Viyahapannatti 977
Viyāhapannatti: ṭīkānusārī vivecana 977
- Language
- Gujarati
977
‘ભગવતી’ સૂત્ર-૬૪૯ થી ૬૫૪ :– [૧૫/–/૬૪૯ થી ૬૫૪]
[૬૪૯] ત્યારે શ્રમણ ભગવાન્ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું –
હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસી થી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દુર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી કપાસના પક્ષ્મથી કે તણખલાં વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતને લુપ્ત માને, અપલાયિત છતાં પોતાને પલાયિત માને,
એ પ્રમાણે હે ગોશાલક! તું બીજો ન હોવા છતાં તને ‘બીજો છો’ તેમ બતાવે છે. તેથી હે ગોશાળા! તું આવું ન કર, આમ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી.
[૬૫૦] ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, ભગવંતને ઉટપટાંગ આક્રોશવચનથી આક્રોશવા લાગ્યો, ઉદ્ઘર્ષણા વચનોથી અપમાન કરવા લાગ્યો, સારા-ખરાબ શબ્દોથી નિર્ભર્ત્સના કરવા લાગ્યો. વિવિધ દુર્વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો. પછી આ પ્રમાણે કહ્યું – કદાચ તમે નષ્ટ થઈ ગયા છો, વિનષ્ટ થઈ ગયા છો, ભ્રષ્ટ થઈ ગયા છો, નષ્ટ-વિનષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા છો. આજે તમે જીવતા નહીં રહો, મારા દ્વારા તમારું શુભ થવાનું નથી.
[૬૫૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય પૂર્વ દેશમાં જન્મેલ સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તેણે ધર્માચાર્યના અનુરાગથી, ગોશાલકના કથન પ્રતિ અશ્રદ્ધા કરતા ઉત્થાનથી ઉઠ્યા, ઉઠીને ગોશાળા પાસે આવ્યા, આવીને ગોશાળાને કહ્યું –
હે ગોશાળા! જે મનુષ્ય તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન -નમસ્કાર કરે છે યાવત્ કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કરે છે. તો હે ગોશાળા! તારા માટે તો કહેવું જ શું?
ભગવંતે તને પ્રવ્રજિત કર્યો, ભગવંતે જ મુંડિત કર્યો, ભગવંતે જ શિક્ષા આપી, ભગવંતે જ કેળવ્યો, ભગવંતે જ બહુશ્રુત કર્યો અને તું ભગવંત પ્રત્યે જ મિથ્યાત્વ અંગીકાર કરે છે. હે ગોશાલક! તું આવું ન કર, તારે માટે આમ કરવું યોગ્ય નથી, તું તે જ ગોશાળો છે, બીજો નથી, તારી તે જ પ્રકૃત્તિ છે.
ત્યારે તે ગોશાળો સર્વાનુભૂતિ અણગારને આમ કહેતા સાંભળી ક્રોધિતાદિ થયો. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ-તેજથી એક પ્રહારમાં કૂટાઘાત માફક યાવત્ ભસ્મરાશિ કરી દીધા.
ત્યારે તે ગોશાલકે સર્વાનુભૂતિ અણગારને - X - યાવત્ ભસ્મરાશિ કર્યા પછી બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દો વડે આક્રોશ કર્યો યાવત્ તમને સુખ નથી.
તે કાળે, તે સમયે ભગવંતના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિભદ્રક, વિનીત હતા. તેણે ધર્માચાર્યના અનુરાગથી જેમ સર્વાનુભૂતિએ કહ્યું, તેમ કહ્યું યાવત્ હે ગોશાલક! તું તે જ છે, તારી પ્રકૃતિ તે જ છે, તું બીજો કોઈ નથી.
સુનક્ષત્ર અણગારે આમ કહેતા ગોશાળો ક્રોધિતાદિ થયો. પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને બાળી નાંખ્યા. ત્યારે તે સુનક્ષત્ર અણગાર, ગોશાળાના તપ-તેજથી પરિતાપિત થતાં, ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કર્યા, સ્વયં જ પાંચ મહાવ્રતોનું (પુનઃ) આરોપણ કર્યુ, શ્રમણ-શ્રમણીઓને ખમાવ્યા, ખમાવીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી ક્રમશઃ કાળ કર્યો.
ત્યારે તે ગોશાળો સુનક્ષત્ર અણગારને પોતાના તપ-તેજથી પરિતાપીને શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દોથી આક્રોશ કરતો યાવત્ તને સુખ નથી કહ્યું.
ત્યારે ભગવંતે તેને એમ કહ્યું – હે ગોશાળા! જે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળે યાવત્ પર્યુપાસે છે. હે ગોશાળા! તારે માટે તો કહેવું જ શું? તને મેં જ પ્રવ્રજિત કર્યો યાવત્ મેં જ બહુશ્રુત કર્યો. મારા પ્રત્યે તેં મિથ્યાત્વ અપનાવ્યું. હે ગોશાળા ! તું એવું ન કર, યાવત્ તું બીજો કોઈ નથી.
ત્યારે તે ગોશાલક, ભગવંતને આમ કહેતા સાંભળી ક્રોધિત આદિ થયો, તૈજસ સમુદ્ઘાતથી સમવહત થયો, સાત આઠ ડગલાં પાછો ખસ્યો. ખસીને ભગવંતના વધને માટે શરીરમાં રહેલ તેજ કાઢ્યું જેમ વાતોત્કલિકા, વાત મંડલિકા પર્વત, ભીંત, સ્તંભ, સ્તૂપથી આવારિત અને નિવારિત થતી, તે પર્વતાદિ પર પોતાનો થોડો પણ પ્રભાવ ન દેખાડતી, વિશેષ પ્રભાવ ન દેખાડતી રહે. તે જ રીતે ભગવંતના વધ માટે ગોશાળાએ શરીરમાંથી કાઢેલી તેજોલેશ્યા ભગવંત પર થોડો કે વધુ પ્રભાવ ન દેખાડી શકી, માત્ર પ્રદક્ષિણા કરી, ઉપર આકાશમાં ઉછળી ગઈ ત્યાંથી પડીને, પાછી ફરતા ગોશાળાના શરીરને વારંવાર દઝાડતી, છેલ્લે ગોશાળાના શરીરમાં જ પ્રવેશી ગઈ.
ત્યારે તે ગોશાલક પોતાની તેજોલેશ્યાથી પરાભૂત થઈને શ્રમણ ભગવંત મહાવીરને કહેવા લાગ્યો. હે આયુષ્યમાન્ કાશ્યપ! તું મારા તપ-તેજથી પરાભવ પામીને છ મહિનામાં પિત્તજ્વર ગ્રસ્તશરીરી, દાહની પીડા અનુભવતો છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાળાને કહ્યું – હે ગોશાળા! હું તારા તપ-તેજથી પરાભૂત થઈને છ માસમાં યાવત્ કાળ નહીં કરું. હું હજી બીજા સોળ વર્ષ ‘જિન’પણે સુહસ્તીવત્ વિચરીશ.
પણ હે ગોશાળા! તું તારા પોતાના તપ-તેજથી પરાભૂત થઈને સાત રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરે યાવત્ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ.
ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગમાં ઘણાં લોકો એકબીજાને આમ કહેતા યાવત્ પ્રરૂપતા હતા કે હે દેવાનુપ્રિયો! શ્રાવસ્તી નગરી બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિનો પરસ્પર સંલાપ કરે છે - એક કહે છે – તું પહેલા કાળ કરીશ. બીજા કહે છે – તું પહેલા કાળ કરીશ. તેમાં કોણ સમ્યગ્વાદી અને કોણ મિથ્યાવાદી? તેમાં જે મુખ્ય માણસ હતો, તેણે કહ્યું કે ભગવંત સમ્યગ્વાદી છે, ગોશાળો મિથ્યાવાદી છે.
હે આર્યો! એમ શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યો! જેમ કોઈ તૃણ-કાષ્ઠ-પત્ર-છાલ-તુષ -ભૂસ-છાણ કે કચરાનો ઢગલો હોય તેને અગ્નિધ્માપિત, અગ્નિ ઝોસીત, અગ્નિ પારિણામિત થવાથી હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ, વિનષ્ટતેજ યાવત્ થાય તેમ મંખલિપુત્ર ગોશાળાએ મારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી, તેથી તે હતતેજ, ગતતેજ યાવત્ વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે, હવે હે આર્યો! તમે સ્વેચ્છાથી ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરો, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરો, ધાર્મિક પ્રત્યુપચાર વડે ઉપચાર કરો, ધાર્મિક અર્થ-હેતુ-પ્રશ્ન-વ્યાકરણ અને કારણો વડે તેને નિપૃષ્ટ પ્રશ્ન વ્યાકરણ કરો.
ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો, ભગવંતે આમ કહેતા, ભગવંતને વંદન-નમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિચોદના વડે પ્રેરે છે, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરે છે, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ-હેતુ-કારણો વડે યાવત્ નિરુત્તર કરે છે.
ત્યારે તે ગોશાળો શ્રમણ-નિર્ગ્રન્થ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવત્ નિરુત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ-નિર્ગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાંક આજીવિક સ્થવિરોએ જોયું કે શ્રમણ નિર્ગ્રન્થો દ્વારા ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત કરાતા, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપ-ચારથી ઉપચાર કરાતા, અર્થ-હેતુ આદિથી નિરુત્તર કરાતા યાવત્ ક્રોધિત થઈને યાવત્ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિર્ગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા.
કેટલાંક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા.
ત્યારે તે ગોશાળો જે કાર્ય માટે શીઘ્ર આવેલો, તે કાર્યને સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ઘ ઉચ્છ્વાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગર્દન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે! હા હા! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયો,
નીકળીને શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમ્રગુટલી હાથમાં લઈને મદ્યપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો.
[૬૫૨] હે આર્યો! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યો! ગોશાલક મંખલિપુત્રે મારા વધને માટે તેના શરીરમાંથી તેજોલેશ્યા કાઢેલી. તે તેજ ૧૬-જનપદોના ઘાત-વધ-ઉચ્છેદ-ભસ્મ કરવાને પર્યાપ્ત હતું તે ૧૬-જનપદ આ પ્રમાણે – અંગ, બંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાઢ, વજ્ર, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુંભુતર.
હે આર્યો! ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં હાથમાં આમ્રગુટલી લઈને, મદ્યપાન કરતો, વારંવાર યાવત્ અંજલિકર્મ કરતો વિચરી રહ્યો છે. તે પોતાના તે પાપનું પ્રચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણા કરે છે. તે આ - ચરમ એવા – પાન, ગાન, નાટ્ય, અંજલિકર્મ, પુષ્કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિલાકંટક સંગ્રામ અને (તીર્થંકર એટલે ગોશાલક મંખલિપુત્ર) હું આ અવસર્પિણીના ૨૪-તીર્થંકરોમાં ચરમ તીર્થંકરરૂપે સિદ્ધ થઈ યાવત્ અંત કરીશ.
હે આર્યો! ગોશાળો શીતલ મૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચતો વિચરે છે, તે પાપને છૂપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે - તે પાનક કયા છે? પાનક ચાર ભેદે છે – ગોપુઠ્ઠક, હાથથી મસળેલ, આતપથી તપેલ, શિલાથી પડેલ.
તે અપાનક ક્યા છે? અપાનક ચાર ભેદે છે – સ્થાલપાનક, છાલપાનક, સિંબલિપાનક, શુદ્ધપાનક.
તે સ્થાલપાનક શું છે? પાણી વડે ભીંજાયેલ – થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે.
તે ત્વચા (છાલ) પાનક શું છે? જે આમ્ર, અંબાડગ આદિ જેમ પ્રયોગપદમાં કહ્યા યાવત્ બોર, તિંદુરુક તથા જે તરુણ, અપક્વ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી શકાય તે.
તે શિંબલિપાનક શું છે? જે કલાય-મગ-અડદ કે શિંબલીની ફલી તરુણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે.
તે શુદ્ધપાનક શું છે? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સુએ, બે માસ કાષ્ઠ સંથારે સુએ, બે માસ દર્ભ સંથારે સુએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતાં, છેલ્લી રાત્રિમાં બે મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે – પૂર્ણભદ્ર, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અગ્નિકાય સંભવે છે, તે પોતાના તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે.
તે શ્રાવસ્તી નગરીમાં અયંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે આઢ્ય યાવત્ અપરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો.
ત્યારે તે અયંપુલ આજીવિકોપાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ થયો કે – ‘હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે?
ત્યારે તે અયંપુલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો - નિશ્ચે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર ઉત્પન્ન જ્ઞાનદર્શનધર યાવત્ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતા વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં તેમને વંદન યાવત્ પર્યુપાસના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું (ઉત્તર મેળવું) એ પ્રમાણે નિશ્ચય કર્યો.
બીજે દિવસે યાવત્ જાજ્વલ્યમાન સૂર્ય થતાં (અયંપુલે) સ્નાન કર્યુ યાવત્ અલ્પ પણ મહાર્ઘ આભરણાલંકૃત્ શરીર (કરીને) પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતાં શ્રાવસ્તી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણે આવ્યો.
આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિકર્મ કરતાં, શીતળ માટી વડે યાવત્ ગાત્રોને સિંચતા જોઈને લજ્જિત, ઉદાસ, વ્રીડિત થઈ ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અયંપુલ આજીવિકોપાસકને લજ્જિત યાવત્ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું –
હે અયંપુલ! અહીં આવો. ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયંપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યા. કરીને થોડો સમીપ બેસી પર્યુપાસવા લાગ્યો.
હે અયંપુલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અયંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું – હે અયંપુલ! મધ્યરાત્રિ પછીના કાળે યાવત્ ‘હલ્લા’ કયા આકારે છે? ત્યાર પછી હે અયંપુલ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો૦ ઈત્યાદિ બધું જ કહેવું. યાવત્ શ્રાવસ્તી નગરી મધ્યેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીઘ્ર આવ્યો, હે અયંપુલ! શું આ અર્થ બરાબર છે? - - હા, છે.
હે અયંપુલ! જ્યારે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્રને અહીં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિ કરતાં વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પ્રરૂપ્યા છે. ચરમ પાન યાવત્ બધાં દુઃખોનો અંત કરશે. હે અયંપુલ! જે આ તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર અપાનક પ્રરૂપેલ છે, તે પાનક કયા પ્રકારે છે? યાવત્ ત્યારપછી તેઓ સિદ્ધ થઈ યાવત્ અંત કરશે. તેથી હે અયંપુલ! તમે જાઓ, તમારા ધર્માચાર્ય૦ ને આવા પ્રશ્નો પૂછો.
ત્યારે તે અયંપુલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠ્યો. ઉઠી ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિકસ્થવિરોએ ગોશાલકને તે આમ્રગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમ્રગુટિકાને એકાંતમાં ફેંકી દીધી.
ત્યારે તે અયંપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસવા લાગ્યો.
અયંપુલાદિને આમંત્રી, ગોશાલક મંખલિપુત્રે અયંપુલને આમ કહ્યું – હે અયંપુલ! મધ્યરાત્રિ પછીના કાળે યાવત્ મારી પાસે શીઘ્ર આવેલ છે. હે અયંપુલ! શું આ અર્થ સમર્થ છે? હા, છે. મારી પાસે તે આમ્રગુટલી નહીં, આમ્ર ફળની છાલ હતી. (તારો પ્રશ્ન છે–)
‘હલ્લા’ નો આકાર શું છે? ‘હલ્લા’ વાંસના મૂળના આકારે છે. હે વીરો! વીણા વગાડો (૨).
ત્યારે તે અયંપુલ, ગોશાલક મંખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હૃષ્ટ, તુષ્ટ યાવત્ આનંદિત હૃદય થયો. પછી ગોશાલકને વંદન, નમસ્કાર કરી, કેટલાંયે પ્રશ્નો પૂછ્યા, અર્થ ગ્રહણ કર્યા. પછી ઉત્થાનથી ઉઠ્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પાછો ફર્યો.
ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવક સ્થવિરોને બોલાવ્યા, બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવજો, કરાવીને કોમળ, રૂંવાટીવાળા ગંધકાષાયિક વસ્ત્રથી મારું શરીર લુંછજો. પછી સરસ ગોશીર્ષ ચંદનથી શરીરને લીંપજો, પછી મહાર્હ હંસલક્ષણ પટશાટક મને પહેરાવજો. મહાર્હ સર્વાલંકારથી વિભૂષિત કરજો. સહસ્રપુરુષવાહિની શિબિકામાં પધરા-વજો, પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં મોટા મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા આમ કહેજો–
હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી થઈ યાવત્ જિનશબ્દને પ્રકાશનો વિચરીને આ અવસર્પિણીના ચોવીશ તીર્થંકરોમાં ચરમ તીર્થંકરરૂપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ક્ષીણ થયા, ઋદ્ધિ-સત્કાર સાથે મારા શરીરનું નીહરણ કરજો. ત્યારે આજીવિકસ્થવિરોએ ગોશાલકમંખલિપુત્રના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
[૬૫૩] ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ સમુત્પન્ન થયો - નિશ્ચે હું જિન નથી, તો પણ હું જિનપ્રલાપી થઈ યાવત્ જિન શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપ્રત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અયશકારક, અવર્ણકારક, અકીર્તિકારક છું.
હું અસત્ ભાવના પૂર્ણ મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને-પરને-તદુભયને વ્યુદ્ગ્રાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, સાતમી રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, (ખરેખર તો) શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનપ્રલાપી યાવતત્ર જિનશબ્દ પ્રકાશતા વિચરે છે.
ગોશાલકે આ પ્રકારે સંપ્રેક્ષણ કર્યુ, કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ-નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું – હું જિન નથી, તો પણ જિનપ્રલાપી યાવત્ છદ્મસ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિન શબ્દથી પ્રગટ કરતા વિચરે છે.
હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શુંબનું દોરડું બાંધજો, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થુંકજો. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં અહીં-તહીં ઘસેડતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહેજો –
હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનપ્રલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવત્ છદ્મસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ વિચરે છે. મહા અઋદ્ધિપૂર્વક, અસત્કાર કરતાં મારા શરીરનું નીહરણ કરજો. આમ બોલી કાળધર્મ પામ્યો
[૬૫૪] ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાળાને કાલગત જાણીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના બારણા બંધ કર્યા. કરીને તે દુકાનમાં બહુમધ્ય દેશભાગમા શ્રાવસ્તીનગરી આલેખી, આલેખીને ગોશાલક મંખલિ-પુત્રના શરીરને ડાબા પગે શુંબની દોરડી બાંધી, પછી ત્રણ વખત તે મૃતકના મુખમાં થુંક્યા. થુંકીને (ચીતરેલ) શ્રાવસ્તીના શૃંગાટક યાવત્ માર્ગમાં અહીં-તહીં (શરીરને) ઘસેડ્યું. તે વખતે મંદમંદ શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આમ કહ્યું કે – હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતા, જિનપ્રલાપી થઈ યાવત્ વિચરતા હતા. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળ પામ્યા. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિન પ્રલાપી છે, યાવત્ વિચરે છે. આ પ્રમાણે શપથ (સોગંદ)થી મુક્ત થયા.
ત્યારપછી બીજી વખત પૂજા સત્કારના સ્થિરિકરણાર્થે ગોશાલક મંખલિપુત્રના ડાબા પગથી સુંબની દોરડી છોડી નાંખી, છોડીને હાલાહલા કુંભારણની કુંભારાપણના દ્વાર પણ ખોલી નાંખ્યા, ખોલીને ગોશાળાના શરીરને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ મહાન ઋદ્ધિ સત્કાર સાથે તેના શરીરનું નીહરણ કર્યુ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit