Pramāṇa · Search · About · API

Viyahapannatti 969

Viyāhapannatti: ṭīkānusārī vivecana 969

Language
Gujarati

969

‘ભગવતી’ સૂત્ર-૬૪૦ :– [૧૫/–/૬૪૦]
ત્યારપછી હે ગૌતમ! હું અન્ય કોઈ દિવસે પ્રથમ શરદકાળ સમયમાં (જ્યારે) અલ્પવૃષ્ટિ થયેલ (ત્યારે) ગોશાળા સાથે સિદ્ધાર્થ ગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરે વિહાર કરવા નીકળ્યો, તે સિદ્ધાર્થગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરના અંતરમાં એક મોટો તલનો છોડ, પુષ્પ-પત્ર યુક્ત હર્યોભર્યો, શ્રી વડે અતિ શોભતો રહેલો હતો.
ત્યારે તે ગોશાળાએ તલનો છોડ જોઈને, મને વંદન-નમસ્કાર કરીને આમ પૂછ્યું કે – હે ભગવન્‌! આ તલનો છોડ નિષ્પન્ન થશે કે નહીં? આ સાત તલપુષ્પજીવો મરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? (ત્યારે મેં કહ્યું) આ તલનો છોડ નિષ્પન્ન થશે, આ સાત તલ પુષ્પ મરીને આજ તલના છોડમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે.
ત્યારે તે ગોશાળાએ મેં આમ કહેતા, આ વાતની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચી ન કરી, આ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચિ કરીને મારા નિમિત્તે ‘આ મિથ્યાવાદી થઈ જાય’ તેમ વિચારીને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં તલનો છોડ હતો ત્યાં ગયો. જઈને તે તલના છોડને માટી સહિત સમૂલ ઉખાડીને ફેંકી દીધો.
હે ગૌતમ! તે જ ક્ષણે દિવ્ય વાદળો પ્રગટ થયા, ત્યારપછી તે દિવ્ય વાદળ જલ્દીથી ગર્જવા લાગ્યા, તુરંત જ વિજળીઓ થવા લાગી, શીઘ્રતાથી અતિ માટી કે અતિ પાણી ન થાય તે રીતે પાણીની બુંદો વરસી, જ્યાં તે તલનો છોડ રહેલો, તે ત્યાં જ ચોંટી ગયો, ત્યાંજ બદ્ધમૂલ થઈને ત્યાંજ સ્થિર થઈ ગયો. તે સાત તણપુષ્પના જીવો મરીને ફરી તે જ તલના છોડમાં એક તલફલિકામાં સાત તલરૂપે ઉત્પન્ન થયા.

Linked texts (1)