Pramāṇa · Search · About · API

Viyahapannatti 971

Viyāhapannatti: ṭīkānusārī vivecana 971

Language
Gujarati

971

‘ભગવતી’ સૂત્ર-૬૪૧ થી ૬૪૪ :– [૧૫/–/૬૪૧ થી ૬૪૪]
[૬૪૧] ત્યારપછી હે ગૌતમ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપકર્મ સાથે બે હાથને ઉંચા કરી-કરી સૂર્યાભિમુખ રહી, આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે ‘જુ’ઓ ચોતરફ પડતી હતી. પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વની અનુકંપાથી તે પડતી એવી ‘જુ’ને વારંવાર ત્યાંને ત્યાં રાખતો હતો.
ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે ‘જૂ’ના સજ્જાતર છો? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર્યુ નહીં, પણ મૌન રહ્યો. ત્યારે તે ગોશાળાએ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે – શું તમે તત્ત્વજ્ઞ કે મુનિ યાવત્‌ શય્યાતર છો?
ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે-ત્રણ વખત આમ કહેતા શીઘ્ર કોપિત થયો યાવત્‌ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી ઉતર્યો, ઉતરીને તૈજસ સમુદ્ઘાતથી સમવહત થયો, થઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યું, ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય.
ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગોશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છેદ ન કરી શક્યાનું જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી. સંહરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્‌! મેં જાણી લીધું.
ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે – ભગવન્‌! આ જૂંઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે ‘મેં જાણી લીધું, ભગવન્‌! મેં સમજી લીધું.’ ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા! તું વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછ્યું કે – શું તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો અથવા જૂંઓના શય્યાતર છો? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગોશાળા! તે બાલતપસ્વીને બીજી-ત્રીજી વખત પણ પૂછ્યું કે – તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ યાવત્‌ શય્યાતર છો?, ત્યારે તે વૈશ્યાયને, તને બીજી-ત્રીજી વખત આમ કહેતો જાણીતે અતિ કોપિત થઈ યાવત્‌ પાછા ખસ્યા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી.
ત્યારે હે ગોશાળા! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલ તપસ્વીની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા છોડી યાવત્‌ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીર છેદ ન કરાયેલ જોઈને તેણે ઉષ્ણ તેજોલેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું – ભગવન્‌! મેં જાણી લીધું, ભગવન્‌! મેં સમજી લીધું.
ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્‌ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે – ભગવન્‌! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય? ત્યારે હે ગૌતમ! મેં ગોશાલકને કહ્યું – ગોશાલક! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલાં પાણીથી નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઉંચા રાખીને યાવત્‌ આતાપના લઈ વિચરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્યક્‌ વિનયપૂર્વક સ્વીકારી.
[૬૪૨] ત્યારે હે ગૌતમ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગરે વિચરવા નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું – ભગવન્‌! આપે તે દિવસે મને આમ કહેલ યાવત્‌ પ્રરૂપેલ કે હે ગોશાળા! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્‌ સાત તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો ચ્યવીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી.
ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાને કહ્યું – ત્યારે મેં કહેલા યાવત્‌ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચિ કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવત્‌ એકાંતમાં તે છોડ ફેંકી દીધો.
હે ગોશાળા! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્‌ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુષ્પજીવો પણ મરીને આ જ તલનો છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પરિહરે છે.
ત્યારે તે ગોશાલકે મારા એ કથનની યાવત્‌ પ્રરૂપેલા એ અર્થની શ્રદ્ધાદિ ન કર્યા, એ કથનની અશ્રદ્ધા યાવત્‌ અરૂચિ કરી, જ્યાં તલનો છોડ હતો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડી તોડીને તેને હથેલીમાં રાખીને મસળીને સાત તલ બહાર કાઢ્યા. ત્યારપછી તે ગોશાળાએ તે સાત તલને ગણતાં આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્‌ ઉત્પન્ન થયો - બધાં જીવ આ પ્રકારે પરિવૃત્ય પરિહાર કરે છે. હે ગૌતમ! આ ગોશાલકનો પરિવર્ત્ત છે અને હે ગૌતમ! આ ગોશાળાનું મારી પાસેથી પોતાનું પૃથક્‌ વિચરણ છે.
[૬૪૩] ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે નખસહિત એક મુઠ્ઠીમાં આવે તેટલાં અડદના બાકુળા અને એક કોગળા જેટલું પાણી લઈને નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મ પૂર્વક, બે હાથને ઉંચા રાખીને યાવત્‌ વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાળાને છ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ.
[૬૪૪] ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો, તેની પાસે આવ્યા. તે આ - શાણ આદિ પૂર્વવત્‌ કહેવું યાવત્‌ અજિન હોવા છતાં જિન શબ્દ પ્રકાશતો વિચરે છે.
હે ગૌતમ! ખરેખર તે ગોશાળો જિન નથી, તે જિનપ્રલાપી યાવત્‌ જિનશબ્દને બોલતો વિચરે છે. વસ્તુતઃ ગોશાળો અજિન છે, જિનપ્રલાપી છે યાવત્‌ જિન શબ્દને સ્વયં પ્રકાશતો વિચરે છે.
ત્યારપછી તે મહા મોટી મહત્‌ પર્ષદા શિવની જેમ પાછી ફરી.
ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટકે યાવત્‌ ઘણાં લોકો પરસ્પર યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ગોશાળો પોતાને જિન, જિનપ્રલાપી કહેતો યાવત્‌ વિચરે છે, તે મિથ્યા છે. શ્રમણ ભગવન્‌ મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે તે ગોશાલક મંખલિપુત્રના મંખલી નામે મંખ પિતા હતા, ઈત્યાદિ બધું પૂર્વોક્ત કથન જાણવું - કહેવું યાવત્‌ તે જિન નથી છતાં જિન શબ્દ બોલતો વિચરે છે. પણ તે ગોશાળો જિન નથી, માત્ર જિનપ્રલાપી થઈ વિચરે છે. શ્રમણ ભગવન્‌ મહાવીર જિન છે, જિન કહેતા એવા યાવત્‌ જિન શબ્દને પ્રકાશતા વિચરે છે.
ત્યારે તે ગોશાળાએ ઘણાં લોકો પાસે આ કથન સાંભળીને અવધાર્યુ. તે અતિ ક્રોધિત થયો યાવત્‌ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી નીચે ઉતર્યો, ઉતરીને શ્રાવસ્તીનગરી વચ્ચોવચ્ચથી હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, અતિ રોષ ધારણ કરતો ત્યાં રહ્યો.

Linked texts (1)