિનું ગૃહ હતું ત્યાં આવ્યો, આવીને વિજય ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ, પંચવર્ણી પુષ્પોનો નિપાત જોયો. મને વિજય ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, મારી પાસે આવ્યો, મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, મને વંદન-નમસ્કાર કર્યા, મને આ પ્રમાણે કહ્યું–
ભગવન્‌! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો ધર્મશિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં ગોશાલક મંખલિ પુત્રની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પણ હું મૌન રહ્યો.
ત્યારપછી હે ગૌતમ! હું રાજગૃહનગરથી નીકળ્યો, નીકળીને નાલંદાની બહાર વચ્ચોવચ્ચથી ચાલતા જ્યાં તંતુવાય શાળા હતી, ત્યાં આવ્યો. આવીને બીજું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી, ગૌતમ! હું બીજા માસક્ષમણના પારણે, તંતુવાયશાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહારથી મધ્યમાં ચાલતા જ્યાં રાજગૃહનગર યાવત્‌ ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે આનંદ ગાથાપતિ મને આવતો જોઈને૦ વિજય ગાથાપતિમાં કહ્યા મુજબ જાણવું. વિશેષ એ કે - મને વિપુલ ખાદ્ય વિધિથી પ્રતિલાભશે એમ વિચારી સંતુષ્ટ થયો. બાકી બધું પૂર્વવત્‌ –
– યાવત્‌ ત્રીજું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી હે ગૌતમ! હું ત્રીજા માસક્ષમણના પારણે તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને પૂર્વવત્‌ યાવત્‌ ભ્રમણ કરતાં સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ્યો. ત્યારે સુનંદ ગાથા-પતિનું વૃત્તાંત વિજય ગાથાપતિ માફક કહેવું. વિશેષ એ કે - મને સર્વકામગુણિત ભોજન વડે પ્રતિલાભ્યો. બાકી પૂર્વવત્‌ –
– યાવત્‌ ચોથું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારે નાલંદા બહાર નીકટમાં એક કોલ્લાગ નામે સંનિવેશ હતું. સંનિવેશ વર્ણન કરવું તે કોલ્લાગ સંનિવેશમાં ‘બહુલ’ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. ઋગ્વેદ યાવત્‌ સુપરિનિષ્ઠિત હતો.
ત્યારે તે બહુલ બ્રાહ્મણ કાર્તિક ચાતુર્માસિકના પડવે વિપુલ મધુ-ઘૃત સંયુક્ત પરમાન્નથી બ્રાહ્મણોને (જમાડ્યા અને) આચમન કરાવ્યું.
ત્યારે હે ગૌતમ! હું ચોથા માસક્ષમણના પારણે તંતુવાય શાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહાર વચ્ચોવચ્ચથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું, ત્યાં આવ્યો. કોલ્લાગ સંનિવેશના ઉચ્ચનીય યાવત્‌ ભ્રમણ કરતા બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે બહુલ બ્રાહ્મણ મને આવતો જોઈને૦ - પૂર્વવત્‌ જાણવું. યાવત્‌ મને વિપુલ મધુ-ઘૃત સંયુક્ત પરમાન્નથી પ્રતિલાભશે એમ વિચારી તુષ્ટ થયો. બાકી વિજય ગાથાપતિવત્‌ જાણવું યાવત્‌ બહુલ બ્રાહ્મણના (પ્રશંસિત છે.)
ત્યારે તે ગોશાળો મંખલિપુત્ર, મને તંતુવાય શાળામાં ન જોઈને રાજગૃહનગરમાં અંદર-બહાર ચોતરફ મારી માર્ગણા-ગવેષણા કરવા લાગ્યો. મારી ક્યાંય શ્રુતિ-ક્ષુતિ-પ્રવૃત્તિની જાણ ન થતાં જ્યાં તંતુવાય શાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપાનહ ચિત્રફલક આદિ બ્રાહ્મણોને આપી દીધાં, આપીને દાઢી-મૂંછ સહિત મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાયશાળાની બહાર નીકળ્યો. નીકળીને નાલંદા બાહિરિકાથી વચ્ચોવચ્ચ ચાલ્યો, પછી જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો, ત્યારે તે કોલ્લાગ સંનિવેશની બહાર ઘણાં લોકોને પરસ્પર એમ કહેતા યાવત્‌ પ્રરૂપતા (સાંભળ્યા) હે દેવાનુપ્રિયો! બહુલ બ્રાહ્મણ ધન્ય છે, ઈત્યાદિ યાવત્‌ તેનો જન્મ, જીવિત સફળ છે.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણાં લોકો પાસે આ અર્થ સાંભળીને, અવધારીને આ - આવા પ્રકારના તેને મનોગત સંકલ્પ યાવત્‌ ઉત્પન્ન થયો. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવન્‌ મહાવીરની જેવી ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ લબ્ધ -પ્રાપ્ત અને અભિસન્મુખ થયેલ છે, તેવી બીજા કોઈ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની ઋદ્ધિ, દ્યુતિ યાવત્‌ પરાક્રમ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ થયેલ નથી. તેથી નિઃસંદેહ આ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર અહીં જ હશે, એમ કરીને કોલ્લાગ સંનિવેશમાં અંદર-બહાર, ચારે તરફ મારી માર્ગણા-ગવેષણા કરી, મને ચોતરફ યાવત્‌ શોધતાં કોલ્લાગ સંનિવેશની બાહ્ય પ્રણિતભૂમિમાં મારી સન્મુખ આવી મળ્યો.
ત્યારે તે ગોશાળો હર્ષિત-સંતુષ્ટ થઈ મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્‌ નમન કરીને આમ કહ્યું – હે ભગવન્‌! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી હે ગૌતમ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ, સત્કાર-અસત્કારને અનુભવતો અનિત્ય જાગરિકા કરતો વિચર્યો.

Linked texts (1)